
મધ્ય પ્રદેશના પાંઢુર્ણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર દ્વારા વિતરણ કરાયેલા પોષણયુક્ત આહાપના પેકેટમાં મૃત સાપનું બચ્ચું મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટના કારઘાટ કામઠી ગામમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે પેકેટ ગર્ભવતી મહિલાને આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્રએ તપાસ શરૂ કરી દીધી છે અને પાંચ સભ્યોની તપાસ ટીમની રચના કરી છે.
અહેવાલો અનુસાર, કારઘાટ કામઠી ગામની ગર્ભવતી વચ્છલા બાઈ ધુર્વેને આંગણવાડી કેન્દ્ર દ્વારા નિયમિતપણે મળતો પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. ઘરે પહોંચીને પેકેટ ખોલ્યું તો, પરિવારના સભ્યો મૃત સાપનું બચ્ચું જોઈને ચોંકી ગયા. આ જોઇને ગભરાઈને, પરિવારે તાત્કાલિક સંબંધિત આંગણવાડી કાર્યકર અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી.
આ ઘટનાના સમાચાર ગામમાં ઝડપથી ફેલાઈ ગયા, જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓ આંગણવાડી કેન્દ્ર પર ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. પૌષ્ટિક આહારની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવતા, ગ્રામજનોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તેમનું કહેવું છે કે સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને કુપોષણથી પીડાતા લોકો માટે બનાવાયેલ ખાદ્ય પદાર્થો પ્રત્યે આવી બેદરકારી ખૂબ ગંભીર છે.

આ ઘટનાની માહિતી મળતા જ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોજેક્ટ અધિકારી ઉષા પાન્દ્રે અને સ્થાનિક મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા. અધિકારીઓએ પૌષ્ટિક આહારનું પેકેટ જપ્ત કરીને, પંચનામું તૈયાર કર્યું અને પ્રારંભિક તપાસ શરૂ કરી. તેમણે ગ્રામજનોને ખાતરી પણ આપી કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
વહીવટીતંત્રએ જણાવ્યું છે કે તપાસ અહેવાલ મળ્યા પછી નિયમો અનુસાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો, આ ઘટનાએ આંગણવાડી કેન્દ્રો દ્વારા વિતરિત કરાતા પૌષ્ટિક આહારની ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ગ્રામજનોએ પારદર્શક તપાસ અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે.
આજતકના અહેવાલ મુજબ, પાંઢુર્ણાના પ્રભારી કલેક્ટર અગ્રિમ કુમારે જણાવ્યું હતું કે આ બાબતની તપાસ માટે પાંચ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. ફરિયાદ સંબંધિત પેકેટમાંથી એક નમૂનો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ નમૂનો ભોપાલ સ્થિત રાજ્ય ખાદ્ય પરીક્ષણ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. પરીક્ષણ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.