
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. 27 વર્ષ જૂના હુમલાના કેસનો આખરે ઉકેલ આવી ગયો છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપી પતિ-પત્નીએ કોર્ટમાં પોતાનો ગુનો કાબુલી લીધો હતો. ત્યારબાદ કોર્ટે તેમને 3,500 રૂપિયાનો દંડ ભરવાની સજા ફટકારી હતી. દંડ ભર્યા બાદ બંનેને સાંજે છોડી દેવામાં આવ્યા હતા.
આ કેસ માર્ચ 1998નો છે. સંતોષ કુમારે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં તેના મામા કન્હાઈ લાલ અને કાકી ઉર્મિલા દેવી સામે હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી. સંતોષ કુમારે જણાવ્યું હતું કે, ‘2 માર્ચની સાંજે, જ્યારે તે તેના ઘરના દરવાજા પર બેઠો હતો, ત્યારે તેના કાકા અને કાકીએ તેના પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં સંતોષને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 147 (મારમારી), 504 (ગુનાહિત ધાકધમકી) અને 324 (તીક્ષ્ણ હથિયાર વડે હુમલો) હેઠળ કેસ નોંધ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે બંને આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આમ છતા વિવિધ કારણોસર કેસ 27 વર્ષ સુધી પેન્ડિંગ રહ્યો. તારીખો વારંવાર લંબાવવામાં આવી અને કેસ કોર્ટમાં અટકી ગયો. અંતે, તાજેતરની સુનાવણી દરમિયાન આરોપી પતિ-પત્નીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તેમની સજામાં ઉદારતા દાખવવાની વિનંતી કરી. ત્યારબાદ, વિશેષ ન્યાયાધીશે બંનેને દોષિત ઠેરવતા તેમને કોર્ટરૂમના કઠેડામાં 3 કલાક ઊભા રહેવાની સજા ફટકારી. સાથે જ 3,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો દંડ ભરવામાં નહીં આવે તો તેમને 7 દિવસની જેલની સજા ભોગવવી પડશે.

જોકે, બંનેએ જરૂરી રકમ જમા કરાવી દીધી, ત્યારબાદ કોર્ટે તેમને સાંજે છોડી દીધા હતા. આ કેસ ન્યાયિક પ્રક્રિયામાં પેન્ડિંગ કેસોની સમસ્યાને ઉજાગર કરે છે. આરોપીઓને રાહત મળી કે 27 વર્ષ લાંબા કેસનો હલકી સજા સાથે નિકાલ કરવામાં આવ્યો, પરંતુ વાદી આ નિર્ણયથી સંતુષ્ટ નથી અને તેણે અપીલ કરવાની વાત કહી છે.

