
ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈ 23 નવેમ્બરના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થયા. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ નિવૃત્તિ બાદ કોઈ સત્તાવાર પદ નહીં સંભાળે. આગામી કાર્યક્રમ બાબતે જણાવતા તેમણે કહ્યું કે તેઓ 9-10 દિવસ સુધી આરામ કરશે. રવિવારે મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના છેલ્લા દિવસે, તેમણે પત્રકારો સાથે તેમના કાર્યકાળ અંગે વાત કરી, જેમાં અનામત અને કોલેજિયમ સહિત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત રાખી હતી. તેમના પર થયેલા હુમલા અંગે બોલતા તેમણે એ પણ જણાવ્યું કે તેમણે આરોપી વરિષ્ઠ વકીલને કેમ માફ કરી દીધા હતા?
જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘મને લાગે છે કે (આરોપી વકીલને માફ કરવાનો) નિર્ણય ક્ષણભરમાં લેવામાં આવ્યો હતો. તે કદાચ બાળપણના બનેલા મારા વિચારની રીતની અસર હતી. મને લાગ્યું કે સૌથી સારી રીત એજ હતી કે બસ હું તેને અવગણી દઉં.’

આ ઘટના 5 ઓક્ટોબરના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળનારા પ્રથમ બૌદ્ધ ન્યાયાધીશ બી.આર. ગવઈ સાથે બની હતી. 71 વર્ષીય વરિષ્ઠ વકીલ રાકેશ કિશોરે તેમના પર શૂઝ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની તોડફોડ કરાયેલી મૂર્તિ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ગવઈએ કરેલી ટિપ્પણીથી આરોપી વકીલ નારાજ થઇ ગયા હતા. મુખ્ય ન્યાયાધીશે અરજીને ‘પબ્લિસિટી સ્ટંટ’ ગણાવી હતી અને અરજદારને કહ્યું હતું કે જાવ અને દેવતાને કહો કે તેઓ કંઈક કરે.’
તેનાથી નારાજ થયેલા રાકેશ કિશોરે થોડા દિવસો બાદ ન્યાયાધીશ ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ‘સનાતન ધર્મનું અપમાન’ સહન નહીં કરે. જોકે, ન્યાયાધીશ ગવઈએ પાછળથી તેમની ટિપ્પણી પર સફાઈ આપી અને કહ્યું હતું કે તેઓ બધા ધર્મોનું સન્માન કરે છે.’
જસ્ટિસ બી.આર. ગવઈ 14 મે, 2025ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 6 મહિનાના પોતાના કાર્યકાળ બાદ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ સંતોષ સાથે સંસ્થા (સુપ્રીમ કોર્ટ) છોડી રહ્યા છે અને નિવૃત્તિ બાદ કોઈપણ પદ નહીં લે. તેમણે કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ બનતાની જ મેં સ્પષ્ટ કરી દીધું હતું કે હું નિવૃત્તિ બાદ કોઈપણ સત્તાવાર કાર્યભાર નહીં સ્વીકારું. આગામી 9-10 દિવસ આરામ કરવાના છે.ત્યારબાદ નવી ઇનિંગ.

નિવૃત્તિ બાદ મીડિયા સાથે વાત કરતા ન્યાયાધીશ ગવઈએ અનુસૂચિત જાતિ (SC)ના આર્થિક રીતે સમૃદ્ધ સભ્યોને અનામતમાંથી બાકાત રાખવા માટે ‘ક્રીમી લેયર કન્સેપ્ટ’નો બચાવ કર્યો. તેમણે કહ્યું કે જો એક જ પરિવારને વારંવાર અનામતનો લાભ મળતો રહે, એક જ સમુદાયમાં એક અલગ વર્ગ બની જશે. અનામત એ લોકો સુધી પહોંચવું જોઈએ જેમને ખરેખર તેની જરૂર છે. ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે છેલ્લા 76 વર્ષોમાં, ઘણા અનુસૂચિત જાતિના પરિવારો આગળ વધ્યા છે. જો એક પેઢીએ અનામત દ્વારા IAS નોકરીઓ મેળવી હોય અને આગામી પેઢીને પણ તેનો લાભ મળે, તો શું આપણે ખરેખર માની શકીએ કે તેઓ જરૂરિયાતમંદ છે?
કોલેજિયમ સિસ્ટમ અંગે ન્યાયાધીશ ગવઈએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ ન્યાયિક સ્વતંત્રતા જાળવી રાખે છે અને જનતાના ભરોસા માટે ન્યાયતંત્રની સ્વતંત્રતા જરૂરી છે. ન્યાયાધીશ ગવઈએ સુપ્રીમ કોર્ટમાં એક મહિલા ન્યાયાધીશની નિમણૂક કરવામાં નિષ્ફળતા પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ ઇરાદાના અભાવને કારણે નથી થયું. કેટલીક મહિલા ઉમેદવારોના નામોની સમીક્ષા કરી હતી, પરંતુ કોલેજિયમ તેમના પ્રમોશન પર સર્વસંમતિ પર ન પહોંચી શક્યું.
ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ સિસ્ટમ એ પ્રક્રિયા છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને બદલી કરવામાં આવે છે.

