
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે, પડોશી દેશોની સરખામણીમાં ભારતમાં ટ્રેન ટિકિટના ભાવ સૌથી સસ્તા છે. ભારતીય રેલવેએ મુસાફરોના પરિવહનને સસ્તું બનાવી રાખવા માટે ગયા વર્ષે 60 હજાર કરોડની સબસિડી આપી હતી. કોંગ્રેસના સભ્ય એમ.કે. વિષ્ણુ પ્રસાદના પૂરક પ્રશ્નનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવેએ આ માહિતી આપી હતી. કોંગ્રેસના સાંસદે પૂછ્યું હતું કે શું સરકારે કોરોના મહામારીની અગાઉની જેમ વરિષ્ઠ નાગરિકો માટે રેલ ટિકિટ ડિસ્કાઉન્ટ પુનઃસ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે?
વરિષ્ઠ નાગરિકોની છૂટછાટ પુનઃસ્થાપિત કરવા અંગેના પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે અશ્વિની વૈષ્ણવે રેલવે દ્વારા આપવામાં આવતી સબસિડીની ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ભારતમાં ટિકિટના ભાવ વિકસિત દેશોના ભાવ કરતા લગભગ 5-10 ટકા છે. તેમણે ભાર આપતા કહ્યું કે, ‘પડોશી દેશોની સરખામણીમાં પણ ટિકિટના ભાવ ખૂબ જ સસ્તા રાખવામાં આવ્યા છે.’

વરિષ્ઠ નાગરિકોને રેલ ટિકિટ પર મળનારી છૂટ 20 માર્ચ 2020થી મુખ્યત્વે કોરોના મહામારીને કારણે બંધ કરવામાં આવી હતી. તે સમયે, ભારતીય રેલવેએ COVID-19 વાયરસને ફેલાતો રોકવા અને વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સંબંધિત જોખમો ઘટાડવા માટે આ પગલું ભર્યું હતું. વરિષ્ઠ નાગરિક આ વાયરસથી સૌથી વધુ સંવેદનશીલ શ્રેણીમાં હતા. જોકે આ છૂટ શરૂઆતમાં મહામારીને કારણે બંધ કરવામાં આવી હતી, પરંતુ તે અત્યાર સુધી પૂરી રીતે ચાલુ કરવામાં આવી નથી.
