
પ્રખ્યાત ફૂડ આઉટલેટ હલ્દીરામે તાજેતરમાં જ લંડનના લિસેસ્ટર સ્ક્વેરમાં તેનું પહેલું રેસ્ટોરન્ટ ખોલ્યું. લંડનમાં ખુલેલા આ પહેલા રેસ્ટોરન્ટમાં મોટી ભીડ અને લાંબી કતારો જોવા મળી. ભારતીય ભોજનનો સ્વાદ માણવા માટે વિદેશી લોકો પણ હલ્દીરામમાં ઉમટી પડ્યા હતા, અને આના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન, એક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.
લંડનના લિસેસ્ટર સ્ક્વેરમાં હલ્દીરામ UK રેસ્ટોરન્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. આ સમાચારથી ઘણા લોકો નિરાશ થયા છે, કારણ કે અગાઉ રેસ્ટોરન્ટમાં લાંબી કતારો જોવા મળી હતી. લોકો ત્યાં ખાવા-પીવાનું ખુબ પસંદ કરી રહ્યા હતા.

બ્રાન્ડે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ રેસ્ટોરન્ટને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી હતી. બ્રાન્ડે પુષ્ટિ આપી હતી કે, UK પાવર નેટવર્ક્સ (UKPN) દ્વારા ઇલેક્ટ્રિકલ કાર્યને કારણે 21 જુલાઈથી આઉટલેટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી રહ્યું છે.
તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @haldiramsuk.restaurants પર એક પોસ્ટમાં, આ રેસ્ટોરન્ટે જણાવ્યું હતું કે, ‘અમે ટૂંક સમયમાં પાછા આવીશું. અમારી સાથે જોડાયેલા રહો.’ કંપનીએ એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં UKPN દ્વારા ઇલેક્ટ્રિકલ કામ ચાલી રહ્યું હોવાથી રેસ્ટોરન્ટ બંધ છે. કંપનીએ અસુવિધા બદલ માફી પણ માંગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરન્ટ ફક્ત થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું છે. બ્રાન્ડ નજીકના ભવિષ્યમાં ફરીથી કાર્યરત થશે. અહીં તમને જણાવી દઈએ કે, જૂનમાં જ બ્રાન્ડે લંડનમાં લિસેસ્ટર સ્ક્વેરમાં 19-20 ઇરવિંગ સ્ટ્રીટ પર તેનું પહેલું આઉટલેટ ખોલ્યું.

આશરે 3,000 ચોરસ ફૂટના આઉટલેટમાં 120 મહેમાનો માટે ઇન્ડોર સીટિંગ અને વધારાની 20 આઉટડોર સીટ છે. અહીં તમને બતાવી દઈએ કે, બ્રાન્ડના પરંપરાગત કિક-સર્વિસ મોડેલથી વિપરીત, આ લંડન રેસ્ટોરન્ટ વધુ પ્રીમિયમ, કેઝ્યુઅલ ડાઇનિંગ અનુભવ પ્રદાન કરે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આ રેસ્ટોરન્ટ ખુલતા જ લાંબી કતારો લાગવાની શરુ થઇ ગઈ, જે ઝડપથી લંડનના ભારતીય સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો. રેસ્ટોરન્ટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. લોકો હવે તેના ફરીથી ખોલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીં તમને બતાવી દઈએ કે, હલ્દીરામ UKએ ફરીથી ખોલવાની તારીખ જાહેર કરી નથી.