fbpx

નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણપોષણ માગ્યું, કોર્ટે પતિને ખખડાવીને કહ્યું- બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપ

Spread the love

નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણપોષણ માગ્યું,  કોર્ટે પતિને ખખડાવીને કહ્યું- બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપ

અલ્લાહાબાદ હાઇકોર્ટે છૂટાછેડા ભરણપોષણના કેસમાં એક વકીલને સખત ઠપકો આપ્યો છે. વકીલે તેની કામ કરતી પત્ની પાસેથી ભરણપોષણ મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ માંગ સામે કડક વલણ અપનાવતા અલ્હાબાદ હાઇકોર્ટે તેની અરજી ફગાવી દીધી. આ ઉપરાંત, કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે તે પોતાની પત્નીને 15 લાખ રૂપિયાનું વળતર આપે, કારણ કે તેણે તેના પગારના આધારે લીધેલી 24 લાખ રૂપિયાની લોનનો દુરુપયોગ કરીને હેરાન કરી હતી.

કોર્ટે એ પણ શોધી કાઢ્યું કે વકીલે હકીકતો છુપાવી હતી અને ખોટા સોગંદનામા દાખલ કર્યા હતા. હાલમાં, દંપતીની છૂટાછેડાની કાર્યવાહી કોર્ટમાં પેન્ડિંગ છે, અને તેઓ અલગ રહે છે. હુકમ જાહેર કરતા, ન્યાયાધીશ વિનોદ દિવાકરની બેન્ચે પણ અરજદારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કોર્ટે અરજદાર પતિ-પત્ની સાથે ઘણી વખત વાત કરી છે. અરજદાર પતિને સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો કે તે પત્નીની કમાણી પર નજર રાખવાને બદલે એક સ્વસ્થ વ્યાવસાયિક જીવન જીવે. પત્નીની શારીરિક ભાષા અને વર્તન દર્શાવે છે કે તેનું શારીરિક શોષણ થયું છે અને હવે તે માનસિક રીતે થાકી ગયેલી દેખાય છે. તો, અરજદાર પતિ હટ્ટો-કટ્ટો, બેશરમ યુવાન છે જેને સખત મહેનત, પ્રામાણિકતા અને વફાદારી પ્રત્યે કોઈ માન નથી. પતિ તુલનાત્મક રૂપે સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, તેના કાકા પહેલા સાંસદ હતા અને તેની માતા ગામની માજી સરપંચ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કોર્ટે વધુમાં કહ્યું હતું કે પત્ની એક સરળ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. તેના પિતા પોલીસ દળમાંથી નિવૃત્ત છે, અને તેની માતા આરોગ્ય વિભાગમાં ગ્રુપ D કર્મચારી તરીકે સેવા આપી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે પત્નીએ 2019માં વધારાના ખાનગી સચિવ તરીકે સરકારી નોકરી મેળવી હતી અને પરિણામો જાહેર થયાના થોડા સમય બાદ જ તેણે અરજદાર સાથે લગ્ન કર્યા હતા.

allahbad-high-court4

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, અરજદાર પતિ એક સક્ષમ પુરુષ અને વ્યવસાયે વકીલ છે. તેણે પોતાની નાણાકીય પરિસ્થિતિનો સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે ખુલાસો કર્યો નથી. પૂરી પાડવામાં આવેલી માહિતીમાં સંપત્તિ અને જવાબદારીઓનું સોગંદનામું પણ નથી. તે પોતાને આશ્રિત તરીકે સંપૂર્ણપણે રજૂ નહીં કરી શકે.

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટ વિન્ડો શોપિંગ માટેનું સ્થાન નથી. અરજદાર વારંવાર ખોટા અને ગેરમાર્ગે દોરનારા તથ્યો સાથે આ કોર્ટમાં આવ્યો છે. તેણે પોતાની અરજીઓ અને આવેદનોના સમર્થનમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા છે. રાહત મેળવવા માટે તેણે જરૂરી તથ્યો છુપાવવા અને સમાંતર કાનૂની માર્ગોનો ઉપયોગ કરવાથી તેમને આ કોર્ટ તરફથી કોઈ પણ પ્રકારની રાહત મળતી નથી.

પત્નીના વકીલની દલીલોનો ઉલ્લેખ કરતા કોર્ટે જણાવ્યું હતું કે અરજદારે એ હકીકત છુપાવી હતી કે પ્રયાગરાજની ફેમિલી કોર્ટના આદેશ બાદ તેને તેમની પત્ની પાસેથી દર મહિને ₹5,000 ભરણપોષણ તરીકે મળી રહ્યું હતું. બેન્ચે જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. પતિએ એ હકીકત પણ છુપાવી હતી કે હાઈકોર્ટે ભરણપોષણની કાર્યવાહી પર રોક લગાવી હતી.

allahbad-high-court

આ કેસમાં, પત્નીએ તેના વકીલ દ્વારા આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ જમીન ખરીદવાના નામે લોન લેવાની વાત કહી હતી. 2020 અને 2022માં, પતિએ તેની પત્નીના પગારનો ઉપયોગ કરીને અનુક્રમે ₹11.50 લાખ અને ₹13.56 લાખની લોન લીધી હતી. આ લોન પત્નીના પગાર પર લીધી હતી. જો કે એક લોન ચૂકવી દેવામાં આવી હતી, પત્ની હજુ પણ બીજી લોન માટે દર મહિને ₹26020ની EMI ચૂકવી રહી છે. પત્નીના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે પતિએ કથિત રીતે UPI દ્વારા લોનની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી હતી અને તેને દારૂ અને વૈભવી જીવનશૈલી પાછળ ખર્ચી હતી.

કોર્ટે આ કેસમાં પતિની અરજી ફગાવી દીધી હતી. તેણે પત્નીને ₹15 લાખનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે પતિની સ્થાવર અને જંગમ સંપત્તિની તપાસ માટે એક સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો. બેન્ચે પ્રયાગરાજમાં ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશને હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ પત્ની દ્વારા દાખલ કરાયેલા વૈવાહિક કેસમાં કાર્યવાહી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે તે જ કોર્ટને ખોટા સોગંદનામા દાખલ કરવા અને પતિ સામેના તથ્યો છુપાવવાના આરોપોની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!