
ભારતીય ટેસ્ટ ટીમને ફરી એકવાર ખરેખર નિરાશાજનક દિવસનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હાર્યા બાદ, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પણ હારી ગઈ છે. આ હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ ટીકા થઈ રહી છે. હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરે આ સીરિઝમાં કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે ભારતીય ટીમને હાર મળી. એ સાચું છે કે ગૌતમ ગંભીર કોચ છે અને તેઓ મેદાન પર રમવા ઉતરતા નથી, પરંતુ તેમના કેટલાક નિર્ણયો ચોક્કસપણે ભારતીય ટીમ વિરુદ્ધ ગયા હતા. ચાલો આ સીરિઝમાં ગંભીરે કરેલી ભૂલો પર એક નજર કરીએ.
ગૌતમ ગંભીરની પહેલી અને સૌથી મોટી ભૂલ પ્લેઈંગ ઈલેવન સાથે ચેડાં કરવાની હતી. ગૌતમ ગંભીરે પહેલી ટેસ્ટ મેચમાં નંબર 3 બેટ્સમેન સાઈ સુદર્શનને પડતો મૂક્યો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો. પરતું આગામી ટેસ્ટ મેચમાં સુંદરને નંબર-8 પર ઉતાર્યો. રવિ શાસ્ત્રી અને અનિલ કુંબલે સહિત ઘણા અનુભવી ખેલાડીઓએ આ નિર્ણયની ટીકા કરી.

ગૌતમ ગંભીરની બીજી મોટી ભૂલ આ ટેસ્ટ સીરિઝમાં સારા બેટ્સમેન કરતા ઓલરાઉન્ડરો પર વધુ ભરોસો વ્યક્ત કર્યો.. કોલકાતાની પડકારજનક વિકેટ અને ગુવાહાટીની રમતિયાળ વિકેટ પર સારા બેટ્સમેનોનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
ગૌતમ ગંભીરની ત્રીજી મોટી ભૂલ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં પીચ પસંદગી મહત્ત્વપૂર્ણ હોય છે અને ગંભીર આ મોરચે પણ નિષ્ફળ ગયા. કોલકાતામાં ટર્નિંગ ટ્રેક પર ફસાયા તો ગુવાહાટીમાં ફ્લેટ વિકેટ લીધી. જોકે, બંનેમાંથી કોઈ કામ આવ્યું ન આવી. ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું, પરંતુ ગંભીરના કેટલાક નિર્ણયો પણ તેનું કારણ હતા. કુંબલે અને કૈફે સ્પષ્ટપણે કહ્યું કે ખેલાડીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને ખેલાડીઓને પોતાની ભૂમિકાને લઈને સ્પષ્ટતા જ નથી.

ગૌતમ ગંભીર ઘણીવાર કહે છે કે તે સૌથી સફળ કોચ નહીં, પરંતુ સૌથી નીડર કોચ બનવા માગે છે. નીડર કોચ બનવાના પ્રયાસમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમને 30-35 વર્ષ પાછળ લઈને જતા રહ્યા છે, જ્યારે ટીમ ઘરે અને બહાર બંને જગ્યાએ હારતી હતી. ગૌતમ ગંભીર હાઇ-રિસ્ક રિવોર્ડની વાત કરે છે, પરંતુ આ અભિગમ ફક્ત તેમના નિવેદનોમાં જ નજરે પડે છે. પરિસ્થિતિ એવી છે કે હવે ગૌતમ ગંભીરને તેની સફળતાઓ ગણાવવી પડે છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં સીરિઝ મારા કાર્યકાળ દરમિયાન ડ્રો થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપની જીત દરમિયાન પણ હું કોચ હતો. પરંતુ અહીં આપણે ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં તેઓ 9માંથી 5 ટેસ્ટ મેચ હારી ગયા છે. જીત બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝ સામે આવી છે, બંને નબળી ટીમો છે. આવા પ્રદર્શન બાદ હવે એવું લાગે છે કે આ ટીમ, ગયા વખતની જેમ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નહીં પહોંચી શકે.

