
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ’ (NEET-UG 2026) ને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે પરીક્ષાના બે દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે એક એવું ‘ગેસ પેપર’ પહોંચી ગયું હતું, જેમાંથી 720 માર્ક્સમાંથી લગભગ 600 માર્ક્સના પ્રશ્નો બેઠા પૂછાયા હતા. આ આખા નેટવર્કનું કનેક્શન છેક કેરળ સુધી વિસ્તરેલું હોવાનું બહાર આવ્યું છે. આ ખબર સામે આવતા નેશનલ ટેસ્ટ એજન્સીએ પરીક્ષાને રદ્દ કરી દીધી છે અને ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
કેવી રીતે ફૂટ્યું કૌભાંડ?
3 મેના રોજ લેવાયેલી NEET પરીક્ષા દરમિયાન ગેરરીતિની ફરિયાદો મળતા NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ તપાસ સોંપી હતી. SOGની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં એક ‘ગેસ પેપર’ અથવા ‘ક્વેશ્ચન બેંક’ ઝડપથી વાયરલ થઈ હતી. નવાઈની વાત એ છે કે, NEETમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો જે ક્રમમાં હતા, તે જ ક્રમ આ ગેસ પેપરમાં પણ જોવા મળ્યો હતો.
SOGના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) નું નિવેદન
ADG વિશાલ બંસલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તપાસમાં એક ગેસ પેપર સામે આવ્યું છે જેમાં અંદાજે 410 પ્રશ્નો હતા. આ 410 પ્રશ્નોમાંથી અંદાજે 120 પ્રશ્નો (કેમેસ્ટ્રી સહિત) મુખ્ય પરીક્ષામાં આવ્યા હોવાનું કહેવાય છે. નીટમાં દરેક પ્રશ્ન 4 ગુણનો હોય છે, તે મુજબ લગભગ 600 માર્ક્સના પ્રશ્નો આ શંકાસ્પદ ક્વેશ્ચન બેંકમાંથી મળ્યા છે. આ પેપર પરીક્ષાના 15 દિવસ કે એક મહિના પહેલાથી જ ફરતું થયું હતું. હાલ તપાસ એ દિશામાં છે કે શું આના આધારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે છેતરપિંડી થઈ છે.
રિપોર્ટ્સ મુજબ, આ કથિત ‘ગેસ પેપર’ શરૂઆતમાં 5-5 લાખ રૂપિયામાં વેચાયું હતું. જોકે, પરીક્ષાની આગલી રાતે તેની કિંમત ઘટીને 30-30 હજાર રૂપિયા થઈ ગઈ હતી. SOG એ તાબામાં લીધેલા મોબાઈલ ફોન્સમાં મેસેજ પર ‘ફોરવર્ડેડ મેની ટાઈમ્સ’ (Forwarded many times) લખેલું જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે આ પેપર હજારો લોકો સુધી પહોંચ્યું હશે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ક્વેશ્ચન બેંકનું લિંક રાજસ્થાનના ચુરુના એક યુવક સાથે જોડાયેલું છે. આ યુવક હાલ કેરળની એક મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરી રહ્યો છે.

તેણે 1 મેના રોજ સીકરમાં તેના એક મિત્રને આ પ્રશ્નો મોકલ્યા હતા.
ત્યારબાદ આ ડોક્યુમેન્ટ એક PG (પેઈંગ ગેસ્ટ) સંચાલક પાસે પહોંચ્યું અને ત્યાંથી કરિયર કાઉન્સેલર્સ તથા અન્ય વિદ્યાર્થીઓમાં ફેલાઈ ગયું.
સીકરનો એક PG સંચાલક પણ હવે તપાસના ઘેરામાં છે. આ સંચાલકે જ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન અને NTA ને ફરિયાદ કરી હતી કે વિદ્યાર્થીઓ પાસે શંકાસ્પદ પેપર પહોંચ્યું છે. જોકે, તપાસમાં બહાર આવ્યું છે કે તેની પાસે પણ આ પેપર અગાઉ આવી ગયું હતું અને તેણે પણ આગળ મોકલ્યું હતું. એજન્સીને આશંકા છે કે પકડાઈ જવાના ડરથી તેણે પોતે જ ફરિયાદ કરીને બચવાનો પ્રયાસ કર્યો છે.
હાલ SOG સોશિયલ મીડિયા ચેટ્સ, કોલ ડિટેલ્સ અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આ આખા નેટવર્કના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચી શકાય.