તલોદની ચાણક્ય વિદ્યાસંકુલ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન
– વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓથી પ્રેક્ષકોના દિલ જીત્યા
– સ્કુલ માં અભ્યાસ કરતાં બાળકો એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગલીધો હતો
તલોદ ખાતે આવેલ ચાણક્ય વિદ્યાસંકુલમાં ભવ્ય અને યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો અનોખો પરિચય આપી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, મહેમાનો અને પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, અને વિદ્યાર્થીઓની રજૂઆતને દિલથી બિરદાવતા નજરે પડ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એકેડેમિક હેડ અને કન્સલ્ટન્ટ ઝી લર્ન લિમિટેડના ભારત કિંગ્સ્ટન ડિસોઝા, ગોપાલ સિંહ રાઠોડ, ડૉ. હર્ષ પ્રજાપતિ, ટ્રસ્ટી હરેશભાઈ પટેલ, ટ્રસ્ટી કિશોરભાઈ સોની તેમજ પ્રિન્સિપાલ જય કોટક સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. હનુમાન ચાલીસાના પવિત્ર પાઠથી કાર્યક્રમમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ વિવિધ પ્રકારના ડાન્સ પ્રસ્તુતિઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત ગરબા, આધુનિક હની ડાન્સ, અને સર્જનાત્મક થીમ આધારિત નૃત્યોમાં વિદ્યાર્થીઓએ પોતાની કળા અને મહેનતનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો.કરાટે જેવી શિસ્તબદ્ધ અને શક્તિશાળી પ્રસ્તુતિએ સૌને આશ્ચર્યચકિત કર્યા હતા, જ્યારે સુમધુર ગીતોએ માહોલને સંગીતમય બનાવી દીધો હતો. ડાકલા, કાનતારા અને શિવ મહિમા જેવા કાર્યક્રમોએ સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રસ્તુત કરી હતી. દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ, તાલમેલ અને ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમના ડાન્સ માટે કોરિયોગ્રાફી હાર્દિક બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમણે વિદ્યાર્થીઓને સુંદર રીતે માર્ગદર્શન આપી યાદગાર પ્રસ્તુતિઓ તૈયાર કરાવી હતી. તેમની મહેનત અને ક્રિયેટિવિટી દરેક પ્રસ્તુતિમાં સ્પષ્ટ દેખાઈ આવી હતી, જેને ઉપસ્થિત સૌએ વખાણી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાણક્ય વિદ્યાસંકુલના સમગ્ર સ્ટાફે ભારે મહેનત ઉઠાવી હતી.
શિક્ષકો અને સંચાલક મંડળના સંકલનથી કાર્યક્રમ સુચારૂ રીતે પૂર્ણ થયો હતો. વિદ્યાર્થીઓના પ્રદર્શનથી ખુશ થયેલા વાલીઓ અને મહેમાનો દ્વારા સ્કૂલના સ્ટાફ અને મેનેજમેન્ટની કામગીરીને દિલથી બિરદાવવામાં આવી હતી.આ રીતે ચાણક્ય વિદ્યાસંકુલનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતો અને તેમની પ્રતિભાને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. કાર્યક્રમ અંતે સૌએ આનંદ અને ગૌરવની લાગણી સાથે કાર્યક્રમનો સમાપન કર્યો હતો.
જીલ રાવલ સાબરકાંઠા












































