
નાના બાળકોના રમકડાંમાં આવતા નાનકડા ‘બટન સેલ’ (બેટરી) કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 5 મહિનાના એક બાળકે રમતા-રમતા બટન સેલ ગળી લીધો હતો, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ બાળકનો જીવ બચાવી લીધો હતો.
અમદાવાદમાં રહેતા રાઘવભાઈનો 5 દીકરો છે અયાન. તેને છેલ્લા કેટલાક દિવસોથી ખાંસી થઇ રહી હતી. ખાનગી હૉસ્પિટલમાં એક્સ-રે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે માતા-પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા, તેઓ બાળકને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા.
બાળકની સ્થિતિ જોઈને સિવિલ હૉસ્પિટલમાં ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી. બાળરોગ સર્જરી વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ, ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક બાળકની એન્ડોસ્કોપી કરી હતી.

એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ બેટરીના કેમિકલના કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી ગયા હતા. સિવિલ હૉસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘સમયસર સેલ કાઢવામાં ન આવ્યો હોત તો બેટરીના કેમિકલથી અન્નનળીમાં કાણું થવાની અને બાળકની સ્થિતિ અત્યંત ગંભીર થવાની શક્યતા હતી. એક ખાનગી હૉસ્પિટલમાંથી તાત્કાલિક સિવિલમાં બાળકને લાવવામાં આવતા અને ડૉક્ટરોની ટીમે જટિલ મેનેજમેન્ટ અને સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ જોખમ ટાળવામાં સફળતા મેળવી.’
સફળ ઓપરેશન બાદ બાળકને ચાંદા રુઝાવવા માટેની જરૂરી દવાઓ સાથે રજા આપી દેવામાં આવી છે. 15 દિવસ બાદ ફોલો-અપ એન્ડોસ્કોપીમાં અન્નનળીની દીવાલ સંપૂર્ણપણે સામાન્ય જણાતા બાળકને મોઢેથી ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બાળક અયાન હવે કોઈપણ તકલીફ વિના પહેલાની જેમ ખાવાનું ખાઈ શકે છે.

ડૉ. જોષીએ વાલીઓને અપીલ કરી નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે, એટલે બાળક રમતું હોય ત્યારે ઘરના એક વ્યક્તિએ સતત નજર રાખવી જોઇએ અને અને નાની બેટરી, સિક્કા કે રમકડાંના નાના ભાગો બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ.

