fbpx

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

Spread the love

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત છે. ભુપેન્દ્રભાઈ પટેલ આજે ગુજરાત ભાજપના સર્વસ્વીકૃત અને પ્રિય વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. સાદગી, સૌમ્યતા અને નિરાભિમાની વ્યવહારને કારણે તેઓ કાર્યકર્તાઓમાં અને જનતામાં પ્રિય બન્યા છે. આજના સમયમાં નેતાઓમાં જ્યારે રાજનીતિ સ્વકેન્દ્રિત રમત બની ગઈ છે ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલ એક અલગ જ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ભુપેન્દ્રભાઈનો સ્વભાવ અત્યંત સરળ અને સૌમ્ય છે. ગુજરાત ભાજપમાં તેઓ એવા નેતા તરીકે ઓળખાય છે જેઓ કાર્યકર્તાઓ સાથે વાલીની જેમ પિતૃતુલ્ય વર્તન કરે છે. કોઈ પણ કાર્યકર્તા તેમની પાસે વાત કરવા આવે ત્યારે તેઓ ધીરજપૂર્વક સાંભળે છે અને વિષયનું યોગ્ય નિરાકરણ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે ભાજપ એક કુટુંબ છે અને આ કુટુંબના દરેક સભ્યનું મહત્ત્વ એકસમાન છે. આ કુટુંબભાવના તેમના વ્યક્તિત્વનો મૂળ સ્તંભ છે. પોતે પણ એક સાદા કુટુંબમાંથી આવતા હોવાથી તેઓ કાર્યકર્તાઓને પોતાના પરિવારના સભ્યો જ સમજે છે. આ સંબંધોને કારણે જ ભાજપના પાયાના કાર્યકર્તાઓ પણ તેમને આપણા ભુપેન્દ્રભાઈ તરીકે સંબોધે અને સ્વીકારે છે.

03

સરકારી વહીવટમાં પણ તેમની આ સૌમ્યતા સ્પષ્ટ દેખાય છે. તેમના કેબિનેટ મંત્રીઓ સાથેનો વ્યવહાર અત્યંત સુમેળભર્યો અને સહકારાત્મક છે. તેઓ કોઈને પણ અપમાનિત કર્યા વગર પ્રેમ અને વિવેકપૂર્વક કામ લે છે. મંત્રીઓને તેઓ પોતાના સાથીદાર માને છે અને તેમની સલાહ સૂચનોને મહત્ત્વ આપે છે. આનાથી સરકારી કાર્યોમાં સુમેળ જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારનો આંતરિક વિરોધાભાસ ઊભો થતો નથી.

ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરવામાં પણ ભુપેન્દ્રભાઈની આવડત અસાધારણ છે. તેઓ અધિકારીઓને કઠોર શબ્દો કહ્યા વગર તેમની ક્ષમતાને પ્રોત્સાહન આપીને કામ લે છે. તેમની આ કળને કારણે અધિકારીઓ પણ તેમના માટે પ્રતિબદ્ધતાથી કામ કરે છે. પરિણામે વિવિધ વિભાગોમાં નીતિઓનું ઝડપી અમલીકરણ થાય છે.

ભુપેન્દ્રભાઈની સૌથી મોટી તાકાત છે તેમનો સતત પ્રવાસ અને પ્રજાલક્ષી કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા. તેઓ ગુજરાતના દરેક જિલ્લામાં વારંવાર મુલાકાતે જાય છે. માત્ર શહેરી વિસ્તારો જ નહીં પરંતુ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પણ તેઓ પહોંચે છે. ત્યાંની સમસ્યાઓ સ્થળ પર જ સમજીને તેનું તાત્કાલિક નિરાકરણ કરવાના આદેશ પણ આપે છે. પ્રજાલક્ષી યોજનાઓને સમયસર પૂર્ણ કરવા માટે તેઓ પોતે મોનિટરિંગ કરે છે. રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર તેમનું વિશેષ ધ્યાન છે. આ પ્રવાસી શૈલીને કારણે સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર ઘટ્યું છે.

bhupendra-patel.jpg-2

તેમના વ્યક્તિત્વનું બીજું અગત્યનું પાસું છે એમની ધર્મ અને ગુજરાતની અસ્મિતા પ્રત્યેની અતૂટ નિષ્ઠા. તેઓ ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા પવિત્ર સ્થળોના વિકાસને તેઓ પ્રાથમિકતા આપે છે. ગુજરાતની અસ્મિતા એટલે કે ગુજરાતીઓની એકતા, કઠોર મહેનત, વ્યવસાયિક પ્રતિભા અને સાંસ્કૃતિક ગૌરવને તેઓ પોતાના ભાષણોમાં અચૂક ટાંકતા છે. તેઓ ગુજરાતની અસ્મિતાને મજબૂત કરવાની વાત અચૂક કરે છે.

વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓથી દૂર રહેવાની તેમની શૈલી તેમને વિશેષ બનાવે છે. તેઓ ક્યારેય પોતાની છબી બનાવવા માટે રાજનીતિ કરતા જણાતા નથી. તેમની કાર્યશૈલીથી એ જાણી શકાય છે કે તેમનું એકમાત્ર લક્ષ્ય વિકસિત ગુજરાત અને સુખી ગુજરાતીઓ. આ નિ:સ્વાર્થ લાગણીને કારણે જ તેઓ પાર્ટીના કાર્યકર્તાઓમાં આદરણીય છે અને ગુજરાતના મતદારોમાં સ્વીકૃત બન્યા છે. 

01

આજે જ્યારે ગુજરાતમાં ઘણા નેતાઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવામાં અને આગામી ચૂંટણીઓની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલ જેવા નેતા આશાનું કિરણ છે. તેમનું નેતૃત્વ ગુજરાતને અને ભાજપને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યું છે. સાદગી, સમર્પણ અને સેવાભાવનાનું આ વ્યક્તિત્વ આશાસ્પદ કાર્યકર્તાઓ અને ભવિષ્યના નેતાઓ માટે પ્રેરણારૂપ છે.

error: Content is protected !!