
સામાન્ય રીતે, વરસાદની ઋતુમાં ઝાડ પડવાના સમાચાર નુકસાનના હોય છે, પરંતુ બેંગલુરુના 85 વર્ષીય એન.જી. કેસરી માટે, એક પડી ગયેલું ઝાડ તેમના જીવનના શ્રેષ્ઠ સમાચાર બની ગયું. ભારે વરસાદ અને તોફાન દરમિયાન લગભગ 40 વર્ષથી તેમના આંગણામાં ઉભું ચંદનનું ઝાડ પડી ગયું, પરંતુ આ ઝાડે તેમને આશરે ₹28 લાખના માલિક બનાવી દીધા. આટલું જ નહીં, સરકારે તેમને ધીરજ અને વૃક્ષને સાચવવાના પ્રયાસોને માન્યતા આપવા માટે સેન્ડલવૂડ શિરોમણી’ એવોર્ડથી સન્માનિત કર્યા.
લગભગ ચાર દાયકા અગાઉ, તેમના આંગણામાં એક ચંદનનું છોડ સ્વયંભૂ ઉગી નીકળ્યું હતું. કેસરીએ તેનું પાલન-પોષણ કર્યું, અને સમય જતાં, તે સમય સાથે એક વિશાળ વૃક્ષ બની ગયું. તેની સુગંધ દૂર દૂર સુધી ફેલાવા લાગી, પરંતુ આનાથી લાકડા ચોરોનું ધ્યાન પણ તેના પર પડી. વૃક્ષને બચાવવા માટે, તેમણે તેની આસપાસ એક મજબૂત લોખંડનું પાંજરું લગાવ્યું હતું.

આ વર્ષે જૂનમાં થયેલા ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન, નજીકમાં એક મોટું ઝાડ ચંદનના ઝાડ પર પડ્યું, જેના કારણે તે પણ ઘરાશાયી થઇ ગયું. નુકસાનને બદલે કેસરીએ નિયમોનું પાલન કર્યું અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી. વિભાગની પરવાનગીથી, ઝાડને મૈસુરના સરકારી ચંદન ડેપોમાં મોકલવામાં આવ્યું, જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે તેનું વજન લગભગ એક ટન હતું.
ત્યારબાદ, કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડે ચંદનનું લાકડું ખરીદ્યું, જેનાથી કેસરીને આશરે ₹28 લાખનો ચોખ્ખો નફો થયો. રાજ્ય સરકારે ચંદનના ઝાડના રક્ષણ અને જાળવણી માટેના તેમના વર્ષોના સમર્પણ માટે તેમને ‘સેન્ડલવૂડ શિરોમણી’ પુરસ્કારથી પણ સન્માનિત કર્યા.