fbpx

‘ટોલ વસૂલવા છતા ખરાબ રસ્તા આપવા એ ‘સેવામાં ખામી’ છે…’ NHAIને ઠપકો; કાર માલિકને મળશે વળતર

Spread the love

'ટોલ વસૂલવા છતા ખરાબ રસ્તા આપવા એ 'સેવામાં ખામી' છે...' NHAIને ઠપકો; કાર માલિકને મળશે વળતર

મહારાષ્ટ્રના નાગપુર સ્થિત ગ્રાહક આયોગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે કે ટોલ વસૂલવા છતા નબળી ગુણવત્તાનો રસ્તો આપવો એ ‘સેવામાં ખામી’ માનવામાં આવશે છે. આયોગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ને નિર્દેશ આપ્યો છે કે રસ્તા પરના ખાડાઓને કારણે વાહનચાલકને થયેલા નુકસાન માટે વળતર આપવામાં આવે.

નાગપુર ગ્રાહક આયોગે આ મહિનાની શરૂઆતમાં જારી કરાયેલા એક આદેશમાં જણાવ્યું હતું કે, ટોલ વસૂલીને સલામત અને ચાલવા યોગ્ય રસ્તો પૂરો પાડવાની જવાબદારી ટોલ વસૂલતી કંપની અથવા ઓથોરિટીની છે. ટોલ વસૂલ્યા પછી ખરાબ રસ્તો પૂરો પાડવો એ સેવામાં ખામી છે. આયોગે NHAIના છિંદવાડા પ્રોજેક્ટ અમલીકરણ એકમને ફરિયાદીને વાહન સમારકામ અને ટોલ રિફંડ માટે ₹1,030 ચૂકવવાનો આદેશ આપ્યો.

આ ઉપરાંત, ગ્રાહક આયોગે ફરિયાદીને થયેલી માનસિક અને શારીરિક યાતના માટે ₹10,000 અને કેસના ખર્ચ માટે ₹5,000 ચૂકવવાનો આદેશ આપ્યો. ફરિયાદીના જણાવ્યા મુજબ, તે 2 ઓક્ટોબર, 2020ના રોજ નાગપુરથી મધ્યપ્રદેશના છિંદવાડા જઈ રહ્યો હતો અને તેણે નિર્ધારિત ટોલ ફી ચૂકવી હતી. મુસાફરી દરમિયાન તેની કાર એક ઊંડા અને તેજ ખાડા સાથે અથડાઈ, જેના કારણે સ્ટીલ વ્હીલ રિમ પૂરી રીતે વળી ગઈ અને ટાયર ફાટી ગયું.

NHAI2

ફરિયાદીએ જણાવ્યું કે તેણે સ્પેર ટાયરના સહારે મુસાફરી પૂર્ણ કરવી પડી અને કાર રિપેર કરાવવા માટે એક વધારાનો દિવસ રોકાવું પડ્યું. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે વાપસી દરમિયાન, ટોલ પ્લાઝા સ્ટાફે ફરિયાદ બુક આપવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે સંબંધિત અધિકારીઓ ઉપલબ્ધ નથી. ફરિયાદીએ શરૂઆતમાં NHAIને ફક્ત વાહન સમારકામ ખર્ચ માટે વળતર માંગતી નોટિસ મોકલી હતી, પરંતુ આરોપ લગાવ્યો કે લોકોની ફરિયાદોને અવગણવાની આદત અધિકારીઓએ તેના પર ધ્યાન ન આપ્યું.

ત્યારબાદ, તેણે ગ્રાહક આયોગનો સંપર્ક કર્યો અને NHAI દ્વારા સેવામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો અને વળતર માંગ્યું. તેના જવાબમાં NHAIના છિંદવાડા યુનિટે રસ્તા પર ખાડા હોવાની વાત સ્વીકારી હતી, પરંતુ ભારે વરસાદ અને ટ્રાફિકના ભારણને કારણે તે ખાડા પડ્યા હોવાનું જણાવ્યું હતું. ઓથોરિટીએ જણાવ્યું હતું કે તે સમયે સમારકામનું કામ ચાલી રહ્યું હતું. જોકે, NHAIએ એવી પણ દલીલ કરી હતી કે ફરિયાદીને વાહનના નિયમિત મેન્ટેનેન્સના કોઈ પુરાવા રજૂ કર્યા નથી એટલે ફરિયાદ ફગાવી દેવી જોઈએ.

NHAI

ગ્રાહક આયોગે NHAIની આ દલીલને નકારી કાઢતા જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક માટે વાહનના નિયમિત મેન્ટેનેન્સના રેકોર્ડ રજૂ કરવા કાયદેસર રીતે જરૂરી નથી. ખાડાઓને કારણે વાહનને નુકસાન થયું તે  જ પૂરતું છે. કમિશને NHAIના છિંદવાડા પ્રોજેક્ટ યુનિટને રસ્તા માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું અને NHAI અને તેની નાગપુર ઓફિસ સામેની ફરિયાદને ફગાવી દીધી.

ગ્રાહક આયોગે કહ્યું કે, ટોલ વસૂલી અને રસ્તાની જાળવણીની પ્રાથમિક જવાબદારી NHAI છિંદવાડા યુનિટની છે; એટલે, વળતરની જવાબદારી પણ તેમની છે. વસૂલવામાં આવેલા ટોલના બદલામાં સલામત અને સારી રીતે જાળવણી કરાયેલ રસ્તો પૂરો પાડવાની જવાબદારી સંબંધિત ઓથોરિટીની છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનને નુકસાન એ સેવામાં ખામી છે. આયોગે NHAIને 45 દિવસની અંદર વળતરની રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

error: Content is protected !!