
19 વર્ષના વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ કાશીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના આ યુવા વિદ્વાને 50 દિવસમાં શુક્લ યજુર્વેદના આશરે 2000 મંત્રોનું દંડકર્મ પારાયણ પૂર્ણ કર્યું. આ અત્યંત કઠિન વૈદિક ગ્રંથને તેના શુદ્ધ શાસ્ત્રીય સ્વરૂપમાં પુરા કરવાનું આ ગૌરવ લગભગ 200 વર્ષ પછી પ્રાપ્ત થયું છે.

દેવવ્રત રેખેની આ અસાધારણ સિદ્ધિના સન્માનમાં કાશીમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સંગીતનાં સાધનો, શંખનાદ અને 500થી વધુ વૈદિક વિદ્યાર્થીઓની ભાગીદારીએ શહેરને એક જીવંત વૈદિક ઉત્સવમાં પરિવર્તિત કરી દીધું, શોભાયાત્રાની રથયાત્રા ક્રોસિંગથી મહમૂરગંજ સુધી ચાલી હતી.
ભક્તોએ વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરી, શોભાયાત્રાને એક દૈવી યાત્રા તરીકે આવકાર્યો. આ સમારોહમાં શ્રૃંગેરી શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનમનો એક ખાસ સંદેશ પણ સમારંભમાં સંભળાવવામાં આવ્યો હતો.

વિદ્વાનોએ દંડક્રમને વૈદિક પાઠનું મુગટ રત્ન ગણાવ્યું છે, કારણ કે તેના સ્વર પેટર્ન અને જટિલ ધ્વન્યાત્મક ક્રમચયો અત્યંત મુશ્કેલ હોય છે. વિદ્વાનોએ ભાર મૂક્યો હતો કે, આ પાઠ જાણીતા ઇતિહાસમાં ફક્ત ત્રણ વખત જ પૂર્ણ થયું છે, અને દેવવ્રતનું પાઠ દોષરહિત અને સૌથી ઓછા સમયમાં પૂર્ણ થયું હતું.
આ પાઠ વલ્લભરામ શાલીગ્રામ સંવાદે વિદ્યાલયમાં 2 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન યોજાયો હતો. સંતો અને મહાનુભાવોએ યુવાન વિદ્વાન અને તેમના શિક્ષક, વેદબ્રહ્મશ્રી મહેશ ચંદ્રકાંત રેખેની પ્રશંસા કરી હતી.

PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ’19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે એ જે સિદ્ધિ મેળવી છે તે આવનારી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે. ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ તેમના પર ગર્વ અનુભવે છે, કારણ કે તેમણે શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખામાંથી 2,000 મંત્રોનું દંડકર્મ પારાયણમ 50 દિવસમાં જરા પણ અટક્યા વિના પૂર્ણ કર્યું. તેમણે એક પણ ભૂલ વિના અસંખ્ય વૈદિક શ્લોકો અને પવિત્ર શબ્દોનો પાઠ કર્યો. તેઓ આપણી ગુરુ પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાશીના સાંસદ તરીકે, મને ખૂબ આનંદ છે કે આ અનોખું પરાક્રમ આ પવિત્ર શહેરમાં થયું. તેમના પરિવાર, ભારતભરના અનેક સંતો, ઋષિઓ, વિદ્વાનો અને સંગઠનોને મારા વંદન છે, જેમણે તેમને ટેકો આપ્યો.’
મહારાષ્ટ્રના એક નાના શહેરનો આ 19 વર્ષનો યુવાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યો છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે, ‘જ્યારે દુનિયા AI અને ટેકનોલોજી વિશે વાત કરી રહી છે, ત્યારે દેવવ્રતે બતાવ્યું છે કે, આપણી 5,000 વર્ષ જૂની વૈદિક પરંપરા હજુ પણ જીવંત અને મજબૂત છે.’ કાશીમાં આ સિદ્ધિ ફરી એકવાર સાબિત કરે છે કે જ્યારે ગુરુ-શિષ્ય પરંપરા, સમર્પણ અને સખત મહેનત એક સાથે ભેગા થાય છે ત્યારે અશક્ય વસ્તુને પણ શક્ય બનાવે છે. દેશની નવી પેઢી વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને સલામ કરે છે.

