
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) સહિત ચાર ટીમો માટે રમી ચૂકેલો ફાફ ડુ પ્લેસિસ IPL 2026ની હરાજીમાં ભાગ નહીં લે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે તે 16 ડિસેમ્બરે થનારી મિની હરાજીમાં ભાગ નહીં લે. તેણે IPL છોડીને પાકિસ્તાન સુપર લીગ (PSL 2026)માં રમવાનો નિર્ણય લીધો છે.

41 વર્ષીય ફાફ ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા લખ્યું કે, ‘IPLમાં 14 વર્ષ રમ્યા બાદ, મેં આ વખતે હરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે. અલગ-અલગ ટીમોમાં અલગ-અલગ ખેલાડીઓ સાથે રમવાનું તેનું સૌભાગ્ય રહ્યું છે.
ફાફ ડુ પ્લેસિસે પોતાના નિવેદનમાં આગળ લખ્યું કે, 14 વર્ષ ખૂબ લાંબો સમય હોય છે. આ સમય દરમિયાન મેં જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે. ભારતનું મારા દિલમાં એક ખાસ સ્થાન છે અને આ IPLને અલવિદા નથી. તમે મને ફરીથી જોશો.’ ડુ પ્લેસિસે એમ પણ લખ્યું કે તે પાકિસ્તાનમાં થનાર આદર-સત્કાર માટે ઉત્સાહિત છે.

ફાફ ડુ પ્લેસિસ RCBની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. તેણે પોતાની 154 મેચની IPL કારકિર્દીમાં 4773 રન બનાવ્યા છે, જેમાં 39 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે PSL 2026માં ભાગ લેવાને એક નવો પડકાર ગણાવ્યો. નોંધનીય છે કે ડુ પ્લેસિસ અત્યાર સુધી PSLમાં બે ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી માટે કુલ 6 મેચ રમી છે.

