
IRCTC ગમે તેટલી વેબસાઇટ અપગ્રેડ કરે કે વધુ સારું યુઝર ઇન્ટરફેસ બનાવે, ટિકિટ બુક કરાવવી એ આજે પણ માથાના દુખાવા સમાન છે. IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુક કરાવવામાં આવતી સમસ્યાઓની યાદી ઘણી લાંબી છે. ક્યારેક પૈસા કપાઈ જાય છે અને ટિકિટ બુક થતી નથી. લોગિન સમસ્યાઓ અને બુકિંગ સત્રમાંથી બહાર ફેંકી દેવું સામાન્ય છે. અહીં આપણે તત્કાલ ટિકિટની તો વાત જ નથી કરતા. ત્યાં તો બારી ખુલતી જ નથી, અને ચક્ર ગોળ ગોળ ફરતું જ રહે છે. આ બધી સમસ્યાઓથી કંટાળીને એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો.

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે સામાન્ય મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. PILની સુનાવણી કરતી વખતે કોર્ટે રેલ્વે મંત્રાલય અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પાસેથી જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે રેલ્વે મંત્રાલય અને IRCTCને આ બાબતે સૂચનાઓ માંગવા અને એક અઠવાડિયાની અંદર કોર્ટને જાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અરજી ઉત્તમ કુમાર નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. મીડિયા ચેનલના અહેવાલ મુજબ, ઉત્તમ કુમારના વકીલ શુભમ કુમારે જણાવ્યું હતું કે, અરજીમાં IRCTC, RailOne અને અન્ય સંકળાયેલ ડિજિટલ પ્લેટફોર્મની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમનું સ્વતંત્ર અને તકનીકી રીતે સક્ષમ ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘણી ગંભીર ખામીઓ દર્શાવવામાં આવી છે.

પ્રાથમિક ફરિયાદ એ છે કે વેબસાઇટ ખુબ જ ધીમી ચાલે છે અને પછી હેંગ થઈ જાય છે. અરજી અનુસાર, એડવાન્સ અને તત્કાલ બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ સાઇટમાં ખરાબી આવવા લાગે છે, બીજા શબ્દોમાં કહીએ તો, સ્ક્રીન પર ફક્ત ચક્ર ગોળ ગોળ ફરતું જ દેખાય છે. સાથે સાથે તહેવારો અથવા લાંબી રજાઓ દરમિયાન તો, સાઇટ પર લોગ ઇન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય જ બની જાય છે, ટિકિટ બુક કરવાનું તો ભૂલી જ જાઓ.
બીજી ફરિયાદ બેન્કમાંથી પૈસા કપાઈ જવાની છે. ક્યારેક, મુસાફરના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ ટિકિટ બુક થતી નથી. આ સંદર્ભે અરજીમાં સ્પષ્ટ અને સમયસર રિફંડ સિસ્ટમની માંગ કરવામાં આવી છે, જેથી મુસાફરો બીજી ટિકિટ બુક કરવાની તક ગુમાવી ન શકે. અહીં તમારી જાણકારી માટે કહી દઈએ કે, IRCTCની ‘રિઝ્યુમ/રીટ્રાય બુકિંગ’ સુવિધા 10 ફેબ્રુઆરી, 2026થી ઉપલબ્ધ પણ થઇ ગઈ છે. એટલે કે એનો અર્થ એ છે કે, જો ટિકિટ બુકિંગ ફેલ જાય અને પૈસા કપાઈ પણ જાય, તો તમે તે જ દિવસે તે જ રકમનો ઉપયોગ કરીને ટિકિટ ફરીથી બુક કરી શકો છો. તમે તેની અંદર નીચેની લિંક પર ક્લિક કરીને આ વિશે વધુ વાંચી શકો છો.

ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ આરોપ બોટ્સનો છે. અરજીમાં જણાવાયું છે કે, સિસ્ટમમાં અનધિકૃત સોફ્ટવેર, ઓટોમેટેડ સ્ક્રિપ્ટ્સ અને બલ્ક-બુકિંગ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આનાથી સામાન્ય લોકોની તુલનામાં પસંદગીના એજન્ટો અથવા ‘દલાલો’ને ઉપલબ્ધ ટિકિટોની ખોટી રીતે વધારે ટિકિટ બુકીંગ મળી જાય છે. એટલે કે એ પ્રશ્ન ઉઠ્યો છે કે, જે ટિકિટો આપણા ફોન અને લેપટોપથી બુક કરી શકાતી નથી તે એજન્ટો દ્વારા સરળતાથી બુક કેમ થઇ જાય છે.

અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, અધિકારીઓને સમગ્ર રિઝર્વેશન ઇકોસિસ્ટમનું સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરવા માટે નિર્દેશ આપવામાં આવે. આગામી સુનાવણીમાં જ્યારે રેલ્વે મંત્રાલય અને IRCTC કોર્ટમાં તેમની દલીલો રજૂ કરશે ત્યારે અમે તમને વધારે વિગતવાર માહિતી આપીશું…