પ્રાંતિજ એપ્રોચરોડ પર સોલર સ્ટ્રીટ લાઇટો એક દિવસના પ્રકાશ બાદ અંધકાર
હલકી ગુણવત્તાની સોલર સ્ટ્રીટ લાઇટો લગાવાયાની લોકોમાં ચર્ચા
ભારે વાહનો પસાર થતાં પાઇપ ધ્રૂજે છે, તંત્ર તપાસ કરે તેવી માંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચરોડ પર ત્રણ રસ્તાથી માતુછાયા બસ ડેપો સુધી લગાવવામાં આવેલી સોલર સ્ટ્રીટ લાઇટો એક દિવસ ચાલ્યા બાદ બંધ થઈ જતાં લોકોમાં ચર્ચા જાગી છે. લાઇટો લગાવ્યા બાદ બીજા દિવસથી જ પ્રકાશ બંધ થઈ જતાં શરૂઆતમાં જ આવી સમસ્યા સર્જાઈ છે તો આગળ શું થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે






પ્રાંતિજ એપ્રોચરોડ પર નગરપાલિકા દ્વારા રસ્તાની સાઇડમાં સોલર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાઇટો તથા તેને લગાવવામાં આવેલા પાઇપની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારે વાહનો પસાર થતાં લાઇટના પાઇપ ધ્રૂજતા હોવાનું અને ઉપર લગાવવામાં આવેલા પેનલ પણ પડુ પડુ થતા હોવાનું લોકો જણાવી રહ્યા છે એક તરફ લાઇટો એક દિવસના પ્રકાશ બાદ બંધ થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ લાઇટોની ગુણવત્તા અંગે પણ ચર્ચા થઈ રહી છે. જો આ સોલર સ્ટ્રીટ લાઇટો અને પાઇપની ખરેખર તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે હાલમાં એપ્રોચરોડ પર લગાવવામાં આવેલી સોલર સ્ટ્રીટ લાઇટો અંગે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ભારે વાહનો પસાર થતાં જ પાઇપ ધ્રૂજતા હોય તો ભવિષ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય ત્યારે શું થશે તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા સોલર સ્ટ્રીટ લાઇટોની ગુણવત્તા, પાઇપની મજબૂતી અને બંધ પડેલી લાઇટોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે