fbpx

પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

Spread the love

પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બહુપ્રતિક્ષિત મેચ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ રમાશે. પાકિસ્તાન સરકારે સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ઔપચારિક રીતે મેચ રમવાની મંજૂરી આપી દીધી, જેથી ઘણા દિવસોથી ચાલી રહેલા ગતિરોધનો અંત આવ્યો.

PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ ICC, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને અન્ય સભ્ય દેશો સાથે થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફને માહિતી આપી હતી. ત્યારબાદ, સરકારે તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ પાકિસ્તાન ટીમને મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો. પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે, પોતાની સરકારની સલાહ પર ભારત સામે મેચ નહીં રમે, જેના કારણે સમગ્ર ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો મંડરાવા લાગ્યા હતા. જોકે, ICCની સખ્તાઈ, બાંગ્લાદેશની અપીલ અને સતત વાટાઘાટો બાદ પાકિસ્તાન પીછેહઠ કરતું દેખાયું.

India-Vs-Pakistan2

લાહોરમાં બેઠક ઘણા કલાકો સુધી ચાલી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી મોટાભાગની માંગણીઓ સાથે સહમત થયું નથી. ત્યારબાદ, PCBએ તેના બહિષ્કારના વલણને નરમ પાડ્યું, જેથી મેચ રમવાનો માર્ગ મોકળો થયો.

ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટ જગતની સૌથી મોટી અને સૌથી વધુ કમાણીવાળી મેચ માનવામાં આવે છે. એવામાં તેને રદ કરવાથી ICC, બ્રોડકાસ્ટર્સ અને તમામ સભ્ય બોર્ડને ભારે નુકસાન થતું. હવે, મેચ સમયપત્રક મુજબ યોજાવાની સાથે, ટૂર્નામેન્ટ અને ક્રિકેટ ઇકોસિસ્ટમને મોટી રાહત મળી છે.

India-Vs-Pakistan

તમને જણાવી દઈએ કે, ‘પાકિસ્તાને લાહોરની બેઠકમાં ઘણી શરતો મૂકી હતી, જેમાં ભારત સાથે દ્વિપક્ષીય સીરિઝ, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સીરિઝ, હાથ મળાવવાના વિવાદનો ઉકેલ અને રેવન્યૂમાં વધારો કરવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ ICCએ પાકિસ્તાનની કોઈપણ માંગણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ICCએ માત્ર એટલું જ કહ્યું હતું કે તે બાંગ્લાદેશ સામે કોઈ નાણાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ, તેણે પાકિસ્તાનની કોઈપણ માંગણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આખરે પાકિસ્તાનને નમતું જોખવું પડ્યું.

ICCએ સોમવારે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કરવા બદલ દંડ ફટકારવામાં નહીં આવે. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય BCB તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

India-Vs-Pakistan3

ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘એ વાત પર સહમતી બની છે કે વર્તમાન મામલામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ નાણાકીય, રમતગમત અથવા પ્રશાસનિક દંડ લાદવામાં નહીં આવે. એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે BCB ઈચ્છે તો વિવાદ નિવારણ સમિતિ (DRC)નો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખશે. આ અધિકાર ICCના હાલના નિયમો હેઠળ ઉપલબ્ધ છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

નોંધનીય છે કે, બાંગ્લાદેશે સુરક્ષા ચિંતાઓનો સંદર્ભ આપતા વર્તમાન મેગા ઇવેન્ટ માટે ભારત આવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ સ્કોટલેન્ડને તેના સ્થાને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. વિશ્વ ક્રિકેટ સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે પરસ્પર સમજૂતીના ભાગ રૂપે, બાંગ્લાદેશ 2028 થી 2031ની વચ્ચે એક ICC ઇવેન્ટનું આયોજન પણ કરશે.

ICC

ICC અનુસાર, આ કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2031 પહેલા એક ICC ઇવેન્ટનું આયોજન કરશે, જે સામાન્ય ICC હોસ્ટિંગ પ્રક્રિયાઓ, સમય-સીમા અને સંચાલન જરૂરિયાતોને આધીન રહેશે. આ અગાઉ, BCB અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ રવિવારે પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યાં મડાગાંઠને ઉકેલવા માટે ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વર્ચ્યૂઅલ મીટિંગ સહિત અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.

error: Content is protected !!