
ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર, જો તમે તમારા નિર્ધારિત બોર્ડિંગ સ્ટેશન પર ટ્રેનમાં ચઢવામાં નિષ્ફળ જાવ છો, તો TTE હવે આગામી સ્ટેશન સુધી તમારી રાહ નહીં જોય. જેવી જ ટ્રેન તમારા બોર્ડિંગ સ્ટેશનથી રવાના થશે અને તમે તમારી સીટ પર નહીં મળો તો TTE તરત જ તેમના હેન્ડહેલ્ડ ડિવાઇસ (EFT) પર ‘નોટ ટર્ન્ડ અપ’ની એન્ટ્રી કરી દેશે. આનો અર્થ થયો કે, ‘તમારી સીટ ખાલી માની લેવામાં આવશે અને તરત જ બીજા જરૂરિયાતમંદ મુસાફરને આપી દેવામાં આવશે.
આ નવી ટેક્નોલોજી અને સોફ્ટવેરમાં ફેરફારથી એ મુસાફરોને ખૂબ ફાયદો મળશે, જે વેઇટિંગ અથવા RAC ટિકિટ પર મુસાફરી કરી રહ્યા હોય. TTE સોફ્ટવેરમાં ખાલી સીટ વિશેની માહિતી દાખલ કરતા જ, સિસ્ટમ આપમેળે વેઇટિંગ લિસ્ટમાં રહેલા આગામી મુસાફરને તે બર્થ ફાળવી દેશે. સીટ ફાળવાતા જ સંબંધિત મુસાફરના મોબાઇલ ફોન પર એક મેસેજ મોકલવામાં આવશે, જેમાં તેમને જણાવવામાં આવશે કે તેમની સીટ કન્ફર્મ થઈ ગઈ છે. રેલવે મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS)ને આ ફેરફાર લાગૂ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી ટ્રેનોમાં ખાલી બેઠકોનું વધુ સારું સંચાલન થઈ શકશે.

આંકડાઓ અનુસાર, દરેક ટ્રેનમાં લગભગ 3-5 ટકા મુસાફરો એવા હોય છે જે ક્યાં તો તેમની મુસાફરી રદ કરે છે અથવા સમયસર સ્ટેશન પર પહોંચી શકતા નથી. રેલવે નિષ્ણાતોનું કહેવું છે કે મુસાફરોએ હવે પહેલા કરતા વધુ સતર્ક રહેવું જોઈએ. જો, કોઈ કારણોસર તમે તમારા નિર્ધારિત સ્ટેશન કરતા અલગ સ્ટેશન પર ચઢવા માંગતા હોવ, તો તમારે ચાર્ટ તૈયાર કરવાના 24 કલાક પહેલા તમારું બોર્ડિંગ સ્ટેશન બદલવું જોઈએ. જો તમે આમ ન કરી શક્યા તો તમારી સીટ કોઈ બીજાને મળી જશે, અને તમે TTE પાસેથી તેને પાછી મેળવવાનો દાવો પણ નહીં કરી શકો.

રેલવેના આ પગલાને આધુનિકીકરણ તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉત્તર પૂર્વીય રેલવેના જાણકારોના મતે, આ ટેક્નોલોજીથી રેલવેમાં ભ્રષ્ટાચાર ઓછો થશે અને સીટ ફાળવણી પ્રક્રિયાને પૂરી રીતે પારદર્શક બનાવશે. અગાઉ, TTE ઘણીવાર આગામી સ્ટેશન સુધી રાહ જોતા હતા, જેના કારણે વેઇટિંગવાળા મુસાફરોને સીટ માટે રાહ જોવી પડતી હતી. હવે, બધું રિયલ ટાઈમમાં અપડેટ થશે, જેથી મુસાફરોને વધુ સારી અને ઝડપી સેવાઓ મળી શકશે. આ ફેરફાર ભારતીય રેલવેને વધુ હાઇટેક બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
