
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસરો (BLOs)ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. SIRના કથિત તણાવને કારણે ઘણા BLOએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. SIR માટે BLO ફરજો બજાવવામાં માટે ખચકાટ અનુભવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં જ્યારે એક પ્રાથમિક શાળાના શિક્ષિકા અને 2 શિક્ષા મિત્રોએ તેમની ફરજો બજાવવાનો ઇનકાર કર્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી (BSA)એ તેમના પગાર રોકવાનો આદેશ આપી દીધો.
આખો મામલો શું છે?
આજ તકના અહેવાલ મુજબ, સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની છે. અહી બાબીના વિધાનસભા મતવિસ્તારમાં ગણેશગઢ શાળામાં 2 શિક્ષા મિત્રોને SIRની ફરજો સોંપવામાં આવી હતી. પરંતુ, બંનેએ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ, શિક્ષિકા રૂબી ગુપ્તાને ફરજ સોંપવામાં આવી હતી, પરંતુ રૂબી ગુપ્તાએ પણ ફરજ બજાવવાનો ઇનકાર કરી દીધો અને મેડિકલ લીવ લઈ લીધી. તેનાથી નારાજ થઈને BSA વિપુલ સાગરે રજા કેન્સલ કરી દીધી અને બંને શિક્ષા મિત્ર અને રૂબી ગુપ્તાના પગાર રોકવાનો આદેશ આપી દીધો. આટલામાં પણ રૂબી ગુપ્તા કામ પર પરત ન ફર્યા, ત્યારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

અહેવાલ મુજબ, BSAએ સ્પષ્ટ કરી દીધું કે કોઈ રજા આપવામાં નહીં આવે અને વિશેષ પરિસ્થિતિઓમાં મેડિકલ લીવ માટે CMOનું સર્ટિફિકેટ લાવવું પડશે. BSAએ જણાવ્યું હતું કે SIRના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે, અને જો કોઈ બેદરકારીનો મામલો સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

