
તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ થવાની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. આ સાથે, કોર્ટે કેસ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
7 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન, સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં જોડાઈ હતી અને કેસ ન ચલાવવાના કારણો સમજાવ્યા હતા.

અહેવાલો અનુસાર, જ્યારે ચેંગલપટ્ટુ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, ત્યારે સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થઈ હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે ન્યાયાધીશ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, તે હવે કેસ આગળ વધારવા માંગતી નથી અને તેના કારણો જણાવ્યા હતા.
કોર્ટના સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ આપી છે કે, તેમને સાંભળ્યા પછી, કોર્ટે અરજી પાછી ખેંચી લીધી હોવાનું અને કેસ બંધ કરી દીધો હોવાનું માન્યું છે. અગાઉ, 15 જૂનના રોજ, સ્થાનિક કોર્ટે કેસની કાર્યવાહી મુલતવી રાખી અને આગામી તારીખ 7 ઓગસ્ટ નક્કી કરી હતી.

આ કાનૂની લડાઈ ફેબ્રુઆરી 2026માં શરૂ થઈ, જ્યારે સંગીતાએ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ ચેંગલપટ્ટુ કોર્ટનો સંપર્ક કર્યો. તેની અરજીમાં, તેમણે લગ્નના સબંધને પુરી રીતે પુરા થયેલા જાહેર કરવામાં આવે. સંગીતાએ જણાવ્યું હતું કે, તેમની વચ્ચે કંઈપણ બરાબર નથી ચાલી રહ્યું અને લગ્ન પુરી રીતે તૂટી ગયા છે. અરજીમાં, તેમણે વિજય પર લગ્નેત્તર સંબંધો, માનસિક ક્રૂરતા, ઉપેક્ષા અને ત્યાગ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા.
અહેવાલો અનુસાર, સંગીતાએ તેની અરજીમાં દાવો કર્યો હતો કે, તેને 2021માં વિજયના એક અભિનેત્રી સાથેના અફેરની જાણ થઈ હતી. સંગીતાએ આરોપ લગાવ્યો હતો કે વિજયે સંબંધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે ચાલુ રહ્યું, જેના કારણે તેને ભારે માનસિક તકલીફ થઈ. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, વિજય ધીમે ધીમે પરિવારથી દૂર થઈ ગયો, સંગીતાને તેના વ્યાવસાયિક અને જાહેર કાર્યક્રમોથી બાકાત રાખી હતી અને ભાવનાત્મક, શારીરિક અને નાણાકીય સહાય આપવાનું બંધ કરી દીધું.

વિજય અને સંગીતા વચ્ચે ઘણા લાંબા સમયથી સંબંધ હતો. તેમના લગ્ન સૌપ્રથમ 1998માં UKમાં નોંધાયેલા હતા, ત્યારપછી તેમણે 1999માં ચેન્નાઈમાં પરંપરાગત વિધિઓ અનુસાર લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે બાળકો છે, પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્યા સાશા. બંને લાંબા સમય સુધી સુખી લગ્નજીવન જીવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધોમાં અંતર આવવા લાગ્યું.

સંગીતાએ જાહેર કાર્યક્રમો અને વિજયના પારિવારિક મેળાવડામાં આવવાનું બંધ કરી દીધું ત્યારે તેમના અલગ થવાની અટકળો શરૂ થઈ. જોકે, સંગીતાએ પોતે કોર્ટનો સંપર્ક કર્યો ત્યાં સુધી બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓને સત્તાવાર રીતે સમર્થન આપ્યું ન હતું. કોર્ટમાં અરજી દાખલ થયા પછી જ સ્પષ્ટ થઈ ગયું કે બંને વચ્ચે અણબનાવ છે, જે હવે અરજી પાછી ખેંચી લેવાથી એક નવા વળાંક પર પહોંચી ગઈ છે.