fbpx

વિદ્યાનું ધામ છે કે દારુનો અડ્ડો? ગુજરાતની આ શાળાના આચાર્યની ઓફિસમાંથી દારુની ઢગલાબંધ બોટલો મળી

Spread the love

વિદ્યાનું ધામ છે કે દારુનો અડ્ડો? ગુજરાતની આ શાળાના આચાર્યની ઓફિસમાંથી દારુની ઢગલાબંધ બોટલો મળી

ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોજીત્રાના લિંબાલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પવિત્ર વિદ્યાધામને દારૂનો અડ્ડો બનાવી દેનાર આચાર્યને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાળકોને સંસ્કાર અને જ્ઞાન આપતા આચાર્ય પોતે જ શાળાના સમય દરમિયાન દારૂના નશામાં ધૂત રહેતા હોવાનું સામે આવતાં સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. સોજીત્રા પોલીસે દારૂની બોટલો કબજે કરી આચાર્ય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સમાજમાં શિક્ષકને સો માતાની ગરજ સારનાર અને બાળકોના ભવિષ્યના ઘડવૈયા માનવામાં આવે છે. પરંતુ લીંબાલી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય સુરેશ માછીએ આ પવિત્ર પદની મર્યાદાના ધજાગરા ઉડાવ્યા છે. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં લીંબાલી આવ્યું છે, અહીં મુખ્યત્વે આર્થિક રીતે પછાત અને ગરીબ મજૂરોના બાળકો અભ્યાસ કરવા આવે છે.

principal-office1

લીંબાલી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની ઓફિસની તિજોરીમાંથી જ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયા છે. જ્યારે શાળામાં રહેલી તિજોરી ખોલી ત્યારે અંદર રહેલા ચારેય ખાનામાં ઢગલાબંધ દારૂની બોટલોનો ખડકલો જોવા મળ્યો હતો, એકપણ ખાનું એવું નહોતું કે ખાલી હોય. જ્યારે 2 દારૂ ભરેલી બોટલો પણ મળી આવી છે.

શાળામાં દારૂ હોવાની ચોક્કસ બાતમી અથવા શંકાના આધારે સોજીત્રા પોલીસની ટીમ લીંબાલી પ્રાથમિક શાળા ખાતે દરોડો પાડવા પહોંચી હતી. પોલીસે જ્યારે આચાર્ય સુરેશ માછીની ઓફિસમાં આવેલી તિજોરી અને કબાટની તલાશી લીધી, ત્યારે તલાશી લેનાર પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કબાટમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની 2 અડધી ભરેલી બોટલો અને કુલ 50 જેટલી ખાલી દારૂની બોટલો મળી આવી હતી.

police-station3

શાળામાંથી આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો મળી આવવાની ઘટના અંગે સોજીત્રાના ઇનચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બાબતની ગંભીરતા જોઈને સોજીત્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે શાળાના કલંકિત આચાર્ય સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

principal-office2

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આચાર્ય સુરેશ માછી વિદેશી દારૂના વ્યસની હોવાનું સામે આવ્યું છે. વિદ્યાના ધામમાં દારૂનો જથ્થો છુપાવવાની આ શરમજનક ઘટનાને પગલે સોજીત્રા પોલીસે તમામ બોટલો કબજે કરી આચાર્ય સામે ગુનો દાખલ કર્યો છે. આ ઘટના વાયુવેગે પ્રસરી જતા સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ માગ કરી છે કે, આચાર્ય સામે માત્ર પોલીસ કેસ જ નહીં, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા તેને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે.

Leave a Reply

error: Content is protected !!