

સરકાર ભારતમાં એક વ્યક્તિ કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદાને કડક રીતે લાગૂ કરવા જઇ રહી છે. 24 ઓગસ્ટથી, ટેલિકોમ ઓપરેટરોએ ખાતરી કરવી પડશે કે ગ્રાહકો તેમના નામ પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ સિમ કાર્ડ ન મેળવી શકે. 17 ઓગસ્ટના રોજ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ એવા ગ્રાહકોની ઓળખ કરવા માટે તકનીકી અને વહીવટી પગલાં લે જે નક્કી મર્યાદા કરતા વધુ કનેક્શન લેવા માંગે છે.
વ્યક્તિ કેટલા સિમ કાર્ડ રાખી શકે છે?
વર્તમાન નિયમો હેઠળ, એક ગ્રાહક વિવિધ ટેલિકોમ ઓપરેટરો અને સેવા ક્ષેત્રોમાં કુલ 9 મોબાઇલ કનેક્શન રાખી શકે છે. જોકે, જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના રહેવાસીઓ માટે મર્યાદા 6 કનેક્શનની છે. નવા નિયમો હેઠળ, ટેલિકોમ કંપનીઓએ નવો નંબર સક્રિય કરતા પહેલા ગ્રાહકના હાલના કનેક્શનની ચકાસણી કરવી પડશે. અરજદારોએ તેમના નામે પહેલાથી નોંધાયેલા મોબાઇલ નંબરોની વિગતો પણ આપવી પડશે, જેમાં અન્ય ઓપરેટરો અથવા વિવિધ સેવા ક્ષેત્રોમાં મેળવેલા કનેક્શનનો સમાવેશ થાય છે.

DoT તેના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)નો ઉપયોગ કરીને ટેલિકોમ ઓપરેટરોની મદદ કરશે, જેથી એ જાણી શકાશે કે કોઇ ગ્રાહક નિર્ધારિત મર્યાદા સુધી પહોંચી ગયો છે કે નહીં. આ પ્લેટફોર્મ વિવિધ ટેલિકોમ કંપનીઓના ગ્રાહક ડેટાને એકત્રિત કરે છે. 23 ઓગસ્ટથી, DIP એવા ગ્રાહકોનો ફોટોગ્રાફ પણ બતાવશે, જેમણે સિમની મર્યાદા પૂરી કરી લીધી છે. આનાથી ઓપરેટરોને ચકાસણીનું વધુ એક માધ્યમ મળશે. ટેલિકોમ કંપનીઓને જરૂરી એકીકરણ પૂર્ણ કરવા અને તેમની સિસ્ટમોને આ પ્લેટફોર્મ સાથે જોડવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

જો ભૂલથી નિર્ધારિત મર્યાદા કરતા વધુ મોબાઇલ કનેક્શન ચાલૂ થઇ જાય છે, તો મામલો ઉકેલવા દરમિયાન તેને તાત્કાલિક એક દિવસ માટે સસ્પેન્ડ કરી શકાય છે. આવું ‘ગ્રાહક અરજી ફોર્મ’ની શરતો અનુસાર કરવામાં આવશે. DoTએ જણાવ્યું હતું કે આ પગલાંનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહક નિર્ધારિત મર્યાદામાં રહે અને ટેલિકોમ ઓપરેટરો સતત નિયમોનું પાલન કરે.