fbpx

જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

Spread the love

જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 4 ડિસેમ્બર 2025 થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવશે.

હાલની વ્યવસ્થા પ્રમાણે અરજી સેટલમેન્ટ કમિશ્નર સુધી જતી હતી જેમાં વધારે સમય લાગતો હતો. જેના કારણે લોકોને જમીન માપણી માટે મહિનાઓના મહિનાઓ રાહ જોવી પડતી હતી. જેની ફરિયાદો મોટાપાયે ઉઠતા સરકારે સિસ્ટમને સુધારવાનો નિર્ણય લીધો હતો. જેમાં સત્તાની ફેરબદલી કરી ક્લેક્ટરને જવાબદારી સોંપી દેતા હવે જમીન માપણીના કામમાં ઝડપ આવશે.

land-survey1

નવા ઠરાવ પ્રમાણે સર્વેયરનું સંપૂર્ણ મોનિટરિંગ હવે કલેક્ટર કચેરી હેઠળ આવી ગયું છે. કલેક્ટરની ભૂમિકા માત્ર લાયસન્સ આપવા પૂરતી મર્યાદિત નથી. હવે તે જિલ્લાકક્ષાએ સર્વેયરની સંપૂર્ણ પ્રોફાઇલ વેરિફિકેશન, લાયકાત ચકાસણી, ફી નક્કી કરવી, કેસ ફાળવવા, તેમજ તેમની કામગીરી પર નજર રાખવાની રહેશે. જે મુજબ જમીન સર્વેયરનું સંપૂર્ણ મોનિટરિંગ ક્લેક્ટર કચેરીને સોંપી દેવાયું છે.  ગુજરાત સમાચારના અહેવાલ મુજબ મુજબ, આ વહીવટી બદલાવથી માપણીના પેન્ડિંગ કેસોમાં મોટો ઘટાડો આવશે અને ક્લેક્ટર કચેરીને હવે તેમની જરૂરિયાત અને  કેસના ભાર મુજબ સર્વેયરો ફાળવવાની છૂટછાટ મળશે.

ભ્રષ્ટાચાર અટકાવવા માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર દરેક લાયસન્સનો ડિજિટલ રૅકોર્ડ પણ જાળવશે અને સમય મુજબ રાજ્યને રિપોર્ટ કરશે. જિલ્લાકક્ષાએ સત્તા આપવાથી નાગરિકોને સ્થાનિક સ્તરે જ ઝડપી સેવા મળશે તેવું ગુજરાત સરકારનું માનવું છે.

land-survey

મહેસૂલ વિભાગના ઉપસચિવ ચિંતન ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્યમાં જમીન માપણીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂની પદ્ધતિને કારણે હજારો અરજીઓ પેન્ડિંગ રહેતી હતી. હવે કલેક્ટર કચેરી પોતાની જરૂરિયાત અને કેસના ભારણ મુજબ સર્વેયરોની નિમણૂક કરી શકશે, જેનાથી પેન્ડિંગ કેસોનો નિકાલ ઝડપથી આવશે. નાગરિકોને હવે સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહેશે, જેનાથી સમય અને શક્તિનો બચાવ થશે.

રાજ્ય સરકારે આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગૂ કરી દીધો છે. 4 ડિસેમ્બર, 2025થી નવી વ્યવસ્થા અમલમાં આવી ચૂકી છે. આ બદલાવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જમીન માલિકોને મોટી રાહત મળવાની આશા છે, કારણ કે હવે માપણી માટેની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને જવાબદાર બનશે.

error: Content is protected !!