
જાપાની કંપની સાયન્સ ઇન્ક. એ ‘મીરાઇ હ્યુમન વોશિંગ મશીન’ નામનું મશીન લોન્ચ કર્યું છે. આ મશીન સૌપ્રથમ ઓસાકા વર્લ્ડ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને હવે તે જાપાની બજારમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. તે હાઇ-ટેક સ્પા પોડની જેમ કામ કરે છે, જેમાં માણસ થોડીક મિનિટોમાં જ માથાથી લઈને પગ સુધી સાફ અને સુકાઈને બહાર નીકળે છે.
આ મશીનમાં, વ્યક્તિ એક પોડમાં પ્રવેશ કરે છે અને આરામદાયક સીટ પર સુઈ જાય છે. જેવો દરવાજો બંધ થાય છે કે મશીન આપમેળે કામ કરવાનું શરૂ કરે છે. તે માઇક્રોબબલ્સનો ઉપયોગ કરીને શરીરને ધીમે ધીમે સાફ કરે છે. પછી તે જ મશીન પરપોટાને ધોઈ નાખે છે અને અંદર બેઠેલા વ્યક્તિને સુકવી પણ નાખે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મશીન ધીમું સંગીત પણ વગાડે છે, જેમાં માણસને એક આરામદાયક અનુભવ મળે છે. કંપનીની પ્રવક્તા સચિકો માએકુરા કહે છે કે, આ મશીન માત્ર શરીરને જ નહીં પરંતુ ‘આત્મા’ને પણ સાફ કરે છે. આ પોડ વપરાતા વપરાશકર્તાના હૃદયના ધબકારા અને અન્ય મહત્વપૂર્ણ સંકેતો પર પણ નજર રાખે છે, જેથી કરીને સલામતી અને આરામ બંને સુનિશ્ચિત રહી શકે.

નહાઈને અને સૂકા થઈને નીકળવાની સમગ્ર પ્રક્રિયા લગભગ 15 મિનિટમાં પૂર્ણ થાય છે. ખાસ વાત એ છે કે, વપરાશકર્તાને મેન્યુઅલી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી પડતી. આ મશીનની પ્રેરણા 1970ના ઓસાકા એક્સ્પોમાંથી મળી હતી, જ્યાં તેનું સૌપ્રથમ પ્રદર્શન સૈનીઓ ઇલેક્ટ્રિક (આજનું પેનાસોનિક) દ્વારા કરવામાં આવ્યું હતું. સાયન્સ ઇન્ક.ના ચેરમેન યાસુઆકી આઓયામાએ તેને બાળપણમાં જોયું હતું અને તેને આધુનિક ટેકનોલોજીથી ફરીથી બનાવ્યું હતું. 2025ના ઓસાકા વર્લ્ડ એક્સ્પોમાં, આ મશીન એટલું લોકપ્રિય બન્યું કે કંપનીએ તેને બજારમાં વેચવાનું નક્કી કરી લીધું.
આ પોડ લગભગ 8.2 ફૂટ લાંબો અને 8.5 ફૂટ ઊંચો છે, જેમાં વ્યક્તિ આરામથી સુઈ શકે છે. આ મશીનમાં માઇક્રોબબલ્સ એટલા નાના હોય છે કે તે ત્વચાના છિદ્રોમાં પ્રવેશ કરે છે અને તેલ, ગંદકી અને ડેડ સ્કિનને દૂર કરી દે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ જાપાનમાં સ્પા અને બ્યુટી સલુન્સમાં પહેલાથી જ થઈ ચૂક્યો છે. પોડમાં લાગેલા સેન્સર એ પણ સુનિશ્ચિત કરે છે કે, વ્યક્તિને ચક્કર ન આવે, ગભરાટ ન થાય અથવા કોઈ તબીબી સમસ્યા ન થાય.

હવે આવે છે મોટી વાત… તેની કિંમત. અહેવાલો અનુસાર, આ મશીન લગભગ 60 મિલિયન યેન (385,000 ડૉલર)માં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તેથી, તે ઘરના ઉપયોગ માટે નથી, પરંતુ લક્ઝરી સ્પા, થીમ પાર્ક, ઓનસેન (જાપાનીઝ હોટ સ્પ્રિંગ સેન્ટર), હાઇ-એન્ડ હોટલ અને હેલ્થ રિસોર્ટ માટે બનાવવામાં આવ્યું છે.
કંપનીએ ફક્ત 40 થી 50 યુનિટનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે, અને દરેક યુનિટ હાથથી બનાવવામાં આવશે. એક અનામી જાપાની હોટેલ ચેઇન પહેલાથી જ પહેલું યુનિટ ખરીદી પણ લીધું છે, અને લગભગ 5 થી 8 યુનિટ પહેલાથી જ રિઝર્વ કરવામાં આવ્યા છે.

હકીકતમાં, આ મશીન ફક્ત સ્નાન કરવા માટે નથી. તે જાપાનની વૃદ્ધ વસ્તી માટે વિકસાવવામાં આવી રહેલી ભાવિ સ્વચાલિત સંભાળ પ્રણાલીની શરૂઆત છે. આવા મશીનો ભવિષ્યમાં વૃદ્ધોને સુરક્ષિત અને સરળતાથી સ્નાન કરવામાં મદદ કરી શકે છે. કંપની કહે છે કે, જો ભવિષ્યમાં મોટા પાયે ઉત્પાદન શક્ય બનશે, તો તેનું સસ્તું સ્થાનિક મોડેલ પણ લોન્ચ કરી શકાય છે.

