
શું Google તમારું Gmail વાંચી રહ્યું છે? આ દાવો સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે Google તમારા Gmail મેસેજિસનો ઉપયોગ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સ (AI)ને તાલીમ આપવા માટે કરી રહ્યું છે. જોકે, Googleએ આ આરોપોને ભ્રામક ગણાવ્યા છે. કંપનીએ કહ્યું છે કે, ‘તેણે પોતાની પોલિસીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી.’ Googleના પ્રવક્તા જેની થોમસને શુક્રવારે કહ્યું હતું કે, અમે તેના જેમિની AI મોડેલને તાલીમ આપવા માટે Gmail સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા નથી.
એક સિક્યોરિટી બ્લોગ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, Google યુઝર્સની મરજી વિના તેમના ખાનગી ઇમેઇલ્સ ઍક્સેસ કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે Gmailના સ્માર્ટ ફીચર્સ વર્ષોથી કાર્યરત છે અને તેમણે સેટિંગ્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મેલવેરબાઇટ્સે એક તપાસ પ્રકાશિત કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે Google માટે લોકોના ખાનગી મેસેજિસઓ અને અટેચમેન્ટનું વિશ્લેષણ કરી રહ્યું છે, જેથી સ્માર્ટ કમ્પોઝ અને સ્માર્ટ રિપ્લાય જેવા AI ટૂલ્સને વધુ સારા કરી શકાય.

સોશિયલ મીડિયા પર યુઝર્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે તેમના Gmailમાં સ્માર્ટ ફીચર ડિફોલ્ટ રૂપે ચાલુ છે. આનાથી યુઝર્સ તેમની ગોપનીયતાને લઈને ચિંતિત છે અને ઘણા લોકોએ તરત જ આ ફીચર બંધ કરી દીધું છે. હવે પ્રશ્ન એ છે કે, આ સ્માર્ટ ફીચર્સ શું છે. આ તે જ ટૂલ્સ છે, જેનો Gmail યુઝર્સ વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે. અહી સ્પેલિંગ ચેક, પ્રિડેક્ટિવ ટેક્સ્ટ, ઓટોમેટિક પેકેજ ટ્રેનિંગ અને કેલેન્ડર ઇન્ટિગ્રેશન જેવા ટૂલ્સને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ સુવિધાઓ વર્કસ્પેસમાં વ્યક્તિગત અનુભવ પ્રદાન કરવા માટે તમારા ઇમેઇલની સામગ્રીનો ઉપયોગ કરે છે. Googleનું કહેવું છે કે પર્સનલાઇઝેશન જેમિનીની ટ્રેનિંગ ડેટાથી અલગ છે. જોકે, સ્માર્ટ ફીચર્સ તમારા ઇમેઇલનું વિશ્લેષણ કરીને ક્વીક રિપ્લાઇ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આ જાણકારી આવ્યા બાદ, 11 નવેમ્બરના રોજ કંપની સામે એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો. કેટલાક યુઝર્સનો આરોપ છે કે તેમણે Gmailની સ્માર્ટ ફીચરને બંધ કરી દીધી હતી, જે રહસ્યમય રીતે ફરીથી ઓન થઈ ગઈ છે.

