
છેલ્લા અઠવાડિયાથી બધાની નજર પુણે કેતન અગ્રવાલ હત્યા કેસ અને આરોપી સિયા પર હતી. બધા સિયા અને તેના રહસ્યની વાર્તામાં ખોવાયેલા હતા. આ દરમિયાન, ચુપકેથી મેઘાલયથી એક એવા સમાચાર આવ્યા, અને કોઈનું ધ્યાન તેના પર ગયું જ નહીં. આ સમાચાર ઇન્દોરની સોનમ વિશે હતા, જેની વાર્તા પુણેની સિયા દ્વારા નકલ કરવામાં આવી હતી. સિયા હાલમાં પુણે પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે સોનમ જામીન પર મુક્ત થઇ છે.

હત્યા જેવા ગંભીર ગુના માટે 11 મહિનાની અંદર આરોપી ખૂનીને જામીન પર મુક્ત કરવામાં આવે તેવું ભાગ્યેજ બને છે. પરંતુ અહીં લોકો વિશ્વાસ જ કરી શકતા નથી કે સોનમે જે કર્યું છે તે છતાં પણ તે આટલી સરળતાથી અને આટલી ઝડપથી જામીન પર મુક્ત થઈ શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, કોર્ટ સોનમને નિર્દોષ પણ માનતી નથી. પરંતુ છતાં પણ કોર્ટે સોનમને જામીન પર કેમ મુક્ત કરી? જ્યારે તમે જવાબ જાણશો ત્યારે તમને આશ્ચર્ય થશે.
કદાચ આ દેશમાં પહેલો કેસ છે જ્યાં કાયદાની ખોટી કલમ અને મેઘાલય પોલીસની એક નાનકડી ભૂલને કારણે સોનમ જેલમાંથી બહાર આવી. ખરેખર જોવા જઈએ તો, મેઘાલય પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કર્યા પછી સોનમ પર લાગુ કરેલી નવી રચાયેલી ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની જે કલમ લગાવી હતી તે કાયદાના પુસ્તકોમાં તો નથી જ, કોઈ પણ કોર્ટ કે પોલીસ સ્ટેશનના પાનામાં પણ નોંધાયેલી નથી.

આનો અર્થ એ થયો કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસે સોનમ પર લાગુ કરેલી કલમ અસ્તિત્વમાં નથી. હવે જ્યારે આ કલમ અસ્તિત્વમાં જ નથી, તો કોર્ટને કેવી રીતે ખબર પડશે કે પોલીસે સોનમની કયા ગુનામાં ધરપકડ કરી હતી? અને જ્યારે પોલીસ પોતે જ જાણતી નથી, તો તેઓ સોનમને કેવી રીતે કહેશે કે તેની કયા ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી? આ શબ્દો મેઘાલય હાઈકોર્ટના છે, જેણે સોનમને જામીન આપ્યા હતા. જો તમને હજુ પણ આખી વાર્તા સમજાતી નથી, તો ચાલો તેને સરળ શબ્દોમાં સમજી લઈએ.
ગયા વર્ષે મે મહિનામાં રાજા રઘુવંશીની હત્યા પછી, મેઘાલય પોલીસે સોનમ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. આમાં 3 ભાડુતી હત્યારા હતા અને એક સોનમનો પ્રેમી શામેલ હતો. ત્યાર પછી, મેઘાલય પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, જેમાં સોનમને તેના જ પતિની હત્યા માટે આરોપી નંબર વન તરીકે નામ આપવામાં આવ્યું. ચાર્જશીટ દાખલ થયા પછી, ટ્રાયલ શરૂ થઈ. ટ્રાયલ શરૂ થતાં જ, સોનમે શિલોંગની નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી. અહીંથી જ રમત શરૂ થઈ.

હકીકતમાં, 1 જુલાઈ, 2024થી, બ્રિટિશ યુગથી ચાલી રહેલા CrPC અને IPCમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા. માત્ર તેમના નામ જ નહીં, પરંતુ ઘણી કલમો પણ દૂર કરવામાં આવી હતી અથવા તેને જોડી દેવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ને હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) દ્વારા બદલવામાં આવી હતી. આ BNS હેઠળ, દેશમાં આચરવામાં આવતા તમામ ગુનાઓને 358 કલમો હેઠળ સમાવવામાં આવ્યા હતા.
BNS હેઠળ, દેશમાં થતા દરેક પ્રકારના ગુના માટે કુલ 358 કલમો જ છે. હવે, એ સ્પષ્ટ છે કે, જ્યારે આઝાદી પછીના સમયથી ચાલી આવેલી IPC કલમોની જગ્યા BNS અને તેની નવી કલમોએ લઇ લીધી છે, ત્યારે માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ પોલીસ અને કાયદાનું અમલીકરણ કરનારાઓને પણ તેમને સમજવા અને યાદ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પાડી રહ્યો છે. ઉદાહરણ તરીકે, પહેલા એ વાત સામાન્ય હતી કે IPCની કલમ 300નો અર્થ હત્યા થાય છે, અને કલમ 302નો અર્થ કેટલી સજા મળશે તે થાય છે. BNSમાં, કલમ 300ની જગ્યાએ 101 થઇ ગયું છે. હવે 101નો અર્થ હત્યા થાય છે. જ્યારે, BNSમાં 302ની જગ્યાએ એક નવી કલમ 103 બનાવવામાં આવી છે. 103 હત્યા માટે કઈ સજા મળશે તે સ્પષ્ટ કરે છે.

સોનમના કેસમાં ભૂલ એ હતી કે મેઘાલય પોલીસે BNSની કલમ 103ને બદલે કલમ 403 લખી, જેનો અર્થ હત્યા થાય છે. હવે, BNS કલમ 358 પર આવીને અટકી જાય છે, તેથી સ્પષ્ટ છે કે કાયદાના પુસ્તકમાં કલમ 403 અસ્તિત્વમાં જ નથી. શિલોંગની નીચલી અદાલતે બસ આ એક ભૂલ પકડી. કોર્ટે દલીલ કરી હતી કે જો કલમ 403 અસ્તિત્વમાં જ નથી, તો તેઓ કેવી રીતે જાણી શકશે કે સોનમની કયા ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી? આનો અર્થ એ થયો કે પોલીસે સોનમના ગુનાનો ખુલાસો પણ તેને બતાવ્યો ન હશે. તેથી, નીચલી અદાલતે આ વર્ષે 27 એપ્રિલે સોનમને જામીન પર મુક્ત કરી.
સ્વાભાવિક છે કે, સોનમને જામીન મળવા એ દરેક માટે આશ્ચર્યની જ વાત હતી. મેઘાલય પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. આ પછી, મેઘાલય પોલીસે સોનમને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણયને મેઘાલય હાઈકોર્ટમાં પડકાર્યો. મેઘાલય હાઈકોર્ટમાં લાંબી ચર્ચા ચાલી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે હાઈકોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવી દેશે અને સોનમના જામીન નામંજૂર કરશે. જોકે, મેઘાલય હાઈકોર્ટે પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

મેઘાલય હાઈકોર્ટે પણ સોનમના કેસમાં BNSની એ કલમ 403 વાળી ભૂલ પકડી લીધી હતી, જે અસ્તિત્વમાં જ નથી. હાઈકોર્ટે દલીલ કરી હતી કે, BNSની કલમ 403, જે અસ્તિત્વમાં જ નથી, તે સોનમ સામે આરોપો શું છે તે જાહેર કરી શકતું નથી. હાઈકોર્ટે એવી પણ દલીલ કરી હતી કે, ખોટી કલમ લાગુ કરવાથી એવી ખબર થાઈ છે કે, સોનમ પોતે પણ જાણતી ન હશે, અથવા પોલીસે તેને પણ જાણ કરી ન હશે કે તેને કયા ગુના હેઠળ પકડવામાં આવી છે.
તેથી, નીચલી કોર્ટનો નિર્ણય સાચો છે, અને સોનમ જામીન મેળવવા માટે હકદાર છે. 29 જૂનના રોજ, મેઘાલય હાઈકોર્ટે આ આધારે સોનમના જામીન રદ કરવા માટે મેઘાલય પોલીસની અરજી ફગાવી દીધી હતી. હવે વિચારો કે, એક નાની કાનૂની ભૂલે સોનમને એ આઝાદી આપી દીધી, જે તેને ભાગ્યે જ વર્ષો સુધી મળી શકી હોત. જામીન પર છૂટ્યા પછી સોનમ શિલોંગમાં રહે છે. સોનમને જામીન મળ્યા પછી રાજા રઘુવંશીના માતા-પિતા પણ આશ્ચર્યચકિત છે.

જોકે, મેઘાલય પોલીસે જાહેરાત કરી છે કે, તેઓ હવે દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે. મેઘાલય પોલીસે એમ પણ જણાવ્યું છે કે, તેમણે કલમ તૈયાર કરવામાં ભૂલ કરી હતી અને ત્યાર પછી કોર્ટ સમક્ષ આ ભૂલ સ્વીકારી પણ હતી. જોકે, મેઘાલય પોલીસ આ એક ભૂલને કારણે સોનમને જામીન મળવા એ ખોટું માને છે.