
કેટલાક લોકો એવા અવળચંડા હોય છે કે બીજાના નામે ચરી ખાતા હોય છે. અધિકારીઓની ઓળખ આપીને ધાક જમાવતા હોય છે, હીરોગીરી પર ઉતરી આવતા હોય છે, પરંતુ આ બધુ લાંબા સમય સુધી ચાલતું નથી. વડોદરામાં પણ કઈક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં PSI તરીકેની ખોટી ઓળખ આપીને મફતમાં ચરી ખાતા હતા.
વડોદરાના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારી પાસે ચાઇનીઝ ફૂડ પેટ ભરીને ઠૂસ્યું અને પછી PSI તરીકેની ખોટી ઓળખ આપીને તેના પૈસા ન ચુકવ્યા. ઉપરાંત પોલીસ પાસે પૈસા માંગો છો? તેમ કહીને ધમકાવી નાખ્યા હતા. આ તો ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે’ પેલી કહેવત જેવો ઘાટ થઈગયો. આ મામલે આરોપી પતિ-પત્ની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,
તો વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા અહમદ પાર્કમાં રહેતા વેપારી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે સરદાર એસ્ટેટની બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. 23 નવેમ્બર, 2025ના રોજ રવિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ બાઈક પર આવ્યો હતો. તેણે વેપારીની ફૂડની દુકાનનાના કારીગર વિકાસ છેત્રી સાથે વાત કરી અને દુકાનના માલિકની પૂછપરછ કરી હતી.
આ વ્યક્તિએ વેપારીને ફોન પર વાત કરી હતી અને વેપારીને કહ્યું હતું કે, હું વાડી પોલીસ સ્ટેશનમાંથી PSI નલવાયા સાહેબ બોલુ છું. તેણે ચિકન ચાઈનીઝ ભેળનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ પૈસા માગતા આ વ્યક્તિએ ફરીથી PSI સાથે વાત કરાવી હતી અને મોબાઈલ નંબર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશનના તેમના મિત્ર એક-બે કલાકમાં આવીને 140 રૂપિયાનું પેમેન્ટ કરી દેશે. આ વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ પાર્સલ આપી દીધું હતું.

બીજા દિવસે આશરે 12:30 વાગ્યે ફરિયાદીએ આપેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો તો ફોન એક મહિલાએ ફોન ઉપાડ્યો. તેણે કહ્યું કે, અડધા કલાકમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે. તેમના પતિ PSI છે, તમને 140 માટે શરમ નથી આવતી? જોકે, ત્યારબાદ કોઈ પેમેન્ટ ન આવ્યું અને પછી તો કોલ રીસિવ કરવાનું જ બંધ કરી દીધું હતું. આ શખ્સોએ PSIની ખોટી ઓળખ આપીને રેપીડો વાળાનું 40 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું નહોતું.
આરોપીઓ પોલીસ વિભાગમાં ન હોવા છતા PSI તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી છે. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ (ઉં.વ.27) અને તેની પત્ની રશ્મિબેન બકુલભાઈ (ઉં.વ.27), (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરી છે અને બંનેની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. નકલી PSI બનેલા શખ્સને પોલીસે કાન પકડાવીને ઉઠ-બેસ કરાવી હતી. પૂછપરછમાં આરોપીનું નામ બકુલ હોવાનું સામે આવ્યું છે. તેણે માફી માગતા કહ્યું કે, ‘મેં PSI તરીકેની ખોટી ઓળખ આપીને જમવાનું પાર્સલ મંગાવ્યું હતું. મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવી ભૂલ નહીં કરું, હું માફી માંગુ છું.’

