fbpx

‘સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી, સંતાનો સવાલ પૂછશે કે તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો?’, આવું કેમ બોલ્યા અલ્પેશ ઠાકોર?

Spread the love

‘સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી, સંતાનો સવાલ પૂછશે કે તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો?’, આવું કેમ બોલ્યા અલ્પેશ ઠાકોર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજયમાં આવેલો ગરમાવો હવે શાંત થઈ ગયો છે. પરિણામોમાં ભાજપે ફરી એક વખત કમાલ કરી બતાવી છે. આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય બન્યા હતા. એવી જ રીતે ચૂંટણી પૂર્ણ થતા જ હાલ અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને હાલ ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ અલ્પેશ ઠાકોરે શું કહ્યું હતું.

aplesh

મહેસાણા જિલ્લાના વિસનગરમાં તાજેતરમાં જ ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન થયું હતું. ત્યાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સમાજના અનેક અગ્રણી નેતા હાજર રહ્યા હતા અને તેમણે સમાજને મોટો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા ભારે ખર્ચા અને દેખાડાની પ્રથાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે પોતાના વિરોધીઓને પણ મંચ પરથી નિવેદનબાજીમાં આડેહાથ લીધા હતા.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘આજકાલ કેટલાક લોકો માત્ર દેખાદેખી માટે પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે, જે લાંબા ગાળે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થાય છે. ઘણા પરિવારો લગ્ન જેવા પ્રસંગો માટે જમીન વેચી નાખે છે અથવા વ્યાજે પૈસા લઈને ભવ્ય આયોજન કરે છે, જે સમજદારીભર્યું નથી. તેમણે ચેતવણી આપી કે આવા નિર્ણયો ભવિષ્યમાં પરિવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

વિસનગરમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો. મધ્યમ વર્ગ ‘બધા જોતા રહી જાય’ તેવા પ્રસંગો કરવાની લ્હાયમાં પાયમાલ થઈ રહ્યો છે. સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, વ્યાજખોરીથી સાવધાન વટ પાડવા માટે જમીન વેચવી કે વ્યાજે પૈસા લાવીને લાખોનો ધૂમાડો કરવો એ બુદ્ધિમાની નથી.

aplesh

તેમણે સમાજને અપીલ કરી કે દેખાડો કરવા માટે દેવું લેવું કે સંપત્તિ વેચવી ટાળવી જોઈએ. સમૃદ્ધ લોકો પાસે આ પ્રકારના દેખાડા માટે સમય નથી, જ્યારે મધ્યમ વર્ગના લોકો આ દોડમાં ફસાઈને પોતાની આર્થિક સ્થિતિને નબળી બનાવી રહ્યા છે. જો આજે ખોટા ખર્ચા કરશો, તો ભવિષ્યમાં સંતાનો સવાલ પૂછશે કે, ‘તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો? અયોગ્ય રીતિ-રિવાજો ત્યાગીને લગ્નમાં થતી બચતનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવા અપીલ કરી.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં વાવ-થરાદના દિયોદરમાં ઠાકોર સમાજે મહાસંમેલન આયોજિત કરીને પોતાના સમાજનું આગવું બંધારણ અપનાવ્યું છે. જેમાં સાંસદ ગેનીબેન અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિતના અનેક નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના બંધારણનું ચૂસ્તપણે પાલન કરવાની હાકલ કરી હતી. જે બંધારણમાં ખાસ સગાઈ-પ્રેમલગ્ન અને મૈત્રી કરારથી માંડી મરણપ્રસંગ સુધી આ 16 મુદ્દા પર નિયમો બનાવાયા હતા અને તેનો પણ ઉદ્દેશ્ય પણ ખાસ આવા શુભપ્રસંગમાં ખોટો ખર્ચ ટાળવાનો હતો, ત્યારે હાલ આ મુદ્દે અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

error: Content is protected !!