
સુરતની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરોની જેમ કરાવાતા વિવાદ વકર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, નાના બાળકો શાળાનું પ્રાંગણ અને લોખંડની ગ્રિલ સાફ કરી રહ્યા છે, જ્યારે શિક્ષકો માત્ર મૂકદર્શક બનીને જોઈ રહ્યા છે. જે ઉંમરે બાળકોને સારું ભણતર મળવું જોઇએ જોઈએ, તે ઉંમરે તેમની પાસે મજૂરોની જેમ કામ કરવવામાં આવી રહ્યું છે. આ વીડિયો વાયરલ થતા જ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આ બાબત અત્યંત ગંભીર અને અયોગ્ય છે. અમે વીડિયો જોયો છે અને તેમાં સ્પષ્ટપણે જણાય છે કે, બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું. શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે, છતા બાળકો પાસે કામ કરાવવું એ નિયમોનું ઉલ્લંઘન છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક શાળાને જાળવણી માટે ગ્રાન્ટ મળે છે. તાજેતરમાં જ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.’

આ ઘટના અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, ‘વીડિયો અમારી જ શાળાનો છે. અમારો ઉદ્દેશ્ય બાળકો પાસે મજૂરી કરાવવાનો નહોતો, પરંતુ માત્ર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હવે પછી આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.’
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટનાની સત્યતા તપાસવા માટે નિરીક્ષકોની એક વિશેષ ટીમ શાળાએ મોકલવામાં આવશે. આ ટીમ ઘટનાસ્થળની તપાસ કરી અહેવાલ તૈયાર કરશે, જેના આધારે જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ સમિતિની શાળાઓ માટે એક નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે, જેમાં કડક સૂચના આપવામાં આવશે કે કોઈપણ સંજોગોમાં બાળકો પાસે સફાઈ કે અન્ય કોઈ કામ કરાવી નહીં શકાય.

આ પહેલી વખત નથી જ્યારે સુરતની નગર સમિતિની કોઈ શાળા વિવાદમાં સપડાઈ હોય. આ અગાઉ ગયા વર્ષે શિક્ષણ સમિતિની એક શાળામાં ગેટ ટૂ ગેધર કાર્યક્રમમાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ શિક્ષણ સમિતિ દ્વારા ગંભીરતાની નોંધ લેતા કાર્યવાહી કરવામાં આવી હતી અને આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
