
કર્ણાટકમાં કોંગ્રેસનો જ્વાળામુખી ફાટવાની આરે છે. સિદ્ધારમૈયા અને DK શિવકુમાર વચ્ચેનું ઘર્ષણ હવે ફક્ત ગરમી જ નથી ફેલાવી રહ્યો પણ તે આગ ઓકવાની તૈયારીમાં છે. આ રાજ્યમાં કોંગ્રેસના સભ્યો રાહ જોઈ રહ્યા છે કે, પાર્ટીના ‘હાઇકમાન્ડ’ સમયસર આવીને ફાયર બ્રિગેડ તરીકેની ભૂમિકા ભજવશે, પરંતુ સૌથી મોટા ફાયર ફાઇટર રાહુલ ગાંધી આ આખા પિક્ચરમાંથી અદ્રશ્ય થઇ ગયા છે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફક્ત હાઇકમાન્ડની ભૂમિકા જ નથી, પરંતુ આ ઉથલપાથલનું મૂળ પણ છે, જેનો કોંગ્રેસ પાર્ટીમાં લાંબો ઇતિહાસ છે. બે નેતાઓ કેવી રીતે ટકરાય છે, અને પાર્ટી બે જૂથોમાં વિભાજીત થઇ જાય છે અને છેલ્લે વેર વિખેર થઇ જાય છે.
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યાને અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ પરિસ્થિતિ સ્થિર હોવાને બદલે, વાતાવરણ હવે બેચેનીભર્યું હોય એવું લાગે છે. રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાતો વિષય એ છે કે, CM પદ અંગે કોંગ્રેસમાં ચાલી રહેલો ઝઘડો ક્યારે સમાપ્ત થશે. CM સિદ્ધારમૈયા અને DK શિવકુમાર વચ્ચે ચાલી રહેલો આ આંતરિક સંઘર્ષ હવે ફક્ત બેકગ્રાઉન્ડની વાર્તા નથી રહી. આ સમગ્ર મામલામાં કોંગ્રેસ હાઇકમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં, તે મોટાભાગે મૌન રહ્યું છે. અને આ મૌન જ આજે કટોકટીનું સૌથી મોટું કારણ બની ગયું છે.

કર્ણાટકથી આવનારા દરેક સમાચાર વારંવાર જણાવે છે કે, ચૂંટણી સમયે કોઈને કોઈ પ્રકારની સત્તા-વહેંચણી ફોર્મ્યુલા પર સંમતિ સધાઈ હતી. જે મુજબ CM સિદ્ધારમૈયા અડધો કાર્યકાળ પૂરો કરશે, અને તે પછી, DyCM શિવકુમારને CM પદ મળી શકશે. જોકે, આ ફોર્મ્યુલા કોંગ્રેસ દ્વારા ક્યારેય સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી ન હતી, કે કોઈ દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ નથી. જોકે, રાજકારણમાં ઘણી બધી બાબતો કાગળ પર લખાતી નથી. આવી ચર્ચાઓ એક બંધ રૂમમાં થાય છે અને વિશ્વાસ પર રહે છે. આ વિશ્વાસ આજે હચમચી ગયો હોય તેવું લાગે છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ આવી જ ઉથલપાથલ જોવા મળી હતી. રાજસ્થાનમાં, અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે તણાવ એટલી હદે વધી ગયો કે એવું લાગતું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ સચિન પણ પાર્ટી છોડી દેશે. આવું તો બન્યું નહીં, પરંતુ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી પરોક્ષ રીતે બે જૂથોમાં વહેંચાઈ ગઈ. છત્તીસગઢમાં પણ, ભૂપેશ બઘેલ અને T.S. સિંહદેવ વચ્ચે સત્તા વહેંચણી ફોર્મ્યુલા નિષ્ફળ ગઈ. એકંદરે, જે કોઈ પણ એક વખત CMની ખુરશી પર બેઠો હતો તે ફરી ક્યારેય ઉભો થયો નહીં, અને કોંગ્રેસ નેતૃત્વ તેમના પર પ્રભાવ પાડવા માટે નિષ્ફળ ગયું.

રાજસ્થાનમાં જેમ અશોક ગેહલોત હતા, તેમ કર્ણાટકમાં CM સિદ્ધારમૈયા તમામ સમીકરણો પોતાના પક્ષમાં રાખીને બેઠા છે. તેઓ લાંબા સમયથી આ રાજ્યમાં લોકપ્રિય નેતા રહ્યા છે. અનેક સમુદાયોમાં તેમની મજબૂત પકડ છે અને વહીવટી અનુભવ ધરાવતા નેતા તરીકે તેમની પ્રતિષ્ઠા છે. બીજી બાજુ, DyCM શિવકુમારને કોંગ્રેસના સંગઠન, સંસાધનો અને રાજકીય નેટવર્કની દ્રષ્ટિએ એક શક્તિશાળી નેતા માનવામાં આવે છે. વોક્કાલિગા સમુદાયમાં તેમનો પ્રભાવ જાણીતો છે, અને પાર્ટીને સત્તામાં પાછા લાવવામાં તેમના યોગદાનને કોઈપણ કોંગ્રેસ નેતા અવગણી શકે નહીં. DyCM શિવકુમાર ફક્ત કર્ણાટક પૂરતા જ મર્યાદિત નથી; તેમને મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં રાજકીય કટોકટીમાં મુશ્કેલીનિવારક તરીકે પણ જોવામાં આવતા હતા. જો કે, કર્ણાટકના રાજકારણમાં, બંને નેતાઓનું વજન એકસરખું થઇ જાય છે અને આ સમાનતા હાઇકમાન્ડ માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે.
એક સવાલના જવાબ આપતા પહેલા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનના નિવેદનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. કર્ણાટકની મુલાકાતે આવેલા ખડગેએ ત્યાં કોંગ્રેસ પાર્ટીના તમામ જૂથો સાથે મુલાકાત કરી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘પાર્ટી હાઇકમાન્ડ બધું નક્કી કરશે.’ BJP એ હકીકત પર વાંધો ઉઠાવી રહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ હોવા છતાં, ખડગે પાર્ટીના હાઇકમાન્ડ બની શકતા નથી. અને BJPની આ દલીલને માત્ર રાજકારણ ન કહી શકાય. એવું પણ જાણવા મળ્યું હતું કે, ખડગેએ અઢી વર્ષની ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ જ્યારે આ પ્રમાણેનું કામ ન થયું ત્યારે તેઓ પાછળ હટી ગયા. આ દરમિયાન, દિલ્હીમાં પડાવ નાખીને બેઠેલા DyCM શિવકુમાર-સમર્થક ધારાસભ્યો પાર્ટીના મહાસચિવ અને રાહુલ ગાંધીના નજીકના સહયોગી KC વેણુગોપાલને મળવા માટે ઉત્સુક હતા. જોકે, વેણુગોપાલ ક્યારેય કેરળથી પાછા ફર્યા જ નથી.

કોંગ્રેસ હાઇકમાન્ડની કાર્યશૈલી ઘણીવાર ‘રાહ જોવા’ની હોય છે. તે બંને પક્ષોની નારાજગી અને શક્તિનું વજન કરે છે, પછી કોઈ એક સમયે હસ્તક્ષેપ કરે છે. પરંતુ કર્ણાટકના કિસ્સામાં, હાઇકમાન્ડનું મૌન ખૂબ લાંબુ રહ્યું છે. આ બંને જૂથોને આશા પણ આપે છે અને ચિંતા આપે છે.
જો હાઇકમાન્ડ જાહેરાત કરે કે, CM સિદ્ધારમૈયા પાંચ વર્ષ સુધી CM રહેશે, તો DyCM શિવકુમારનું જૂથ તેને વિશ્વાસઘાત ગણી શકે છે, અને આ નારાજગી પાર્ટીમાં ઉથલપાથલ પેદા કરી શકે છે, જેવી રીતે રાજસ્થાન અને છત્તીસગઢમાં થયું હતું તેમ. અને બીજી બાજુ જો હાઇકમાન્ડ સત્તા પરિવર્તનનો સંકેત આપે છે, તો તે CM સિદ્ધારમૈયાના સમર્થક છાવણીમાં નારાજગી વધારી શકે છે. આનો અર્થ એ છે કે, એક નેતાને ખુશ કરવાનું અને બીજાને નારાજ કરવાનું જોખમ ખુબ મોટું છે, અને હાઇકમાન્ડ હાલમાં આવું જોખમ લેવા તૈયાર નથી.

બીજું કારણ ચૂંટણી રાજકારણ છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક કોંગ્રેસનું સૌથી મજબૂત રાજ્ય છે. કેરળમાં કોંગ્રેસ સત્તામાં છે, પરંતુ દરેક ચૂંટણી સાથે ત્યાંની પરિસ્થિતિ બદલાતી રહે છે. તમિલનાડુમાં કોંગ્રેસ જુનિયર પાર્ટનર છે. તેલંગાણામાં, સત્તા લાંબા સમય પછી આવી છે. આ સંદર્ભમાં, કર્ણાટક ફક્ત કોંગ્રેસ માટે એક રાજ્ય નથી, પરંતુ દક્ષિણ ભારતમાં તેનું વિકાસ એન્જિન અને બળતણ પણ છે.
ત્રીજું, કર્ણાટકમાં બંને નેતાઓ દરેકના અધિકારમાં ખૂબ વધારે મહત્વાકાંક્ષી છે. જો કે, હાઇકમાન્ડ સમજે છે કે, જો બંનેમાંથી કોઈ એકની આકાંક્ષાઓને સંપૂર્ણપણે દબાવવામાં આવે તો પાર્ટી લાંબા ગાળાના પરિણામો ભોગવી શકે છે. તેથી, હાઇકમાન્ડ આ નિર્ણય લેવામાં ખચકાટ અનુભવી રહી છે.

હાલનું રાજકીય વાતાવરણ જોતા એવું નથી લાગતું કે કોઈ મોટા નિર્ણયો લેવાય. કોંગ્રેસ નેતૃત્વ કદાચ એવું માને છે કે સમય જતાં પરિસ્થિતિ કદાચ જાતે જ શાંત થઇ જશે, અથવા તો ક્યારેક કોઈ એવો મોકો આવશે કે જ્યારે નેતૃત્વ પરિવર્તન તરફ પગલાં લેવાનું સરળ થઇ જશે, જેમ કે મોટી ચૂંટણી અથવા કેબિનેટ ફેરબદલ પછી, ત્યારે તક ઉભરી આવશે.
છેવટે એટલું તો કહી શકાય કે, કર્ણાટકમાં આ સમગ્ર વિવાદ ફક્ત સત્તા માટેનો સંઘર્ષ નથી. તે કોંગ્રેસ હાઇકમાન્ડની શૈલી, તેની પ્રાથમિકતાઓ અને તેમની કાર્યપદ્ધતિનું પણ પ્રતિબિંબ છે. મૌન ક્યારેક રાજકારણમાં મદદ કરે છે, પરંતુ જ્યારે કટોકટી લંબાય છે, ત્યારે તે મૌન અસ્થિરતાનું કારણ બની જાય છે. કર્ણાટકમાં હાલમાં કંઇક આવું જ થઈ રહ્યું છે, તેથી સરકાર અને પક્ષ બંને તેની કિંમત ચૂકવી રહ્યા છે.

