fbpx

2024માં શરૂ થયેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પડી તિરાડ

Spread the love

2024માં શરૂ થયેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પડી તિરાડ

ગુજરાતના અમરેલી જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા એક પુલની હાલત અત્યંત જર્જરિત બનતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પુલ પર પડેલી મોટી તિરાડોને જોતા કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પુલ પર 5 થી 6 ઈંચ પહોળી અને આશરે 40 થી 50 મીટર લાંબી ભયાનક તિરાડો જોવા મળી રહી છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતો સત્તાધીશોના બહેરા કાને અથડાઈને પાછી આવી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

01

આશ્ચર્યની વાત એ છે કે આ પુલના નિર્માણની મંજૂરી વર્ષ 2014 માં આપવામાં આવી હતી. લાંબા સમયના ઈંતેજાર બાદ વર્ષ 2024 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, શરૂ થયાના ગણતરીના મહિનાઓમાં જ પુલની આ દશા થતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ભાજપના નેતા અને રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ મામલે સત્તાધીશોને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે બેદરકાર કોન્ટ્રાક્ટરને અલ્ટીમેટમ આપી તેની સામે કડક પગલાં લેવા જોઈએ. આવા કામોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાય નહીં.

02

ગંભીરા પુલ હોનારતની યાદ તાજી થઈ

પુલની આ સ્થિતિ જોઈને સ્થાનિકોમાં વડોદરાના ગંભીરા પુલ હોનારતની યાદો તાજી થઈ છે. ગંભીરા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સ્ટ્રક્ચરલ ફેલ્યોર અને નબળી જાળવણીને કારણે એ હોનારત સર્જાઈ હતી, અને હવે અમરેલીમાં પણ તેવી જ બીક લાગી રહી છે.

1640071080ambrish_der

નેશનલ હાઈવે 51: અકસ્માતોનો ઈતિહાસ

ભાવનગરથી સોમનાથ થઈને દ્વારકાને જોડતો આ NH-51 અગાઉ પણ નબળા બાંધકામોને કારણે ચર્ચામાં રહ્યો છે:

  • દૂધાળા ગામ પાસે: અમરેલીના દૂધાળા ગામ પાસેનો પુલ ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ ધરાશાયી થયો હતો.
  • દાતરાડી ગામ પાસે: વર્ષ 2023 માં અમરેલીના દાતરાડી ગામ પાસે નિર્માણાધીન પુલના સિમેન્ટના ગર્ડર તૂટી પડ્યા હતા.
03

આ નેશનલ હાઈવેના 250 કિલોમીટરના પટ્ટામાં અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવા છતાં, નવા બનેલા પુલોમાં તિરાડો પડવી એ વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.

error: Content is protected !!