fbpx

શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું ‘ઓપરેશન લંગડા’ પણ બંધ થઇ જશે?

Spread the love

શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' પણ બંધ થઇ જશે?

ગુજરાતના ડીજીપીએ એક પરિપત્ર કરીને પોલીસને તાકીદ કરી છે કે રિકસ્ન્ટ્રક્શનના નામે પોલીસ આરોપીઓને જાહેરમાં દોરડા બાંધીને ચલાવે છે તે તાત્કાલિક રીતે બંધ થવું જોઇએ. તે માનવ અધિકારોને ઉલ્લંઘન છે. જોકે, ગુજરાત પોલીસમાં એક બીજી આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે તે છે ઓપરેશન લંગડા. એટલે કે આરોપીઓને પગ પર ગોળી મારવી. શું હવે પોલીસ આ પ્રકારની ગતિવિધિ પણ નહીં કરે. 

01

સૂત્રોના જણાવ્યા અનુસાર ડીજીપીનો આ પરિપત્ર હાઇકોર્ટના આદેશ બાદ આવ્યો છે. વર્ષ 2018માં પણ આ પ્રકારના પરિપત્ર કરાયો હતો પરંતુ તેનું પાલન યોગ્ય રીતે થતું ન હતું. આ ઘટનાઓને લઇને હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી અને હાઇકોર્ટના આદેશ બાદ ડીજીપીએ આ પરિપત્ર કર્યો હોવાની જાણકારી મળી રહી છે. એટલે હવે કદાચ ગુજરાત પોલીસ આવા વરઘોડા કાઢવાથી દૂર રહેશે. પરંતુ ખરેખર તો વરઘોડાની વણઝાર હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા ત્યારપછી જ શરૂ થઇ હતી. તેમણે ઘણીવાર જાહેરમાં કહ્યું હતું કે વરઘોડા તો નીકળશે જ એટલે પોલીસ તેનું જાણે પાલન કરતી હતી. 

આ ઉપરાંત પોલીસ માત્ર વરઘોડા જ કાઢતી ન હતી પરંતુ સાથે સાથે તેની રીલ બનાવીને પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કરતી હતી. આવું કરવા પાછળ એવી દલીલ અપાતી હતી કે ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. જોકે, આ પ્રકારની ગતિવિધિનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે અમેરિકા અને યુરોપના દેશોમાં આવું ક્યાંય કરાતું નથી છતાં પોલીસનો ડર લોકોમાં છે. તો આપણે ત્યાં કરવાની શી જરૂર છે. તો તેની સામે એવી દલીલ કરાય છે કે અમેરિકાના યુરોપના દેશોમાં લોકોની સંખ્યા ભારત જેટલી નથી હોતી. જોકે, આ તર્કનો જવાબ એ અપાય છે કે ત્યાં પોલીસની સંખ્યા પણ ભારત જેટલી હોતી નથી. આ વિવાદ ચાલતો જ રહેશે. 

02

પરંતુ ભારતની ન્યાય વ્યવસ્થામાં પોલીસને કોઇ પ્રકારની સજા કરવાનો હક નથી. પોલીસ આરોપીને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરે છે. ત્યારબાદ કોર્ટ નક્કી કરે છે કે આરોપીએ ગુનો કર્યો છે કે નહીં. વરઘોડા કાઢવા કે ઓપરેશન લંગડાને અંજામ આપવું તો આરોપીને કોર્ટ સજા કરતા તે પહેલા જ સજા કરવા જેવું છે. ગુજરાતમાં પણ ઓપરેશન લંગડા હેઠળ હાલમાં જ વરાછામાં લૂંટના આરોપીને પગમાં ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત બીજી પાંચ ઘટનાઓ અમદાવાદ, રાજકોટ, દાહોદમાં થઇ ચૂકી છે. 

03

વરઘોડા અને ઓપરેશન લંગડાને લઇને બન્ને બાજુની દલીલો થાય છે. તેના સમર્થકો છે તો વિરોધીઓ પણ છે. બંધારણ અને કાયદાઓ તો ઘણા બનેલા છે પરંતુ તેનું પાલન કરનારા અને કરાવનારા લોકો ઉપર તે નિર્ભર કરે છે. આ ઉપરાંત સામાન્ય જનતા તેમાં સૌથી મોટું ફેક્ટર છે. સામાન્ય જનતા પોલીસના આ પ્રકારની કાર્યવાહીઓથી ખુશ થતી હોય છે. રાજકારણીઓ તો સામાન્ય જનતાને ખુશ કરવા જ બધુ કરતા હોય છે પરંતુ કોર્ટને સામાન્ય જનતા સાથે લેવા દેવા નથી. કોર્ટનો કાયદા અને બંધારણને અનુસરીને જ નિર્ણય કરે છે. આપણા બંધારણે એટલે જ સરકાર અને ન્યાયપાલિકા બન્નેને જુદા જુદા પ્રકારના હક અને ફરજો આપી છે.

Leave a Reply

error: Content is protected !!