
પંજાબના ભૂતપૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટી (BJP)ને રાજ્યમાં સરકાર બનાવવા માટે એક ફોર્મ્યુલા ઓફર કરી છે. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, તેમણે BJP સાથે જોડાણ અને રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિમાં BJP એકલા ચૂંટણી જીતી શકશે નહીં. કેપ્ટન અમરિંદર સિંહ 2022માં કોંગ્રેસથી અલગ થયા પછી BJPમાં જોડાઈ ગયા હતા.
એક ન્યુઝ ચેનલની પોડકાસ્ટમાં, કેપ્ટન અમરિંદર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું BJP પંજાબને ચૂંટણીલક્ષી રીતે સમજવામાં નિષ્ફળ ગયું છે. આના પર, કેપ્ટન અમરિંદર સિંહે જવાબ આપ્યો, ‘…શરૂઆતના BJPના નેતાઓએ જે કર્યું તે ખોટું હતું. તમારે દરેક ચૂંટણી લડવી જોઈતી હતી. તમે યુદ્ધથી ભાગી શકતા નથી. પહેલી ચૂંટણી 1950માં થઈ હતી. BJPએ જેટલી પણ બેઠક હતી તે દરેક બેઠક પર લડવું જોઈતું હતું. તમારે દરેક બેઠક પર લડવું જોઈતું હતું; પછી તમારા કાર્યકર્તા તૈયાર થાય છે.’

તેમણે કહ્યું, ‘તેઓ એવું કરી રહ્યા હતા કે, અકાલી દળ સાથે ગઠબંધન કરી 10 થી 15 લોકોને ચૂંટણી લડાવતા હતા. અકાલીઓને તેમનાથી ફાયદો થઈ રહ્યો હતો, પરંતુ તેમને કોઈથી ફાયદો થઈ રહ્યો ન હતો. જો તમે આજે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ એ છે કે તમે તમારા પોતાના કાર્યકર્તા જ તૈયાર નથી કર્યા.
તેમણે કહ્યું, ‘જો તેઓ આ વખતે જીતવા માંગતા હોય તો… જુઓ, આને બે રીતે જોઈ શકાય છે. કાં તો તમે તમારી પોતાની કેડર બનાવો અથવા ગઠબંધન બનાવો અને સરકાર બનાવો. જો તમે સરકાર બનાવવા માંગતા હો, તો તમારે અકાલી દળ સાથે બનાવવી પડશે. BJP માટે સરકાર બનાવવાનો અથવા પંજાબમાં કોઈપણ પ્રકારની સરકારમાં જોડાવાનો બીજો કોઈ રસ્તો નથી.’

તેમણે કહ્યું, ‘જો તમે તમારી પોતાની કેડર બનાવવા માંગતા હો, તો બધી બેઠકો પર લડવા માટે બે કે ત્રણ ચૂંટણીઓ સુધી રાહ જુઓ.’
શિરોમણી અકાલી દળના પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, ‘અમે કોઈપણ ગઠબંધનની શક્યતાઓ પર સંબંધિત પક્ષો ઔપચારિક રીતે સંમત થયા પછી જ ચર્ચા કરીશું. આ કેપ્ટન અમરિંદર સિંહનો વ્યક્તિગત અભિપ્રાય લાગે છે.’ તેમણે ઉમેર્યું કે, અકાલી દળ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

