
ક્રિકેટ ચાહકોની લાંબી રાહ હવે પૂરી થઈ છે. ICCએ મુંબઈમાં યોજાયેલા ખાસ ઈવેન્ટમાં આગામી વર્ષે થનારા T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ઈવેન્ટ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને ટુર્નામેન્ટનો ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યો છે.

રોહિત શર્માના નેતૃત્વમાં જ ભારતે 2024નો ટી20 વર્લ્ડ કપ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી. અમેરિકા અને વેસ્ટઇન્ડીઝમાં રમાયેલી આ ટુર્નામેન્ટે 11 વર્ષ પછી ભારતને ICC ટ્રોફી અપાવી હતી. આ મહાજીત બાદ રોહિતે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. રોહિતે પોતાના ટી20 કરિયરમાં 4231 રન નોંધાવ્યા હતા, જેમાં 32.01ની સરેરાશ અને 140.89નો સ્ટ્રાઇક રેટ તેમને વિશ્વના સૌથી સફળ ટી20 બેટ્સમેનમાં શામેલ કરે છે.
T20 વર્લ્ડ કપ 2026નું સંચાલન ભારત અને શ્રીલંકા મળીને કરશે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે અને કુલ 8 વેન્યૂ પર મેચો રમાશે. ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નઈમાં જ્યારે શ્રીલંકાના કોલંબો (2) અને કેન્ડી (1)માં મુકાબલા થશે.
ગ્રુપ Aમાં ભારત સાથે પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ્સ અને નામિબિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ વિરુદ્ધ પહેલી મેચ રમશે.
બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે.
ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીએ હાઈ-વોલ્ટેજ ઇન્ડિયા vs પાકિસ્તાન મુકાબલો રહેશે.
ચોથી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમાશે.

નોકઆઉટ સ્ટેજને લઈને સ્પેશ્યલ વ્યવસ્થા રાખવામાં આવી છે. જો પાકિસ્તાન સુપર-8થી આગળ વધે છે, તો તેની સેમીફાઈનલ અને ફાઈનલ બંને કોલંબોમાં યોજાશે. પાકિસ્તાન ફાઈનલ સુધી ન પહોંચે તો 8 માર્ચની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈમાં એક સેમીફાઈનલ થશે, જ્યારે પાકિસ્તાન નોકઆઉટમાં ન પહોંચે તો કોલકાતા બીજી સેમીફાઈનલનું યજમાન બનશે.

