
પંજાબ સરકારે શ્રી આનંદપુર સાહિબ, તલવંડી સાબો અને અમૃતસરની જૂની વોલ્ડ સિટીને સત્તાવાર રીતે પવિત્ર શહેરો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભાએ સર્વાનુમતે આ સંદર્ભમાં એક ઠરાવ પસાર કર્યો. આ પ્રસંગ ગુરુ તેગ બહાદુરની 350મી શહીદી જયંતિનો હતો. આ અવસર પર શ્રી આનંદપુર સાહિબમાં પહેલીવાર પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત કરાયું હતું.
આનંદપુર સાહિબમાં પંજાબ વિધાનસભાએ આ 3 તખ્તવાળા શહેરોમાં દારૂ, માંસ અને તમાકુ સહિત તમામ પ્રકારના નશીલા પદાર્થોના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઠરાવ પસાર કર્યો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે આ નિર્ણય સંગતની લાંબા સમયથી ચાલી આવતી માગણીને પૂર્ણ કરે છે અને હવે આ શહેરોમાં સ્વચ્છતા, સુરક્ષા, વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. ચાલો જાણીએ કે પવિત્ર શહેર જાહેર થયા બાદ શું-શું બદલાશે અને કઈ વસ્તુ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

પવિત્ર શહેરોની ઘોષણા બાદ આ વિસ્તારોમાં સ્વચ્છતામાં સુધારો કરવામાં આવશે. ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણમાં સુધારો કરવામાં આવશે. ઐતિહાસિક ગલીઓ અને ધાર્મિક માર્ગોનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને ગેરકાયદેસર ગતિવિધિઓ પર નજર રાખવા માટે તંત્ર વિકસિત કરવામાં આવશે. એટલે કે આ શહેરોને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પર ફોકસ રહેશે.
આ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
પંજાબ સરકારે સ્પષ્ટતા કરી દીધું છે કે પવિત્ર શહેરોમાં હવે દારૂ, માંસાહારી વસ્તુ, તમાકુ અને માદક દ્રવ્યોના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર આયોજનો, પોસ્ટરો અથવા ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

દૈનિક જરૂરિયાત સાથે જોડાયેલી સેવાઓ જેમ કે ફળ-શાકભાજી, દૂધ, અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં રહે. ધાર્મિક કાર્યક્રમ, સંગતની અવરજવર અથવા સ્થાનિક રહેવાસીઓની દિનચર્યા પર કોઈ પ્રતિબંધ નહીં રહે. પરિવહન પર પણ કોઈ ચોક્કસ પ્રતિબંધ રહેશે નહીં.
ભારતમાં શહેરને પવિત્ર શહેર જાહેર કરવા માટે કોઈ ચોક્કસ કાનૂની જોગવાઈ નથી. જો કે, પ્લેસિસ ઓફ વર્સિપ એક્ટ 1991 બધા પૂજા સ્થળોના ધાર્મિક સ્વરૂપને જાળવી રાખવાની મંજૂરી આપે છે. આ મુજબ, 15 ઓગસ્ટ 1947 અગાઉ અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત નહીં કરી શકાય.

