
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે ભારત સરકાર દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે એક્શન મોડમાં આવી છે. રવિવારે તેલંગાણામાં એક જંગી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા આગ્રહ કર્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક સંકટને કારણે ક્રૂડ ઓઈલ અને ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આપણે કોઈપણ ભોગે વિદેશી હૂંડિયામણ (Forex) બચાવવું પડશે.
બળતણ અને આયાત ઘટાડવા માટે ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ અપનાવવાની જરૂર છે.

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા મેટ્રો રેલનો ઉપયોગ, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા અપીલ કરી છે. પાર્સલ અને માલસામાનની હેરફેર માટે રેલવેનો ઉપયોગ વધારવા જણાવ્યું છે.
ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી પ્રાકૃતિક ખેતી અપનાવવી અને વધુમાં વધુ સ્વદેશી ઉત્પાદનો ખરીદવા આહવાન કર્યું છે.
ભારત ચીન પછી સોનાનું વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2025-26 માં સોનાની આયાત 24% વધીને $71.98 બિલિયન (₹6.77 લાખ કરોડ) ના રેકોર્ડ સ્તરે પહોંચી છે. સરખામણીમાં 2024-25 માં આ આંકડો ₹5.45 લાખ કરોડ હતો. ચોંકાવનારી વાત એ છે કે, ભાવ વધારાને કારણે આયાતનું મૂલ્ય વધ્યું છે પરંતુ સોનાનો જથ્થો (Quantity) 757 ટનથી ઘટીને 721.03 ટન થયો છે.
ભારત તેની જરૂરિયાતનું 85% સોનું આયાત કરે છે. ‘ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ના રિપોર્ટ મુજબ, જો ભારતીય પરિવારો પાસે રહેલા અંદાજે 35,000 ટન સોનામાંથી થોડું પણ રિસાઈકલ કરવામાં આવે, તો દર ટને અંદાજે ₹893 કરોડની આયાત બચાવી શકાય તેમ છે.
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર 1 મે સુધીમાં ઘટીને $690.7 બિલિયન પર આવી ગયું છે, જે ગયા ફેબ્રુઆરીમાં $728.494 બિલિયનની સર્વોચ્ચ સપાટીએ હતું. એટલે કે 3.61 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ભારત તેની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય ભાવ વધવા છતાં સરકારી કંપનીઓએ (IOC, BPCL, HPCL) ભાવ વધાર્યા નથી. પરિણામે, આ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ પર રોજના અંદાજે ₹1,600 થી ₹1,700 કરોડનું નુકસાન કરી રહી છે. છેલ્લા 10 અઠવાડિયામાં કુલ નુકસાન ₹1 લાખ કરોડને પાર કરી ગયું છે.
સરકારે જનતાને રાહત આપવા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે સરકારને દર મહિને ₹14,000 કરોડની આવકનું નુકસાન થઈ રહ્યું છે.
માર્ચ 2026 ના અંત સુધીમાં, ભારતે ક્રૂડ અને પેટ્રોલિયમ પેદાશો પર કુલ $174.9 બિલિયન (₹16.44 લાખ કરોડ) ખર્ચ્યા છે, જે દેશની કુલ આયાતના 22% હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે PM મોદીએ દેશવાસીઓને આર્થિક સહયોગ આપવા વિનંતી કરી છે.