
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં લાંચ સાથે જોડાયેલો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. એક શખ્સે ગ્રામ સચિવ પર લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે, જન્મ પ્રમાણપત્રના બદલામાં 10,000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે આ આરોપોને ગ્રામ સચિવે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમણે લાંચ માંગી નથી. પોત પોતાની વાત સાબિત કરવા માટે બંને પક્ષોએ એક મંદિરમાં ભગવાન શિવના નામે સોગંધ પણ ખાધા છે.
અલીગઢમાં લાંચનો મામલો લોઢા બ્લોકના કેશવપુર જાફરી ગામનો છે. ગામના રહેવાસી આદિત્યએ આરોપ લગાવ્યો છે કે, તે બે જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે પંચાયત કચેરીમાં ગયો હતો. આદિત્યનો દાવો છે કે ગ્રામ સચિવ દેવેન્દ્ર બઘેલે જન્મ પ્રમાણપત્રના બદલામાં તેની પાસે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ગ્રામ સચિવે કહ્યું હતું કે તેમણે કોઈ લાંચ માંગી નથી. આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો અને આસપાસ લોકો ભેગા થઇ ગયા હતા.

હવે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે તે નક્કી કરવા માટે બંને પક્ષો આ વિસ્તારના ખેરેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા. પહેલા ગ્રામ સચિવ શિવજીની મૂર્તિને પગે પડ્યા અને શપથ સોગંધ ખાધા કે તેઓ પોતાનું કામ ઈમાનદારીથી કરે છે અને કોઈ લાંચ માંગી નથી. ત્યારબાદ આદિત્ય શિવની મૂર્તિને પગે પડ્યો અને સોગંધ ખાઈને કહ્યું કે, તેની પાસે 10,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બંને સોગંધ ખાતા હોય તેવો એક વીડિયો પણ પુરાવા તરીકે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
ગ્રામ સચિવ દેવેન્દ્ર બઘેલનું કહેવું છે કે તે ભોલે બાબાના નામે સોગંધ ખાઈને કહી રહ્યો છે કે તેણે લાંચ માંગી નથી. આદિત્યએ તેને ધમકી આપી હતી કે જન્મ પ્રમાણપત્રો 2 દિવસની અંદર બની જવા જોઇએ. દેવેન્દ્રના જણાવ્યા મુજબ, તેણે આદિત્યને કહ્યું કે તેનો કેસ 3-4 વર્ષ જૂનો છે, એટલે મેજિસ્ટ્રેટ પાસે જઈને મંજૂરી લેવી પડશે, જેમાં સમય લાગશે. લાંચનો આરોપ ખોટો છે.

તો બીજી બાજુ, આદિત્યનું કહેવું છે કે તે પણ ભગવાનના સોગંધ ખાઈને કહી રહ્યો છે કે બે જન્મ પ્રમાણપત્ર બનાવવાના બદલામાં તેની પાસે 10,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આદિત્યએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે, SDM સાહેબ પાસે જવું પડશે અને ત્યાં ખર્ચ થશે. જ્યારે તેમણે SDM પાસે જવાની વાત કહી ત્યારે ગ્રામ સચિવે કહ્યું કે, નહીં આ કામ અમારું છે, અમે તે કરાવીશું.’ આદિત્યનું કહેવું છે કે તે સાચું બોલી રહ્યો છે કે તેની પાસે લાંચ માંગવામાં આવી હતી.
