
મિસ યુનિવર્સ 2025 વિવાદોથી ભરેલી રહી હતી, અને ફિનાલે પછી પણ, આ વિવાદ સતત ચાલુ રહ્યો છે. મિસ યુનિવર્સ 2025 ફિનાલે 21 નવેમ્બરના રોજ બેંગકોકમાં યોજાઈ હતી, જ્યાં મેક્સિકોની ફાતિમા બોશે ટાઇટલ જીત્યું હતું. જોકે, શરૂઆતથી જ તેની જીત પર ગોટાળા અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા, સોશિયલ મીડિયા યુઝર્સે તેમની જીતને ડેમેજ કંટ્રોલનુ નામ આપ્યું હતું. આ દરમિયાન, બીજો એક મોટો મુદ્દો બહાર આવ્યો છે, કોટ ડી’આઇવોરનું પ્રતિનિધિત્વ કરતી ફાઇનલિસ્ટ ઓલિવિયા યાસેએ મિસ યુનિવર્સ આફ્રિકા અને ઓશનિયા 2025નો ટાઇટલ પાછો આપી દીધો છે. ફિનાલેના થોડા જ દિવસો પછી તેણે ટાઇટલ પાછું આપવાની જાહેરાત કરી.

મિસ કોટ ડી’આઇવોર સમિતિએ સોમવારે ફેસબુક પર જાહેરાત કરી હતી કે તેણે મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનને ઔપચારિક રીતે જાણ કરી છે કે, કોટ ડી’આઇવોરની સ્પર્ધક ઓલિવિયા યાસે હવે સંસ્થા દ્વારા આપવામાં આવેલ કોઈ ટાઇટલ કે જવાબદારી સંભાળતી નથી. સમિતિએ જણાવ્યું હતું કે, ઓલિવિયા, જેમને મિસ કોટ ડી’આઈવોર 2021નો તાજ પહેરાવવામાં આવ્યો હતો, તે વ્યક્તિગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી રહી છે. 21 નવેમ્બર, 2025ના રોજ બેંગકોકમાં 74મી મિસ યુનિવર્સ ફિનાલે પછી તેને આ ખિતાબ મળ્યો હતો.

ઓલિવિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ ખિતાબ પરત કરવાના નિર્ણયની જાહેરાત કરી, જેમાં તેણે જણાવ્યું હતું કે, આ ભૂમિકા તેના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સુસંગત નથી. તે આદર, ગૌરવ અને સમાન તકોમાં વિશ્વાસ કરે છે, અને આ પદ તેને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા દેતું નથી. તેણે વધુમાં કહ્યું, ‘કોટ ડી’આઈવોરનું પ્રતિનિધિત્વ કરીને, મેં સાબિત કર્યું છે કે, હું કોઈપણ પડકારનો સામનો કરી શકું છું. જો કે, આ ભૂમિકામાં ચાલુ રહેવાથી મારો વિકાસ અટકી જશે. દિલથી આભાર વ્યક્ત કરવાની સાથે હું મિસ યુનિવર્સ આફ્રિકા અને ઓશનિયાના ખિતાબ અને મિસ યુનિવર્સ સમિતિ સાથે આવનારા સંબંધોમાંથી રાજીનામું આપું છું.’

તેણે વધુમાં જણાવ્યું હતું કે, એક એમ્બેસેડર અને બ્યુટી ક્વિન તરીકે, તેણે હંમેશા સમર્પણ અને પ્રામાણિકતા સાથે કામ કર્યું છે, પરંતુ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે, તેણે તેના નૈતિક સિદ્ધાંતો પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. હું યુવાનોને એ સંદેશ આપવા માંગુ છું કે, તમારી સીમા ઓળંગી દો. હું કાળા, આફ્રિકન, કેરેબિયન, અમેરિકન અને બધા આફ્રો-વંશજ સમુદાયોને કહેવા માંગુ છું કે, જ્યાં તેમની અપેક્ષા કરવામાં ન આવે ત્યાં જવાનું ચાલુ રાખો.’

ઓલિવિયા દ્વારા અચાનક રાજીનામાની જાહેરાત પછી મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઓલિવિયાના રાજીનામાથી મિસ યુનિવર્સ 2025ની આસપાસના વિવાદને ફરીથી ચીંગારી મળી ગઈ છે. જ્યારે સોશિયલ મીડિયા પહેલાથી જ ફાતિમાને અયોગ્ય વિજેતા ગણાવી રહ્યું હતું, ત્યારે ઓલિવિયાના પ્રદર્શનની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી, અને ઇન્ટરવ્યુ રાઉન્ડ દરમિયાન તેનો પ્રતિભાવ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

મિસ યુનિવર્સ જીત્યા પછી ઓલિવિયા એકમાત્ર નથી જેણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોય. તેમના પહેલા, મિસ યુનિવર્સ એસ્ટોનિયા 2025, બ્રિજિટા શાબેકે પણ થોડા દિવસો પછી પોતાના ખિતાબ પરથી રાજીનામું આપ્યું હતું. સ્પર્ધામાં શું ચાલી રહ્યું છે અને સ્પર્ધકો સંગઠનથી કેમ દૂર થઈ રહ્યા છે તે અંગે ચાહકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

