
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટાએ ગુજરાતના જામનગરમાં એક આધુનિક AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ, રિલાયન્સ 168 મેગાવોટ (MW) ડેટા સેન્ટર બનાવશે, જે આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે તેની ક્ષમતાને વધુ વિસ્તૃત કરી શકાય છે.

રિલાયન્સ આ પ્રોજેક્ટમાં એન્ડ-ટુ-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે સેવા આપશે. કંપની ડેટા સેન્ટરની ડિઝાઇન તૈયાર કરવાની અને તેને બનાવવાની સાથે સાથે, પાવર સપ્લાય, નેટવર્ક કનેક્ટિવિટી, રિન્યુએબલ એનર્જી, ઓપરેશન્સ અને અન્ય આવશ્યક સેવાઓનું સંચાલન કરશે.
આ ભારતમાં મેટાનું પહેલું ‘બિલ્ટ-ટુ-સુટ’ ડેટા સેન્ટર હશે, જે કંપનીની ચોક્કસ જરૂરિયાતો અને AI-આધારિત કમ્પ્યુટિંગ જરૂરિયાતોને પુરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સુવિધા મેટાના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને મોટા પાયે ડેટા પ્રોસેસિંગ ક્ષમતાઓને મજબૂત બનાવશે.

રિલાયન્સ જણાવે છે કે, જામનગરને તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું હતું. અહીં પુષ્કળ નવીનીકરણીય ઉર્જા સંસાધનો, પુષ્કળ પાણીની ઉપલબ્ધતા, જિયોનું વ્યાપક ફાઇબર નેટવર્ક અને પશ્ચિમ કિનારે સમુદ્રતટ પર ઇન્ટરનેટ કેબલ લેન્ડિંગ સ્ટેશનોની નિકટતા જેવી સુવિધા ઉપલબ્ધ છે. ડેટા સેન્ટર સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા દ્વારા સંચાલિત થવાની યોજના છે, જેમાં શુદ્ધ કરાયેલું દરિયાઈ પાણીનો ઉપયોગ તેની ઠંડક માટે થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ધીરુભાઈ અંબાણીએ જણાવ્યું હતું કે, મેટા સાથેની આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ વિશ્વ કક્ષાની ડિજિટલ સુવિધાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જે ભારત અને વૈશ્વિક સ્તરે AI નવીનતાના આગામી લહેરને આગળ ધપાવશે. તેમણે જણાવ્યું હતું કે, જામનગર ભવિષ્યમાં હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

મેટાના સ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કંપની રિલાયન્સ સાથે ભારતમાં તેનું પ્રથમ AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે ઉત્સાહિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જામનગરમાં આ વિશ્વ કક્ષાની સુવિધા મેટાની વૈશ્વિક AI ક્ષમતાઓને મજબૂત બનાવશે અને ભારતમાં કંપનીના લાંબા ગાળાના રોકાણ માટે નવી દિશા પ્રદાન કરશે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ ભાગીદારી ભારત સરકારની એ પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે, જે ડેટા સેન્ટરોને વ્યૂહાત્મક રાષ્ટ્રીય માળખા તરીકે જુએ છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.