fbpx

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

Spread the love

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત મોડલ તરીકે દેશભરમાં ચર્ચામાં રહ્યું છે. આ બધી સિદ્ધિઓ પાછળ પ્રજાનો અટલ વિશ્વાસ અને સરકારની વિકાસલક્ષી નીતિઓનો મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ કોઈપણ મોટી વ્યવસ્થામાં કેટલાક તત્ત્વો દ્વારા થતી ખામીઓને અવગણી શકાય નહીં. ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચાર જેવી સમસ્યા વ્યાપક સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિકાસના પાયાને અંદરથી નબળો બનાવી શકે છે. આવી પરિસ્થિતિમાં પ્રજાના હિતમાં અને વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા ભ્રષ્ટ તત્ત્વોને કાબૂમાં લેવાની આવશ્યકતા વધી જાય છે.

ગુજરાતની જનતાનો ભાજપ પરનો વિશ્વાસ અને ગુજરાતની ભાજપ સરકારે કરેલા વિકાસના કાર્યોમાં કોઈ ખોટ કાઢી શકાય એમ નથી. ગુજરાતની જનતા વખતોથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપીને વધાવી લેતી આવી છે અને ભાજપ દ્વારા પણ ગુજરાતમાં દરેક ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોથી ગુજરાતની જનતા પણ સંતુષ્ટ જણાય રહી છે. પરંતુ ક્યાંક ખોટ પણ છે, સારું તો સારું છે જ અને એને આવકારવું રહ્યું પણ રહી જતી ચૂક કે ખોટને પણ ધ્યાને લેવી પણ જરૂરી છે. આ વિષયમાં ચર્ચા થવી જોઈએ અને એનો પ્રજાના હિતમાં નિકાલ પણ લાવવો જોઈશે.

BJP1

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. અહીં વાત ભ્રષ્ટાચારની સંપૂર્ણ નાબૂદીની નથી પરંતુ વધેલા પ્રમાણની છે કેમ કે ભ્રષ્ટાચાર નાબૂદી દિવાસ્વપ્ન જેવી વાત છે ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતમાં. ગુજરાતમાં ભ્રષ્ટાચાર આદરવામાં બે પ્રમુખ વર્ગ છે. એક છે સરકારમાં બેઠેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને બીજા છે કેટલાક ચૂંટાયેલા રાજનેતાઓ.

સરકારમાં બેઠેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓથી માંડીને પટાવાળા સુધીના કર્મચારીઓ હાલ ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના સમાચાર અવાર-નવાર અખબારી માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. બીજી બાજુ નાગરિકોએ ચૂંટેલા કેટલાક સરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકા મહાનગરપાલિકાના નગરસેવકો, ધારાસભ્યો અને સાંસદો છે, જેઓ ટેન્ડરો, ગ્રાન્ટો અને લાયઝનીંગ દ્વારા ભ્રષ્ટાચાર કરીને ઉઘાડી લૂંટ ચલાવે છે. ચૂંટાયા પછી અચાનક આ નેતાઓની જીવનશૈલી વૈભવી થતી ગઈ અને તેમના અને તેમના પરિવારના ઇન્કમટેક્સ ભરવાના આંકડા વધતા ગયા છે અને હવે તો કરોડોના બંગલાઓ અને કરોડોની ગાડીઓમાં ફરતા થયા છે! 24 કલાક સમાજસેવા કરનાર વ્યક્તિ વ્યવસાયમાં તો ધ્યાન આપી શકે જ નહીં અને જો વ્યવસાયમાં ધ્યાન ના આપી શકાય તો વ્યવસાય નબળો પડે અને આવક ઘટે. પરંતુ અહીં તો નેતાઓની આવકો સદ્ધરતા મિલકતો વધતી જ ચાલી છે! આવું કેમ? 

કેટલાક સરકારી અધિકારીઓ અને અમુક નેતાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના વિશે હવે છડેચોક ચર્ચાઓ શરૂ થઈ છે અને તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સોશિયલ મીડિયા માધ્યમોમાં પણ આ ચર્ચાઓ વધી છે અને તેનું ઠીકરું ભાજપની સરકાર પર ફૂટવાનું ચાલુ પણ થયું છે જે ગુજરાતની ભાજપ સરકાર માટે હાલ ચિંતાનો વિષય તો છે, પણ માથાનો દુખાવો પણ બનતો જાય છે. જો ગુજરાત સરકાર કેટલાક સરકારી અધિકારીઓને કાબૂમાં નહીં કરે અને જો ભાજપ પોતાના અમુક ચૂંટાયેલા ભ્રષ્ટાચારી અને ઘમંડી નેતાઓને કાબૂમાં નહીં કરે તો આખરે નુકસાન તો ગુજરાત ભાજપને જ થવાનું છે. 

UP BJP

ભ્રષ્ટાચારની આ સમસ્યા માત્ર આર્થિક નુકસાન સુધી મર્યાદિત નથી. તે પ્રજાના વિશ્વાસને ધીરે-ધીરે ખતમ કરે છે. જ્યારે સામાન્ય નાગરિકને સરકારી કામકાજ માટે વધારાના પૈસા આપવા પડે અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટમાં ગુણવત્તા ઘટે ત્યારે તેની અસર સીધી જનમાનસિકતા પર પડે છે. વિકાસના કાર્યોમાં વિલંબ થાય છે અને જાહેર નાણાંનો દુરુપયોગ થાય છે. આવી પરિસ્થિતિમાં મોટા ભાગના પ્રામાણિક અધિકારીઓ અને નેતાઓની છબી પણ ખરાબ થાય છે.  ભ્રષ્ટ તત્ત્વો આખી વ્યવસ્થાને કલંકિત કરે છે. તેથી જ ગુજરાતમાં આવા તત્ત્વોને અલગ પાડીને કાબૂમાં લેવાની જરૂરિયાત વધુ મહત્ત્વની બની છે.

ગુજરાતની જનતા વિકાસ સાથે સાથે પ્રામાણિકતા પણ ઇચ્છે છે. જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને કાબુમાં લેવામાં આવશે, ત્યારે પ્રજાનો વિશ્વાસ વધુ દૃઢ થશે અને વિકાસની ગતિ જળવાઈ રહેશે. જો આ દિશામાં સમયસર અને નિષ્ઠાપૂર્વક પગલા લેવામાં આવશે તો ગુજરાતનું વિકાસ મોડલ વધુ વિશ્વસનીય બની રહેશે અને ભાજપ પર ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ જળવાશે. જોવાનું રહ્યું કે પ્રજાના હિતમાં ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ આવનારા સમયમાં ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા શું કરશે.

Leave a Reply

error: Content is protected !!