
વક્ફ સંપત્તિઓની ડિજિટલ નોંધણી માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલી સમયમર્યાદા શનિવારે રાત્રે સમાપ્ત થઈ ગઈ. જોકે, આંકડા બતાવે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં અત્યાર સુધી ખૂબ જ ઓછી પ્રગતિ થઈ શકી છે. દેશભરની લગભગ 8.8 લાખ વક્ફ સંપત્તિઓમાંથી અત્યાર સુધીમાં માત્ર 2.16 લાખ સંપત્તિઓ UMEED પોર્ટલ પર નોંધાઈ છે. આનો અર્થ એ થયો કે કુલ સંપત્તિઓમાંથી માત્ર એક ચતુર્થાંશ સંપત્તિઓ ડિજિટલ રેકોર્ડમાં આવી શકી છે, જ્યારે બાકીની લાખો સંપત્તિઓનું ભવિષ્ય હવે અંધકારમાં લટકતું હોય તેવું લાગે છે.
UMEED એટલે કે અથવા યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિએન્સી એન્ડ ડેવલપમેન્ટ પોર્ટલને કેન્દ્ર સરકારે 6 જૂને વક્ફ (સંશોધન) કાયદા હેઠળ લોન્ચ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય દેશભરની વક્ફ સંપત્તિઓને કેન્દ્રીય ડિજિટલ ડેટાબેઝમાં લાવવાનો, તેમને જિયો-ટેગિંગ કરવાનો અને દસ્તાવેજીકરણ દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો. સરકારનો દાવો છે કે આનાથી વક્ફ સંપત્તિઓની વધુ સારી દેખરેખ, સંરક્ષણ અને સંચાલન શક્ય બનશે. જોકે, વાસ્તવિકતા એ છે કે નિર્ધારિત સમય સુધીમાં મોટી સંખ્યામાં સંપત્તિઓની નોંધણી થઈ શકી નથી.

પોર્ટલ પર કુલ 5.17 લાખ અરજીઓ સબમિટ કરવામાં આવી હતી, જેમાંથી 10,872 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. રાજ્યોની કામગીરી પર નજર કરીએ તો કર્ણાટક સૌથી આગળ રહ્યું, જ્યાં 65,242માંથી 52,917 સંપત્તિઓ અથવા લગભગ 81 ટકા નોંધણી થઈ છે. ત્યારબાદ પંજાબમાં 90 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 77 ટકા અને ગુજરાતમાં 61 ટકા સંપત્તિઓની નોંધણી થઈ છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ સૌથી ખરાબ પ્રદર્શન કરનારું રાજ્ય રહ્યું, જ્યાં 80,480 વક્ફ સંપત્તિઓમાંથી માત્ર 716 સંપત્તિઓ અથવા એક ટકાથી પણ ઓછી નોંધણી થઈ હતી. વક્ફ સંશોધન કાયદાને લાગૂ કરવાનો TMC સરકારના લાંબા સમય સુધીના ઇનકારની અસર આ આંકડામાં સ્પષ્ટપણે નજરે પડે છે.
દેશમાં સૌથી વધુ વક્ફ સંપત્તિઓ ઉત્તર પ્રદેશમાં છે, જ્યાં સુન્ની અને શિયા બોર્ડ હેઠળ લગભગ 2.4 લાખ સંપત્તિઓ નોંધાયેલી છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, પંજાબ, તમિલનાડુ અને કર્ણાટકનો નંબર આવે છે. એવામાં કરોડો રૂપિયાની કિંમતની આ સંપત્તિઓને ડિજિટલી રેકોર્ડ કરવામાં અસમર્થતા સરકાર માટે એક મોટો પડકાર બની ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં પણ પરિસ્થિતિ અત્યંત નિરાશાજનક રહી. સુન્ની વક્ફ બોર્ડની 12,982 સંપત્તિઓમાંથી માત્ર 11 ટકાની નોંધણી થઈ શકી, જ્યારે શિયા વક્ફ બોર્ડની સ્થિતિ વધુ ખરાબ રહી, જેમાં 789 સંપત્તિઓમાંથી માત્ર 5 ટકા નોંધણી થઈ. મહારાષ્ટ્રમાં, 36700માંથી 17,971 સંપત્તિઓ નોંધાઈ હતી, જે લગભગ 48 ટકાની આસપાસ છે. બિહાર અને ઉત્તર પ્રદેશ એકમાત્ર એવા રાજ્ય છે જ્યાં સુન્ની અને શિયાના અલગ- અલગ વક્ફ બોર્ડ છે.

વક્ફ બોર્ડ અને મુતવલ્લીઓ (મિલકત રક્ષકો)ને આ પ્રક્રિયા દરમિયાન ઘણી વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પોર્ટલનું સર્વર ઘણી વખત ક્રેશ થયું, સેંકડો વર્ષો જૂની સંપત્તિઓના દસ્તાવેજો શોધવા મુશ્કેલ બન્યા અને વિવિધ રાજ્યોમાં જમીન માપણીના અલગ-અલગ ધોરણોએ પણ ટેક્નિકલ અવરોધો ઉભા કર્યા. આ જ કારણોસર, મોટી સંખ્યામાં અરજીઓ અધૂરી રહી.
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જે લોકો 3 મહિનાની અંદર તેમની સંપત્તિઓની નોંધણી નહીં કરાવી શકે, તેમને દંડ કરવામાં નહીં આવે. સાથે જ વક્ફ ટ્રિબ્યૂનલ દ્વારા નોંધણીની સમયમર્યાદા લંબાવવાની શક્યતા ખુલ્લી રાખવામાં આવી છે. આ પહેલ હેઠળ, દેશભરના વક્ફ બોર્ડ હવે તેમના સંબંધિત રાજ્ય વક્ફ ટ્રિબ્યૂનલમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું છે કે, જે રાજ્યોમાં નોંધણીઓ અત્યંત ઓછી રહી છે, ત્યાં મોટી સંખ્યામાં અરજીઓ ટ્રિબ્યુનલમાં વિસ્તરણ માટે ફાઇલ કરવામાં આવશે.
UMEED પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 3 તબક્કામાં નક્કી કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં, મુતવલ્લીઓને સંપત્તિઓની માહિતી અપલોડ કરવાની ફરજ પડી હતી. બીજા તબક્કામાં વક્ફ બોર્ડના અધિકારીઓએ માહિતીની ચકાસણી કરી હતી અને અંતિમ તબક્કામાં વક્ફ બોર્ડના CEOની મંજૂરી પછી મિલકત નોંધણી પૂર્ણ માનવામાં આવતી હતી. જોકે, આ પ્રક્રિયામાં વિલંબ અને ટેકનિકલ ખામીઓને કારણે પ્રક્રિયામાં ખૂબ ધીમી કરી દીધી હતી.
હવે મોટો પ્રશ્ન એ છે કે લાખો વક્ફ સંપત્તિઓનું શું થશે જે સમયમર્યાદા પસાર થયા બાદપણ નોંધણી વિનાની રહેશે. જ્યારે ટ્રિબ્યુનલ દ્વારા સમયમર્યાદા લંબાવવાની આશા છે, પરંતુ એ સ્પષ્ટ છે કે વક્ફ સંપત્તિઓને પારદર્શક અને સુરક્ષિત ડિજિટલ માળખામાં લાવવા માટે સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાએ હજુ લાંબો રસ્તો કાપવાનો બાકી છે.
