
છેલ્લા કેટલાક દિવસોથી E20 પેટ્રોલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રસ્તાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી, દરેક જગ્યાએ ઇથેનોલ મિશ્રણ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આજે આ મુદ્દો હવે સંસદમાં પહોંચી ગયો છે. કોઇએ માઇલેજ ઘટવાની વાત કહી તો કોઇએ વાહનના કમ્પોનેન્ટ્સને નુકસાન થવાની ફરિયાદ કરી છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે શું E20 પેટ્રોલ તમારા બાઇક અથવા કારના એન્જિન પર પ્રતિકૂળ અસર કરી શકે છે, તો કેન્દ્ર સરકારે આના પર મોટો જવાબ આપ્યો છે.
સરકારનું કહેવું છે કે એવા કોઈ નક્કર પુરાવા નથી કે જે દર્શાવે છે કે E20 પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડે છે. આટલું જ નહીં, હાલમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ વધારવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારનું કહેવું છે કે, ભવિષ્યમાં E20 થી આગળ વધવાનો વિચાર હશે તો તે માત્ર વૈજ્ઞાનિક તપાસ, વાહન કંપનીઓ સાથે પરામર્શ અને તમામ જરૂરી પરીક્ષણો પૂર્ણ થયા પછી જ કરવામાં આવશે. આમ, સરકારે E20 પેટ્રોલને લઇને ચાલી રહેલી વિવિધ અટકળો અંગે પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું છે.
સોમવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે દેશમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) કાર્યક્રમને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે અને ફેઝ્ડ મેનર પ્લાનિંગ સાથે લાગૂ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં નીતિ આયોગ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI), સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM), ઇન્ડિયન ઓઇલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને વાહન ઉત્પાદકોએ મળીને કામ કર્યું છે.
સરકારનું કહેવું છે કે ભારતે નિર્ધારિત સમય કરતા લગભગ પાંચ વર્ષ વહેલા 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આની પાછળ બે દાયકાથી વધુની તૈયારી ચાલી, વૈજ્ઞાનિક સંશોધન, તમામ પક્ષૌ સાથે પરામર્શ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ટર તૈયાર કરવાની પ્રક્રિયારહી છે.

એન્જિન ખરાબ થવા પર શું બોલી સરકાર
સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી વાહન નિર્માતા કંપનીઓ ઓટોમોબાઇલ સંગછનો અથવા ઉપભોક્તા સંગઠનો તરફથી E20 પેટ્રોલને કારણે એન્જિન ખરાબ થવા, ઇંધણ પંપમાં સમસ્યાઓ, કાટ લાગવા, માઇલેજમાં ઘટાડો, પાણી મળવા અથવા અન્ય મોટી તકનીકી સમસ્યાઓ અંગે અત્યાર સુધી કોઈ પ્રમાણિત અથવા મોટા પાયે ફરિયાદો પ્રાપ્ત થઈ નથી.
સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, મીડિયા અને સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલી આવી બધી ચિંતાઓની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી. લેબ ટેસ્ટ, ફિલ્ડ ટ્રાયલ અને વાસ્તવિક દુનિયામાં એ જાણવા મળ્યું કે સ્થાપિત ધોરણો અનુસાર ઉપયોગ કરવામાં આવે ત્યારે E20 પેટ્રોલ સંપૂર્ણપણે સલામત છે. જૂના વાહનોમાં પણ તેના ઉપયોગથી પ્રદર્શન પર કોઇ મોટો ફેરફાર અથવા કંપોનેન્ટમાં નુકસાન જોવા મળ્યું નથી.
સરકારે જણાવ્યું છે કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી દેશમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર્સ અને 3 કરોડથી વધુ પેટ્રોલ કાર E15+ પેટ્રોલ પર ચાલી રહી છે. તો, અઢી વર્ષથી વધુ સમયથી E19 અને E20 પેટ્રોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ છતા એન્જિન એન્જિન ખરાબ થવા અથવા ઇથેનોલને કારણે મોટી તકનીકી સમસ્યાઓના કોઈ પુષ્ટિ થયેલા કેસ સામે આવ્યા નથી. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી સમસ્યાઓ અંગે રાજ્યવાર ફરિયાદોનો રેકોર્ડ શૂન્ય છે.
પાણીના મિલાવટ અંગે સરકારનો જવાબ
E20 પેટ્રોલમાં પાણી મળવાની ચિંતાઓ પર સરકારે જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ સંદર્ભમાં મોટરચાલકોને કોઈ સલાહ જાહેર કરી નથી. આનું કારણ એ છે કે તમામ પેટ્રોલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર સપ્લાય કરવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ ખરીદી, ઇથેનોલ મિશ્રણ, સ્ટોરેજ, પરિવહન અને પેટ્રોલ પંપ સુધી સપ્લાય સુધીની સમગ્ર પ્રક્રિયામાં કડક નિયમોનું પાલન કરે છે. ડિસ્ટિલરી, ડેપો અને પેટ્રોલ પંપ પર પણ નિયમિત ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે.

સરકારે જણાવ્યું કે, છેલ્લા 10 થી 20 દિવસમાં મળેલી ફરિયાદોના આધારે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરના પેટ્રોલ પંપ પર 30,000થી વધુ ગુણવત્તા તપાસ હાથ ધરી છે. તેનો ઉદ્દેશ્ય ભેળસેળ અટકાવવાનો અને ખાતરી કરવાનો હતો કે ફક્ત નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતું પેટ્રોલ ગ્રાહકો સુધી પહોંચે. આ સાથે જ, રાજ્યોને ઇંધણ ભેળસેળ અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ અપનાવવાનું કહેવામાં આવ્યું છે.
સરકારી ડેટા પર નજર કરીએ તો છેલ્લા દાયકામાં ભારતમાં ઇથેનોલ મિશ્રણ ઝડપથી વધ્યું છે. 2013-14 માં, પેટ્રોલમાં સરેરાશ ઇથેનોલ મિશ્રણ માત્ર 1.53 ટકા હતું. આ આંકડો 2020-21માં 8.2 ટકા, 2021-22માં 10 ટકા, 2022-23માં 12 ટકા અને 2023-24માં 14.6 ટકા થયો. ત્યારબાદ, 2024-25માં તે 19.2 ટકા પર પહોંચ્યો. તો, 2025-26ના સમયગાળામાં નવેમ્બર અને જૂન વચ્ચે, દેશે 20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેને સરકારે નક્કી સમયક કરતા લગભગ પાંચ વર્ષ વહેલું પ્રાપ્ત કરવાનો દાવો કર્યો છે.
સરકારે એમ પણ કહ્યું કે ઇથેનોલ કોઈ નવું ફ્યૂલ નથી; તેનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં એક સદીથી વધુ સમયથી કરવામાં આવી રહ્યો છે. બ્રાઝિલ જેવા દેશોમાં લાંબા સમયથી વધુ ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતનો ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ 2021માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. E5 પેટ્રોલ 2006માં રજૂ કરવામાં આવ્યું હતું, અને પછી ઉત્પાદન ક્ષમતા, માળખાગત સુવિધાઓ અને નિયમોમાં ધીમે-ધીમે સુધારા દ્વારા દેશ E10, E15 અને હવે E20 સુધી આગળ વધ્યો છે. સરકારનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક સંશોધન અને સતત દેખરેખના આધારે આગળ વધી છે.