
અયોધ્યા રામ મંદિરના ધ્વજ પર સૂર્ય સાથે-સાથે કોવિદાર વૃક્ષ પણ અંકિત કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તે રાજા રામના રઘુકુળના તેજ, બલિદાન અને તપનું પ્રતિક છે. ઘણા બધા ઔષધીય ગુણધર્મો ધરાવતું આ વૃક્ષ અવધ પ્રદેશ માટે સામાન્ય છે. તેને કચનાર, કચનાલ અથવા કંછનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉત્તર ભારતના હિમાલયની તળેટીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેનો ઉલ્લેખ કાલિદાસની રચનાઓ- રઘુવંશ અને મેઘદૂતમાં મળે છે. આ ઉપરાંત પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિના ગ્રંથોમાં પણ કોવિદારનો વ્યાપક ઉલ્લેખ મળે છે.
વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે, ‘એ મહાત્મા (ભરત)ના ધ્વજ પર કોવિદાર વૃક્ષ સુશોભિત થઈ રહ્યું છે. હું પોતાના વિવેક અને સુંદર હાથી પરથી પણ આવું અનુમાન લગાવું છું કે તે ભરત જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અયોધ્યામાં પોતાના ભાષણમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો.

અયોધ્યા કાંડમાં કહેવામાં આવ્યું છે કે,
વિભાતિ કોવિદારશ્ચ ધ્વજે તસ્ય મહાત્મનઃ।
તર્કયામિ મતિં ચૈવ તં ચૈવ વરવારણમ્ ॥
કવિ કાલિદાસ કચનાર વૃક્ષની સુંદરતાથી એટલા મુગ્ધ થયા છે કે તેમણે મેઘદૂતમાં મેધને સીધા કહ્યું કે તમારા મિત્રનું પ્રાંગણ કોવિદાર ફૂલોથી ભરેલું છે. તેઓ લખે છે- કોવિદારઃ કુસુમિતસ્તવ સખ્યુરાગ્રે
કિરાતાર્જૂનિયમથી લઇને આજ સુધીના કવિઓએ કચનાર વૃક્ષની સુંદરતાનું વિવિધ રીતે વર્ણન કર્યું છે. પરંતુ તેની સુંદરતામાં મર્યાદાઓ પણ છે. તે મર્યાદા લોકોકલ્યાણની છે. પ્રાચીન ગ્રંથો અનુસાર, તેની છાલ, પાંદડા અને ફૂલો રોગો મટાડે છે. તેનું વૈજ્ઞાનિક નામ બૌહિનિયા વેરિગાટા છે. તે મૂળ ભારતનું છે. જો કે, તે નેપાળ, મ્યાંમાર અને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક અન્ય દેશોમાં પણ જોવા મળે છે. તે સામાન્ય રીતે 8 થી 12 મીટરની ઊંચાઈ સુધી વધે છે. પાનખર દરમિયાન તેના પાંદડા ફેબ્રુઆરી અને માર્ચમાં ખરી પડે છે, અને આખું વૃક્ષ સુંદર લાલ, ગુલાબી અને જાંબલી રંગના સુંદર ફૂલોથી લદાઇ જાય છે. તેને અંગ્રેજીમાં ઊંટના પગ જેવું ઝાડ પણ કહેવામાં આવે છે કારણ કે તેના પાંદડા બે ભાગમાં વહેંચાયેલા હોય છે.

ચરક સંહિતાથી લઈને સુશ્રુત સંહિતા, ભાવ પ્રકાશ અને રાજનિઘંટુંમાં તેના ઔષધીય ગુણધર્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચરક સંહિતામાં તેને કૃમિનાશક છે અને તેમાં એસ્ટ્રિંજન્ટના ગુણધર્મોવાળું ગણાવ્યું છે. સુશ્રુત સંહિતા તેને ગળાના ગઠ્ઠાથી લઈને કોઢ સુધીની બીમારીઓ માટે ઉપયોગી ગણાવ્યું છે. અન્ય ઘણા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ઉધરસ માટે ઉપયોગી તરીકે કરવામાં આવ્યો છે.
કોવિદારની છાલને પાંચન ઉપરાંગ થાઇરોઇડ જેવી બીમારીઓની સારવાર માટે દવા બનાવવામાં પણ થાય છે. ઘણી જગ્યાએ કચનારને રાયતાના રૂપમાં ખૂબ જ ખાવામાં આવે છે. આ ઉપરાંત કચનારની શિંગોનું શાક પણ બનાવવામાં આવે છે. તેની સુંદરતા અને ઔષધીય ગુણધર્મોને કારણે તે રઘુકુળ કુળના ધ્વજ પર પ્રતિક તરીકે અંકિત કરવામાં આવ્યું હતું. આ વખતે રામ મંદિરના ધર્મ ધ્વજ પર કોવિદાર ઉપરાંત, રઘુકુળ કુળના આદિ પુરુષ સૂર્ય અને ઓમકાર ચિહ્ન પણ અંકિત કરવામાં આવ્યા છે.

