fbpx

‘રડવાનું બંધ કરો, તમારો દીકરો નાટક કરે છે’, ગુમ થયેલા દીકરાની ફરિયાદ કરવા ગયેલી મા સાથે જૂનાગઢ પોલીસનું ખરાબ વર્તન

Spread the love
‘રડવાનું બંધ કરો, તમારો દીકરો નાટક કરે છે’, ગુમ થયેલા દીકરાની ફરિયાદ કરવા ગયેલી મા સાથે જૂનાગઢ પોલીસનું ખરાબ વર્તન

જૂનાગઢ શહેરના રોહિદાસ પરા વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારનો મજૂરીકામ માટે ગયેલો યુવાન દીકરો રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. એટલું જ નહીં કોઈ અજાણ્યો શખ્સ તેના જીવના જોખમે 50 હજાર રૂપિયાની ખંડણી માંગી રહ્યો છે. પુત્રના વિયોગમાં અને તેની સુરક્ષાની ચિંતામાં માતા જ્યારે ન્યાયની આશાએ જૂનાગઢના A-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે રક્ષક ગણાતી પોલીસે મદદ કરવાને બદલે અત્યંત તોછડું વર્તન કરી તેમને અપમાનિત કર્યા હોવાના આરોપ લાગી રહ્યા છે.

એક તરફ અજાણ્યો શખ્સ વીડિયો કોલ કરીને પુત્રની નાજુક હાલત બતાવી માનસિક દબાણ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ રડવાનું બંધ કરો અને ‘તમારો દીકરો નાટક કરે છે’ કહી પોલીસે બેજવાબદાર નિવેદનો આપી માનવતા અને ખાખીની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જૂનાગઢના મીનાબેન સોંદરવાનો પુત્ર વિજય આર્થિક તંગીને કારણે મજૂરીકામ માટે  કચ્છ ગયો હતો પરંતુ, ત્યાં કામ ન ફાવતા તે રાજકોટ થઈ અમદાવાદ જવા રવાના થયો હતો. અમદાવાદ પહોંચ્યા બાદ વિજય સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પછી ટૂંક સમયમાં જ વિજયના મોબાઈલ નંબર પરથી એક અજાણ્યા હિન્દી ભાષી શખ્સનો માતા મીનાબેન પર ફોન આવ્યો. તેણે દાવો કર્યો કે, વિજય તેની પાસે છે અને તેની તબિયત ખૂબ જ ગંભીર છે, તેને લોહીની ઉલટીઓ થાય છે અને તાવ આવ્યો છે.

son1

ગભરાયેલી માતાએ જ્યારે પુત્રને હોસ્પિટલ લઈ જવા આજીજી કરી ત્યારે તે શખ્સે કહ્યું કે, જો વિજયને સારવાર અપાવવી હોય, તો પહેલા પૈસા મોકલવા પડશે. દીકરાની હાલત બાબતે વિશ્વાસ અપાવવા માટે અજાણ્યા શખ્સે મીનાબેનને વીડિયો કોલ કર્યો હતો, જેમાં વિજય એક બાંકડા પર અર્ધબેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. આ દૃશ્ય બતાવી તુરંત જ ફોન કાપી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વિજય જે કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ સાથે કામ કરતો હતો, તેને પણ આ બાબતની જાણ થઈ હતી.

જ્યારે ગોવિંદભાઈએ તે શખ્સ સાથે સંપર્ક કર્યો ત્યારે તેણે એક સ્કેનર મોકલીને તાત્કાલિક 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું. ગોવિંદભાઈએ વિજય સાથે વાત કરવાની કહ્યું ત્યારે તે શખ્સે વાત કરાવવાનો ઇનકાર કરી વારંવાર ફોન કાપી નાખતો હતો. બીજા દિવસે ફરીથી ફોન કરીને પૈસાની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી અને લાચાર માતા પર માનસિક દબાણ વધાર્યું હતું.

બીજી તરફ પોલીસે પીડિત માતાની મદદ કરવાને બદલે તોછડાઈભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. દીકરાના જીવ પર મંડાઈ રહેલા જોખમને જોઈ મીનાબેન તાત્કાલિક જૂનાગઢના A-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ન્યાયની આશાએ પહોંચી હતી. તેણે લેખિત અરજી દ્વારા જાણ કરી હતી કે, તેનો પુત્ર ગુમ છે અને કોઈ અજાણ્યો શખ્સ તેને બંધી બનાવી બીમારીનો ડર બતાવી 50 હજારની ખંડણી માંગી રહ્યો છે.

son

જોકે, પોલીસ સ્ટેશનમાં ફરજ પરના PSOએ મદદ કરવાને બદલે અત્યંત તોછડું અને સંવેદનહીન વર્તન કર્યું હતું. પીડિત માતાનો આક્ષેપ છે કે, પોલીસે કહ્યું કે, ‘આવા કેસો તો રોજ આવે છે, રોડવાનું બંધ કરો’ એટલું જ નહીં, પોલીસે ગુમ થયેલા દીકરાને લઈને એમ પણ કહી દીધું હતું કે, ‘તમારો છોકરો દારૂ પીતો હતો, તો તે પોતે જ પૈસા પડાવવા માટે આવું નાટક તો નથી કરતો ને?’ પોલીસનું આવું વલણ તંત્રની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કરે છે.

પોલીસ સ્ટેશનમાં જ જ્યારે તે અજાણ્યા શખ્સનો ફરીથી ફોન આવ્યો, ત્યારે PSO મીનાબેન પાસેથી મોબાઈલ લઈ લેતા પેલા વ્યક્તિને ધમકાવતા કહ્યું કે, ‘હું પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, તું કોણ છે?’ પોલીસનો અવાજ સાંભળતા જ સામેવાળા શખ્સે તરત જ ફોન કાપી નાખ્યો અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. આ ઘટના પછી પણ પોલીસે કોઈ ત્વરિત તપાસ કરવાને બદલે હાથ ઊંચા કરી દીધા હતા.

call

પીડિત પરિવારને એવું કહીને રવાના કરી દેવામાં આવ્યો કે, યુવાન રાજકોટથી ગુમ થયો હોવાથી જૂનાગઢ પોલીસ આમાં કંઈ કરી શકે તેમ નથી અને તપાસ માટે રાજકોટ જવું પડશે. આમ, ગુનેગારને પકડવાની તક હોવા છતા પોલીસની ઉદાસીનતા અને નિયમોની છટકબારીને કારણે એક લાચાર માતાનો જીવ વધુ અધ્ધર થઈ ગયો છે.

પુત્ર વિજય ગુમ થયાને 5 દિવસથી વધુનો સમય વીતી ગયો હોવા છતા, પોલીસની ઉદાસીનતા અને મોબાઈલ ચાલુ થાય તો જ લોકેશન મળે એવી ટેકનિકલ લાચારીને કારણે પીડિત માતાનો જીવ અધ્ધર થઈ ગયો છે. હવે તે શંકાસ્પદ મોબાઈલ નંબર બંધ આવતા પુત્રના જીવ પર તોળાઈ રહેલા જોખમથી ગરીબ પરિવાર આઘાતમાં છે. એક તરફ સરકાર મહિલા સુરક્ષા અને ત્વરિત ન્યાયના દાવા કરે છે ત્યારે બીજી તરફ જૂનાગઢ પોલીસનું ‘રડવાનું બંધ કરો’ જેવું સંવેદનહીન વલણ સમગ્ર તંત્ર માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે.

call1

અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં સાયબર સેલની મદદ લેવાને બદલે હાથ ઊંચા કરી દેતી પોલીસની કાર્યશૈલી સામે અનેક સવાલો ઉભા થયા છે. હવે માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે દરમિયાનગીરી કરી વિજયને સુરક્ષિત પરત લાવે તેવી જ પરિવારની આખરી આશા છે. આ સમગ્ર મામલે A-ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI સોલંકીએ જણાવ્યું હતું કે, ગત 7 તારીખના વિજય સોંદરવાના માતા મીનાબેન સોંદરવા અહીં આવ્યા હતા અને અરજી કરી હતી પરંતુ અમે આ મામલે કંઈ કરી શકીએ તેમ નથી જે કંઈ પણ થાય તે જ્યાંથી ગુમ થયો હોય ત્યાં ફરિયાદ નોંધાવવી પડે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!