
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપનનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ મેગા ઇવેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચે ફાઇનલ મેચ રમાશે. 2026 T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તો T20 વર્લ્ડ કપ મેચો ભારતના 5 અને શ્રીલંકાના 3 સ્થળોએ ટૂર્નામેન્ટ મેચો પણ રમાશે.

2026 T20 વર્લ્ડ કપના પહેલા દિવસે એટલે કે 7 ફેબ્રુઆરીએ 3 મેચ રમાશે. પાકિસ્તાનનો સામનો નેધરલેન્ડ્સ સામે થશે, ભારતનો સામનો USA સામે થશે અને વેસ્ટ ઇન્ડીઝનો સામનો બાંગ્લાદેશ સામે થશે. 2026 T20 વર્લ્ડ કપની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો પાકિસ્તાન ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. તેવી જ રીતે સેમીફાઇનલ મેચ કોલકાતા અને મુંબઈમાં રમાવાની છે, પરંતુ જો પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચશે, તો તે કોલંબોમાં રમશે.
20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી
ગ્રુપ A – ભારત, પાકિસ્તાન, USA, નેધરલેન્ડ અને નામિબિયા
ગ્રુપ B- ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન
ગ્રુપ C- ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, નેપાળ અને ઇટાલી
ગ્રુપ D- ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, કેનેડા અને UAE
2026 T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રમાશે. બંને ટીમો શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ USA સામે રમશે. ત્યારબાદ નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે લીગ મેચ રમશે.

ભારતના કુલ 5 સ્થળોએ 2026 T20 વર્લ્ડ કપનું આયોજન થશે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં કોલંબોમાં આર. પ્રેમદાસા, એસ. સ્પોર્ટ્સ ક્લબ અને કેન્ડીમાં પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ટુર્નામેન્ટ મેચોનું આયોજન કરાશે.
2026 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું શેડ્યૂલ
ભારત Vs USA, 7 ફેબ્રુઆરી, મુંબઈ
ભારત Vs નામિબિયા, 12 ફેબ્રુઆરી, દિલ્હી
ભારત Vs પાકિસ્તાન, 15 ફેબ્રુઆરી, કોલંબો
ભારત Vs નેધરલેન્ડ્સ, 18 ફેબ્રુઆરી, અમદાવાદ
ICC ચેરમેન જય શાહે રોહિત શર્માને 2026 T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. રોહિત શર્માએ ભારતને 2024 T20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી, ત્યારબાદ તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. જય શાહે જણાવ્યું હતું કે એમ્બેસેડર તરીકે સેવા આપવા માટે રોહિત શર્મા કરતા વધુ સારી વ્યક્તિ કોઈ ન હોઈ શકે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોહિત શર્મા T20 વર્લ્ડ કપને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

