
સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંથી એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે. એવામાં, બિનજરૂરી હોર્ન વગાડવાથી ન માત્ર અવાજનું પ્રદૂષણ કરે છે, પરંતુ અકસ્માતનું કારણ પણ બની શકે છે, કારણ કે હોર્નને કારણે થતો સતત ઘોંઘાટ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરી શકે છે. જેને કારણે સુરત ટ્રાફિક પોલીસે નવું નવું અભિયાન સુરત શરૂ કર્યું છે, જેને કારણે શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ પ્રદૂષણ મુક્ત બનાવી શકાય છે. હાલમાં સુરતના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણને લઈને જાગૃત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે અગાઉ લોકો પોતાની આદતો સુધારી લે.
સુરતમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકોએ હવે સાવધાન થઈ જવાની જરૂરિયાત છે. સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ કરી રહેલા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરના કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ, હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500-1,000 સુધીનો દંડ થઈ શકે છે. પહેલાં દિવસે સિગ્નલો પર હોર્ન વગાડવાના મામલે પોલીસે ટોકતા વાહનચાલકોએ અલગ-અલગ બહાના બનાવ્યા હતા.

આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના ACP એસ.આર.ટંડેલે જણાવ્યું હતું કે, સુરતમાં લોકો જાણતા-અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઊભા અન્ય વાહનચાલકો પરેશાન થાય છે. ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય, તેમ છતા પાછળના વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે.
એસ.આર.ટંડેલના જણાવ્યા અનુસાર, લોકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો.
જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોની ઓળખ કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે. જોકે, ACP ટંડેલે સ્પષ્ટ કર્યું કે, પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
PSIએ આ મામલે જણાવ્યું હતું કે, અમે લોકોને જણાવી રહ્યા છીએ કે, બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળો. મોટા જંક્શન અને જ્યાં મુખ્ય ચાર રસ્તા છે, ત્યાં બૂમ કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કોઈ બિનજરૂરી હોર્ન વગાડશે તો વધુ પડતા હોર્ન વગાડવાને લઈને તાત્કાલિક ઈ-ચલણ મોકલી આપવામાં આવશે.
ટ્રાફિક પોલીસ હવે માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમોના ભંગ કરનારાઓ પર જ નહીં, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજર રાખશે. આ પગલાંથી લોકોને રાહત મળે અને શહેરીજનોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પોલીસનો ઉદ્દેશ્ય છે.
તો જાગૃતિ અભિયાનના પહેલા દિવસે આ મામલે ટોકવામાં આવતા વાહન ચાલકો અલગ અલગ બહાના બનાવતા નજરે પડ્યા હતા. ડાબી બાજુ ટર્ન લેવા માટે અનેકવાર હોર્ન વગાડનાર યશભાઈએ જણાવ્યું હતું કે, મેં બેથી ત્રણ હોર્ન વગાડ્યા છે. મારે લેફ્ટ ટર્ન લેવાનો હતો અને સામે એક બાઈકવાળો હતો, આ માટે હોર્ન વગાડ્યો. જગ્યા નહીં હોય તો આપણે શું કરીએ? માત્ર બે જ હોર્ન વગાડ્યા છે. પછી આ બાઈકવાળાએ મને રસ્તો પણ આપી દીધો હતો. સિગ્નલ પર ટ્રક લઈને પસાર થઈ રહેલા કંચનભાઈએ જણાવ્યું હતું કે, મેં હોર્ન એટલા માટે વગાડ્યો કારણકે આજુબાજુના ગાડીવાળા આવીને ઘૂસી જાય છે. હોર્ન વધારે નથી વગાડ્યો, એક બાજુ હોન્ડાવાળા તો બીજી બાજુ મારુતિવાળા ઘૂસી જાય છે, આ માટે હોર્ન વગાડું છું. પછી એ જ લોકો કહે છે કે ગાડી અડાવી દીધી, અકસ્માત થઈ ગયો.
વાહનચાલક જશવંતભાઈએ જણાવ્યું હતું કે, મેં હોર્ન વગાડ્યો જ નથી. તેમણે સાંભળ્યો, પરંતુ મેં નથી વગાડ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હોર્નનો અવાજ વધારે છે, ત્યારે તેમણે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, હા, અન્ય વાહનો કરતા તેમના હોર્નનો સાઉન્ડ વધારે છે. ત્યારબાદ તેમણે માફી પણ માગી લીધી.

