fbpx

ભારતનો અમેરિકા-ઈરાન વચ્ચે સક્રિય મધ્યસ્થી ન કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે

Spread the love
ભારતનો અમેરિકા-ઈરાન વચ્ચે સક્રિય મધ્યસ્થી ન કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષના સમીકરણ સંદર્ભમાં ભારત દ્વારા સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ન ભજવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વ્યવહારુ છે. આ નિર્ણય ભારતની વિદેશનીતિ અને કૂટનીતિના મૂળ સિદ્ધાંતો સાથે બંધ બેસે છે જે દેશના આર્થિક હિતને સર્વોપરી માને છે. હાલના વૈશ્વિક વાતાવરણમાં જ્યારે ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય દેશોના વિવાદોમાં પડવાને બદલે પોતાના રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી એ જ યોગ્ય વલણ છે. 

34

ભારતની વિદેશનીતિનો મૂળ આધાર ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ અને ‘મલ્ટી એલાઈનમેન્ટ’ છે. આ સિદ્ધાંત હેઠળ ભારત કોઈ એક રાષ્ટ્ર શક્તિના પ્રભાવમાં આવ્યા વિના બધા પ્રમુખ દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે. અમેરિકા સાથેના આપણા દેશના સંબંધો આજે વિવિધ વેપારમાં ખાસ કરીને ટેક્નોલોજી અને સુરક્ષા ક્ષેત્રે અભૂતપૂર્વ છે. 2025-26ના આંકડા મુજબ અમેરિકા સાથેનો ભારતનો વેપાર 190 અબજ ડોલરથી વધુ છે અને તેમાં IT સેવાઓ, ફાર્મા અને ઊર્જા ક્ષેત્રનું મોટું યોગદાન છે. બીજા પક્ષે ઈરાન સાથે પણ ઊર્જા સંદર્ભે અગત્યના વ્યાપારિક સંબંધો ભારત ધરાવે છે. ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ દ્વારા ભારતને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી માર્ગ મળે છે જે ભારતની આયાત નિકાસને સરળ બનાવે છે. જો ભારતે અમેરિકા ઈરાન વિવાદમાં સક્રિય મધ્યસ્થી કરી હોત તો આ બંને સંબંધોમાં તિરાડ પડી શકે તેમ હતું. તટસ્થ રહેવાથી ભારતે પોતાની આર્થિક અને વ્યાપારિક સ્થિરતા જાળવી રાખી છે.

35

દેશ જ્યારે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો હોય ત્યારે વિદેશી વિવાદોમાં પડવું એ આત્મહત્યા સમાન છે. વર્તમાન સરકાર સમયે ભારતનું અર્થતંત્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. GDP વૃદ્ધિ દર 7 ટકાથી વધુ છે, વિદેશી રોકાણો (FDI) આવી રહ્યા છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ‘મેક ઈન ઈન્ડિયા’ દ્વારા મજબૂત બની રહ્યું છે. આવી સ્થિતિમાં અન્ય દેશોના રાજકીય અથવા યુદ્ધોના વિવાદોમાં સક્રિય થવાથી દેશના આર્થિક લક્ષ્યો પર અસર પડે. કોઈનો પક્ષ લેવો અને બીજનો પક્ષ ન લેવાથી સીધી તેલની આયાત પર અસર પડે જે મોંઘવારી વધારે અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડે. તેથી ‘આપણું હિત જાળવીએ’નું વલણ બિલકુલ સાચું છે. આ વલણે ભારતને યુક્રેન રશિયા સંકટમાં પણ તટસ્થ રાખ્યું હતું અને તેલની સસ્તી આયાત દ્વારા અર્થતંત્રને લાભ થયો હતો.

33

વૈશ્વિક શાંતિ અને માનવતાના હિતમાં કાર્ય કરવું એ ભારતની રાષ્ટ્રનીતિનો અનિવાર્ય ભાગ છે. આ નીતિ લાંબા ગાળે દેશને લાભકારી નીવડશે. ભારતે વૈશ્વિક સ્તરે ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતને અનુસરીને જ G20 માં વિકાસશીલ દેશોના હિતની વાત કરી હતી. આવી નીતિને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે અને વેપાર તેમજ રોકાણના નવા દરવાજા ખુલ્યા છે. વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં સક્રિય ભાગ લેવો, પરંતુ વિવાદના પક્ષકાર ન બનવું આ જ આદર્શ વલણ છે જે ભારતને આર્થિક રીતે મજબૂત બનાવશે. 

વિશેષ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વના નેતાઓ વચ્ચેની સ્વીકૃતિ આ સમીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વિશ્વના અનેક નેતાઓ સાથેના તેમના વ્યક્તિગત સંબંધોને કારણે ભારતને ક્વાડ, I2U2, IMEC જેવા વ્યૂહાત્મક મંચો પર અગ્રેસર સ્થાન મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતથી ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોકાણ વધ્યાં છે જ્યારે મધ્ય પૂર્વના દેશો સાથેના સંબંધોએ ઊર્જા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તકો ઊભી કરી છે. પીએમ મોદીની આ કૂટનીતિને કારણે ભારત આજે કોઈ એક પક્ષનો ગુલામ નથી પરંતુ સ્વતંત્ર અને મજબૂત ભાગીદાર છે. 

36

એટલું ચોક્કસ  કહી શકાય કે અમેરિકા ઈરાન સંદર્ભે ભારતની તટસ્થતા કોઈ નબળાઈ નથી પરંતુ તેની વિદેશનીતિની પરિપક્વતા છે. આ નીતિ દેશને આર્થિક પ્રગતિના લક્ષ્ય માટે અડીખમ રાખે છે, વૈશ્વિક શાંતિમાં નોંધનીય યોગદાન આપે છે અને માનવતાના હિતને સાચવે છે. જ્યારે ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવી વ્યવહારુ અને હિતલક્ષી વિદેશનીતિ જ દેશને સફળતાની ટોચે પહોંચાડશે. આ જ વલણ ભારતને વિશ્વમંચ પર માન સન્માન અને આર્થિક સમૃદ્ધિ પણ આપશે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

error: Content is protected !!