
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી શરૂ થનારી 3 મેચની વન-ડે સીરિઝ માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કેએલ રાહુલને 15 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલ ગળાની ઈજાને કારણે સીરિઝમાંથી બહાર છે, એવામાં રાહુલ ટીમનો હવાલો સંભાળશે. ચાલો જાણીએ આ સિલેક્શનની કેટલીક મહત્ત્વની વાતો.
તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડને તક
તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડ લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં પાછા ફર્યા છે. ઋતુરાજે તાજેતરમાં ઈન્ડિયા-A માટે ઘણી પ્રભાવશાળી ઇનિંગ્સ રમી હતી, જેના કારણે માનવમાં આવી રહ્યું છે કે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે. તો તિલક વર્મા પર એશિયા કપ ફાઇનલ બાદથી મેનેજમેન્ટે સતત વિશ્વાસ રાખ્યો છે. તો ગિલ અને શ્રેયસ ઐયરને ઈજા થયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ગાયકવાડ અને તિલક વર્મામાંથી કોઈ એકને તક આપવામાં આવશે, પરંતુ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

પંત-જાડેજાની વાપસી
ઋષભ પંતે બ્લૂ જર્સીમાં વાપસી કરી છે. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જોકે, તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં પાછો ફર્યો અને પોતાની ફિટનેસ સાબિત કરી. એવામાં હવે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રવિન્દ્ર જાડેજાની વન-ડે પસંદગી એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ગયા મહિને ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ નહોતો. તે સમયે એવું માનવામાં આવ્યું હતું કે તે હવે કોચ ગંભીરની યોજનાઓનો ભાગ નથી. જાડેજાએ વન-ડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે. ધ્રુવ જુરેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જસપ્રીત બૂમરાહને વન-ડે સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે જેથી તે T20 સીરિઝ અગાઉ આરામ કરી શકે. હકીકતમાં, બૂમરાહ છેલ્લા કેટલાક સમયથી સતત મેચ રમી રહ્યો છે, જેના કારણે તેના વર્કલોડ અંગે ચિંતાઓ વધી રહી છે. T20 વર્લ્ડ કપ આગામી વર્ષે થવાનો છે. આની તૈયારી માટે બૂમરાહને વન-ડે માંથી આરામ આપવામાં આવ્યો છે. પ્રસિદ કૃષ્ણા અને અર્શદીપ સિંહને ફાસ્ટ બોલિંગ લાઇનઅપમાં સામેલ કરવામાં આવ્યા છે. હર્ષિત રાણા પણ ટીમમાં છે, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે સીરિઝનું શેડ્યુલ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમશે. ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી 5 મેચની T20 સીરિઝ પણ રમાવાની, જેના માટે ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.
દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરિઝ માટે ભારતની ટીમ:
રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કે.એલ. રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રુતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.

