
બુધવારે બોમ્બે હાઈકોર્ટે નવી મુંબઈની ચાર-સ્ટાર હોટેલ ‘પાર્ક ઇન બાય રેડિસન’ના ફૂડ સેફ્ટી લાઈસન્સના સસ્પેન્શનને રદ કરી દીધું. કોર્ટે કહ્યું કે સ્વચ્છતા, જાળવણી અને કામગીરી અંગે કુલ મળીને સંતોષકારક અહેવાલ હોવા છતા ફક્ત બે કીડાઓ મળવાના આધારે લાઇસન્સ સસ્પેન્શન ચાલુ રાખવું વાજબી નથી.
જસ્ટિસ ગૌતમ અંખાડ સાથે આ મામલાની સુનાવણી કરતા, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગેએ ટિપ્પણી કરી કે, ‘આપણે ભારતમાં છીએ. આપણે વ્યવહારુ અભિગમ અપનાવવો પડશે.’ હોટેલે 3 જુલાઈના FDAના એ આદેશને પડકાર્યો હતો, જેમાં અચાનક કરવામાં આવેલી તપાસ પછી તેના FSSAI લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. તપાસમાં સ્વચ્છતા, સેનિટેશન, ખાદ્ય સંગ્રહ અને ખાદ્ય સંભાળ પદ્ધતિઓમાં ગંભીર ખામીઓ બહાર આવી હતી.

હોટલના નિયમોનું પાલન કરવાના દાવાને બાદ, હાઇકોર્ટે 17 અને 20 જુલાઈના રોજ નવેસરથી તપાસનો આદેશ આપ્યો. 22 જુલાઈના અહેવાલમાં નિયમોનું 95% પાલન થતું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ડીશવોશર અને મીઠાઈ બનાવવાની જગ્યા પર વંદા હોવાની વાત પણ સામે આવી હતી.
હોટલના વકીલે દલીલ કરી હતી કે જ્યારે અન્ય તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે ફક્ત બે કીડાઓની હાજરી પ્રતિષ્ઠાનને સસ્પેન્ડ રાખવા માટે પૂરતું કારણ નથી. તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે સાફ-સફાઇ, સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના ઉચ્ચતમ ધોરણો જાળવવામાં આવશે. હાઇકોર્ટે આ આશ્વાસન સ્વીકારી લીધું.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તે આ મોટો મુદ્દા પર નિર્ણય લઇ રહી નથી કે શું સસ્પેન્શન પહેલા સુધારણા માટે 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે. કોર્ટે આ પ્રશ્ન ખુલ્લો છોડી દીધો. હાઇકોર્ટે સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત ખાદ્ય સંસ્થાઓ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કરવામાં આવેલા નિરીક્ષણો અંગે વિગતો માંગી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તે શુક્રવાર સુધીમાં માહિતી સબમિટ કરશે. કોર્ટે આ મામલે લેવાયેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા માટે 31 જુલાઈની તારીખ નક્કી કરી છે.